HMPV In India: ચિંતાજનક સમાચાર! ચીનમાં વકરેલા HMP વાયરસનો ભારતમાં પગપેસારો, એક જ દિવસમાં 2 કેસ નોંધાયા
HMPV Virus In India: દુનિયાભરમાં દહેશત મચાવી ચૂકેલી મહામારી કોવિડ 19 બાદ હવે HMPV નામનો નવો વાયરસ દહેશત મચાવી રહ્યો છે જેણે હાલમાં જ ચીનમાં દસ્તક આપી. હવે ભારતમાં પણ આ બીમારીનો પહેલો કેસ જોવા મળ્યો છે. એટલું જ નહીં એક સાથે બે કેસ સામે આવ્યા છે.
દુનિયાભરમાં દહેશત મચાવી ચૂકેલી મહામારી કોવિડ 19 બાદ હવે HMPV નામનો નવો વાયરસ દહેશત મચાવી રહ્યો છે જેણે હાલમાં જ ચીનમાં દસ્તક આપી. હવે ભારતમાં પણ આ બીમારીએ પગપેસારો કરી લીધો છે. એક જ દિવસમાં બે કેસ સામે આવતા ચિંતા પ્રસરી છે. 8 મહિનાની બાળકી અને 3 માસનું બાળક આ વાયરસની ઝપેટમાં આવ્યા હોવાનું કહેવાય છે.
દક્ષિણ ભારતીય રાજ્ય કર્ણાટકના પાટનગર બેંગ્લુરુની એક હોસ્પિટલમાં આઠ મહિનાની બાળકીમાં HMP વાયરસ મળી આવ્યો છે. સ્વાસ્થ્ય વિભાગનું કહેવું છે કે અમે અમારી લેબમાં તેનો ટેસ્ટ કર્યો નથી. એક ખાનગી હોસ્પિટલમાં તેના કેસ અંગે રિપોર્ટ આવ્યો છે. ખાનગી હોસ્પિટલના આ રિપોર્ટ પર શંકા કરવાનું કોઈ કારણ જણાતું નથી. અત્રે જણાવવાનું કે HMP વાયરસ સામાન્ય રીતે બાળકોમાં જ ડિટેક્ટ થાય છે. તમામ ફ્લૂ સેમ્પલોમાંથી 0.7 ટકા HMPV ના હોય છે. આ વાયરસનું સ્ટ્રેન કયો છે તે હજુ જાણી શકાયું નથી.
વાયરસના લક્ષણો કયા છે?
આ વાયરસને હ્યુમન મેટાન્યૂમોવાયરસ કે એચએમપીવી (HMPV) વાયરસ કહે છે. જેના લક્ષણો સામાન્ય રીતે શરદી-ઉધરસ જેવા હોય છે. સામાન્ય કેસોમાં તે ઉધરસ, નાક ગળવું કે ગળામાં ખારાશના લક્ષણો જોવા મળે છે. નાના બાળકો અને વૃદ્ધોમાં HMPV નું સંક્રમણ ગંભીર બની શકે છે. નબળી ઈમ્યુન સિસ્ટમવાળા લોકોમાં આ વાયરસ ગંભીર બીમારીનું કારણ બની શકે છે.
એવું કહેવાય છે કે આ વાયરસમાં સંક્રમિત દર્દીઓમાં શ્વાસ લેવાની મુશ્કેલી અને ફ્લૂ જેવા લક્ષણો દેખાય છે. હવે દિલ્હીના મેડિકલ ઓફિસર્સે વાયરસ સંલગ્ન પડકારોને પહોંચી વળવા માટે એડવાઈઝરી બહાર પાડી છે. હોસ્પિટલનો નિર્દેશ અપાયા છે કે ઈન્ફ્લૂએન્ઝા જેવી બીમારીઓના કેસો અંગે તરત IHIP પોર્ટલ દ્વારા જાણકારી આપવી. શંકાસ્પદ કેસો માટે કડક આઈસોલેશન પ્રોટોકોલ અને સાવધાની વર્તવાની કહેવાયું છે. હોસ્પિટલોને નિર્દેશ અપાયા છે કે સટીક નિગરાણી સુનિશ્ચિત કરવા માટે SARI કેસો અને લેબ તરફથી પુષ્ટ કરાયેલા ઈન્ફ્લૂએન્ઝાના કેસોનું યોગ્ય ડોક્યુમેન્ટેશન જાળવી રાખવું જરૂરી છે. તેમને ઓક્સીજનની સાથે સાથે હળવા લક્ષણોવાળા કેસોની સારવાર માટે પેરાસિટામોલ, એન્ટીહિસ્ટામાઈન, બ્રોન્કોડાયલેટર્સ અને કફ સિરપની ઉપલબ્ધતા જાળવી રાખવાના નિર્દેશ અપાયા છે.
ભારતમાં શું છે તૈયારી?
ચીનમાં હ્યુમન મેટાન્યૂમોવાયરસ કે એચએમપીવી (HMPV) વાયરસના પ્રકોપના હાલના સમાચારોને ધ્યાનમાં લઈને ભારત તમામ ઉપલબ્ધ માધ્યમ દ્વારા સ્થિતિ પર બાજ નજર રાખી રહ્યું છે અને WHO જોડેથી સમયાંતરે સંક્રમણની જાણકારી શેર કરવાની પણ અપીલ કરી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું સુરક્ષા ઉપાયો અંતર્ગત એચએમપીવી કેસોની તપાસ કરનારી લેબની સંખ્યા પણ વધારવામાં આવશે અને ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ (ICMR) HMPVના ટ્રેન્ડની નિગરાણી કરશે. મંત્રાલયે જણાવ્યું કે સ્થિતિ પર ચર્ચા માટે શનિવારે અહીં સ્વાસ્થ્ય સેવા મહાનિદેશાલયની અધ્યક્ષતામાં સંયુક્ત નિગરાણી સમૂહ (જેએમજી)ની બેઠક યોજાઈ હતી. બેઠકમાં વિસ્તૃત ચર્ચા બાદ તથા હાલમાં જે જાણકારી ઉપલબ્ધ છે તેના આધારે એ વાત પર સહમતિ બની છે કે ચાલી રહેલા ફ્લૂની મૌસમ જોતા ચીનમાં સ્થિતિ અસામાન્ય નથી.