જમ્મુ કાશ્મીરમાં શું થવા જઈ રહ્યું છે? ગણતરીના કલાકોમાં પડશે ખબર! આજે કેબિનેટ બેઠક
કાશ્મીર મુદ્દે મોદી સરકાર શું વિચારી રહી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મનમાં શું છે. તે અટકળો અને ચર્ચાઓ પરથી થોડા સમયમાં જ પરદો હટી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ આજે સવારે 9:30 કલાકે કેબિનેટ બેઠક છે.
નવી દિલ્હી: કાશ્મીર મુદ્દે મોદી સરકાર શું વિચારી રહી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મનમાં શું છે. તે અટકળો અને ચર્ચાઓ પરથી થોડા સમયમાં જ પરદો હટી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ આજે સવારે 9:30 કલાકે કેબિનેટ બેઠક છે. જેમાં કાશ્મીર મુદ્દે કઈંક મોટો નિર્ણય લેવાય તેવી અટકળો વહેતી થઈ છે. કહેવાય છે કે આ બેઠકમાં નિર્ણય અને કાશ્મીરના હાલાત પર સરકાર સંસદમાં નિવેદન પણ આપી શકે છે. વધારાના જવાનોની તહેનાતી અને કાશ્મીર છોડવાની સલાહ બાદ વિપક્ષ આ રીતના નિવેદનની માગણી કરી રહ્યાં છે. આ બધા વચ્ચે અડધી રાતે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીઓ ઉમર અબ્દુલ્લા અને મહેબુબા મુફ્તીને પણ નજરકેદ કરવામાં આવ્યાં જ્યારે મોડી રાતે રાજ્યપાલે પણ ડીજીપી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે ઈમરજન્સી બેઠક યોજી.
રવિવારે દિલ્હીથી લઈને જમ્મુ કાશ્મીર સુધી ખુબ ગતિવિધિઓ જોવા મળી. ગૃહ મંત્રી અમિત શાહે હાઈ લેવલ મીટિંગ યોજી. જેમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, કેન્દ્રીય ગૃહ સચિવની સાથે ગુપ્તચર એજન્સીઓના પ્રમુખ પણ સામેલ થયા હતાં. પૂરી સ્થિતિ અંગે વડાપ્રધાનને જાણકારી આપવામાં આવી હતી. ડોભાલને જ્યારે કાશ્મીર પર કોઈ મોટા નિર્ણયની શક્યતા પર સવાલ કરવામાં આવ્યો તો તેઓ મરક મરક હસીને રવાના થઈ ગયા હતાં.
સૂત્રોનું માનીએ તો સરકાર સંસદનું સત્ર બે દિવસ આગળ વધારી શકે છે. જેમાં વર્તમાન હાલાત પર ચર્ચા થઈ શકે. શાહ આગામી અઠવાડિયે કાશ્મીર જાય તેવું પણ સૂત્રો દ્વારા માહિતી મળી છે. શ્રીનગરમાં કાશ્મીરી પક્ષોએ એક સયુંક્ત બેઠક યોજીને જાહેરાત કરી કે રાજ્યના વિશેષ દરજ્જા સાથે છેડછાડની કોઈ પણ કોશિશનો વિરોધ કરાશે. રાજ્યના લોકોને અપીલ કરાઈ કે ધૈર્ય રાખો અને કાશ્મીરની શાંતિ ભંગ થાય તેવું પગલું ન ભરો.
જુઓ LIVE TV