સુપ્રીમ કોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે જે મુજબ કોઈ પણ મુસ્લિમ ડિવોર્સી મહિલા સીઆરપીસીની કલમ 125 હઠળ પતિ પાસે ભરણપોષણ ભથ્થું મેળવવા માટે હકદાર છે. આથી હવે તે ભરણપોષણ ભથ્થા માટે અરજી દાખલ કરી શકે છે. જસ્ટિસ બીવી નાગરત્ના અને જસ્ટિસ ઓગસ્ટીન જ્યોર્જ મસીહે ચુકાદો આપતા કહ્યું કે મુસ્લિમ મહિલાઓ ભરણપોષણ માટે કાનૂની હકનો ઉપયોગ કરી શકે છે. તેઓ આ મામલે સંબંધિત દંડ પ્રક્રિયા સંહિતાની કલમ 125 હેઠળ અરજી દાખલ કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કલમ તમામ પરિણિત મહિલાઓ પર લાગૂ થાય છે. પછી ભલે તે કોઈ પણ ધર્મની હોય. મુસ્લિમ મહિલાઓ પણ આ જોગવાઈનો સહારો લઈ શકે છે. કોર્ટે એકવાર ફરીથી કહ્યું કે મુસ્લિમ મહિલા તેના પતિ વિરુદધ કલમ 125 સીઆરપીસી હેઠળ ભરણ પોષણ માટે અરજી દાખલ કરી શકે છે. જો કે જસ્ટિસ બીવી નાગરત્ના અને જસ્ટિસ ઓગસ્ટીન જ્યોર્જ મસીહે અલગ અલગ ચુકાદો આપ્યો પરંતુ બંનેના અભિપ્રાય સમાન છે. કોર્ટનું કહેવું છે કે મુસ્લિમ મહિલા (ડિવોર્સ પર અધિકારોનું સંરક્ષણ) અધિનિયમ 1986 વાસ્તવમાં સેક્યુલર લોને બાજુ પર ધકેલી શકે નહીં. 


નહતું મળતું ભરણપોષણ ભથ્થું?
અનેક કેસમાં ડિવોર્સી મુસ્લિમ મહિલાઓને ભરણપોષણ ભથ્થું મળી શક્યું નથી અથવા તો મળે તો પણ ઈદ્દતના સમયગાળા સુધી. ઈદ્દત એક ઈસ્લામિક પરંપરા છે. જે મુજબ જો કોઈ મહિલાને તેનો પતિ ડિવોર્સ આપે કે તેનું મોત થઈ જાય તો મહિલા ઈદ્દતના સમયગાળા સુધી બીજા લગ્ન કરી શકતી નથી. ઈદ્દતનો સમય લગભગ 3 મહિના જેટલો રહે છે. આ સમય પૂરો થયા બાદ ડિવોર્સી મુસ્લિમ મહિલા બીજા લગ્ન કરી શકે છે. 


જો કે એપ્રિલ 2022માં એક કેસમાં અલાહાબાદ હાઈકોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે ડિવોર્સી મુસ્લિમ મહિલા ઈદ્દતના સમય બાદ પણ ભરણપોષણ ભથ્થું મેળવવા માટે હકદાર છે અને તેને આ ભથ્થું ત્યાં સુધી મળશે જ્યાં સુધી તે બીજા લગ્ન ન કરી લે. એ જ રીતે આ વર્ષે જાન્યુઆરીમાં એક કેસમાં બોમ્બે હાઈકોર્ટે કહ્યું હતું કે ડિવોર્સી મુસ્લિમ મહિલા જો ફરીથી લગ્ન કરી પણ લે તો પણ તે પૂર્વ પતિ પાસેથી ભરણપોષણ ભથ્થું મેળવવા માટે હકદાર છે. 


શું છે મામલો
અબ્દુલ સમદ નામના એક મુસ્લિમ વ્યક્તિએ પત્નીને ભરણપોષણ ભથ્થું આપવાના તેલંગણા હાઈકોર્ટા આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટમાં તે વ્યક્તિએ દલીલ કરી હતી કે ડિવોર્સી મુસ્લિમ મહિલા સીઆરપીસીની કલમ 125 હેઠળ અરજી દાખલ કરવા માટે હકદાર નથી. મહિલાએ મુસ્લિમ મહિલા અધિનિયમ, 1986 અધિનિયમ જોગવાઈઓ મુજબ જ ચાલવું પડશે. આવામાં કોર્ટ સામે સવાલ એ હતો કે આ કેસમાં મુસ્લિમ મહિલા અધિનિયમ, 1986ને પ્રાથમિકતા મળવી જોઈએ કે પછી સીઆરપીસીની કલમ 125ને. 


શું છે સીઆરપીસીની કલમ 125
સીઆરપીસીની કલમ 125માં પત્ની, સંતાન અને માતાપિતાના ભરણપોષણ વિશે વિસ્તૃત જાણકારી અપાઈ છે. આ કલમ મુજબ પતિ, પિતા કે બાળકો પર આશ્રિત પત્ની, માતા પિતા કે બાળક ભરણપોષણ માટે દાવો ફક્ત ત્યારે જ કરી શકે જ્યારે તેમની પાસે આજીવિકાનું કોઈ અન્ય સાધન ઉપલબ્ધ ન હોય.