ત્રિપુરામાં સીપીએમને મોટો ફટકો, સીનિયર નેતા બિશ્વજીત દત્તા ભાજપમાં સામેલ
ભાજપના રાષ્ટ્રીય સચિવ અને ત્રિપુરાના પ્રભારી સુનીલ દેવધરે પાર્ટીમાં તેમનું સ્વાગત કર્યું હતું.
અગરતલાઃ ત્રિપુરામાં સીપીએમને મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ ધારાસભ્ય બિશ્વજીત દત્તા સત્તાધારી ભાજપમાં સામેલ થઈ ગયા છે. દત્તા (68) રાજ્યની રાજધાનીથી લગભગ 50 કિલોમીટર દૂર ખોવાઈ જિલ્લામાં શુક્રવારે ભાજપમાં સામેલ થયા હતા. ભાજપના રાષ્ટ્રીય સચિવ અને ત્રિપુરાના પ્રભાવી સુનીલ દેવધરે પાર્ટીમાં તેમનું સ્વાગત કર્યું હતું.
તેમણે કહ્યું કે, દત્તા માકપાના સૌથી ઈમાનદાર નેતાઓમાં સામેલ રહ્યાં છે. 1964થી સીપીએમ સાથે જોડાયેલા દત્તાએ દાવો કર્યો કે રાજ્યમાં 18 ફેબ્રુઆરીએ વિધાનસભાની ચૂંટણી પહેલા તેમની વિરુદ્ધ ક્રિમિનલ કાવતરું રચવામાં આવ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો કે કોમ્યુનિસ્ટ પાર્ટી ભ્રષ્ટાચાર, પક્ષપાત અને ક્રિમિનલ ગતિવિધિઓમાં સંડોવાયેલી છે.
ત્રિપુરામાં લેફ્ટ ફ્રન્ટ કમિટીએ તેમને આ વર્ષે યોજાનારી ચૂંટણીમાં ઉમેદવાર જાહેર કર્યા હતા. બાદમાં તેમનું પત્તુ કાપીને ભૂતપૂર્વ એસએફઆઈ નેતા નિર્મલ બિસ્વાસને ટિકિટ આપવામાં આવી હતી. દત્તાએ પોતાની પાર્ટી પર હુલમો કરતા કહ્યું, મારા વિરુદ્ધ ક્રિમિનલ કાવતરું રચવામાં આવ્યું હતું. મારે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું જેથી હું ચૂંટણી ન લડું. આ ષડયંત્રને સીપીઆઈએમના સમર્થનથી રચવામાં આવ્યું હતું.
દત્તાએ આરોપ લગાવતા કહ્યું, મારી બીમારીની વાર્તા ખોટી હતી અને મારો દાવો પરત લેવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં દાખલ થવાનું નાટક રચવામાં આવ્યું હતું. તેમણે કહ્યું. હું બિમાર ન હતો. મેં સીપીએમના પ્રવક્તા ગૌતમ દાસને હોસ્પિટલ બહાર ઉભેલા જોયા હતા જ્યાં મારી સારવાર ચાલી રહી હતી. બાદમાં પાર્ટીએ કહ્યું કે, હું ચૂંટણી લડવા માટે ફીટ નથી અને મારી ટિકિટ કાપી દેવામાં આવે.
દત્તાએ સીપીએમના તમામ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. બીજીતરફ દત્તાના આરોપો પર પલટવાર કરતા સીપીએમ નેતા પવિત્ર કરે કહ્યું, દરેક કોઈ જાણે છે કે બિશ્વજીત દત્ત બિમાર હતા અને તેમનની સ્થિતિ નાજુક હતી. તે ચૂંટણી કેમ લડી શકવાના હતા.