શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને બિહારના જહાનાબાદથી એક ખરાબ સમાચાર આવ્યા છે. શ્રાવણી મેળા દરમિયાન મોટી દુર્ઘટના ઘટી છે. મંદિરમાં ભાગદોડ મચવાથી ઓછામાં ઓછા સાત શ્રદ્ધાળુઓના મોતના સમાચાર છે. જ્યારે અનેક શિવભક્તો ઘાયલ થયા છે. મૃતકોમાં છ મહિલાઓ અને એક પુરુષ હોવાનું કહેવાય છે. આ દુર્ઘટના જહાનાબાદ-મખદુમપુરમાં આવેલા સિદ્ધેશ્વરનાથ મંદિરમાં ઘટી. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મંદિરના કમામ્પાઉન્ડમાં શ્રાવણીયો સોમવાર હોવાથી ભારે ભીડ ભેગી થઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શ્રાવણ મહિનામાં બાબા સિદ્ધેશ્વરનાથ મંદિરમાં જળ ચડાવવા માટે મોટી સંખ્યામાં શિવભક્તો આવે છે. સોમવાર હોવાથી ભીડ વધી જાય છે. જેને જોતા રવિવાર રાતથી જ જળ ચડાવવા માટે લોકોની ભીડ ભેગી થાય છે. આ વખતે પણ એવું જ થયું. રવિવારની રાતથી જ મંદિરની બહાર શ્રદ્ધાળુઓ ભેગા થવા લાગ્યા હતા. રાતે લગભગ એક વાગે આ દુર્ઘટના ઘટી. એવું કહેવાય છે કે પહાડી ચડતી વખતે સીડીઓ પર ભાગદોડ મચી અને અફરાતફરીનો માહોલ થઈ ગયો. જીવ બચાવવા માટે શ્રદ્ધાળુઓ આમ તેમ ભાગવા લાગ્યા. ભાગદોડમાં જે લોકો પડ્યા તેમને ઊભા થવાની તક જ ન મળી. આ દરમિયાન અનેક લોકો ઘાયલ થઈ ગયા. ઘાયલોને જહાનાબાદની હોસ્પિટલ અને મખદુમપુર રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા. જ્યાં ડોક્ટરે 7 લોકોને મૃત જાહેર કર્યા. એવું પણ કહેવાય છે કે મૃત્યુઆંક વધી શકે છે. 



અત્રે જણાવવાનું કે આ અગાઉ વૈશાલી જિલ્લામાં સુલ્તાનપુરમાં ગત 5 ઓગસ્ટે કાંવડ યાત્રા દરમિયાન દુર્ઘટના ઘટી હતી. ભગવાન ભોલેનાથના જળાભિષેક માટે જઈ રહેલી કાંવડયાત્રામાં સામેલ એક ડીજે ટ્રોલી 11 હજાર વોલ્ટ કરન્ટવાળા તારની ઝપેટમાં આવી ગઈ હતી અને આ  ઘટનામાં 9 લોકોના દર્દનાક મોત થયા હતા.