યૂપી અને બિહારમાં હાર વચ્ચે ભભુઆ સીટ પર બચી BJPની આબરૂ, રિંકી રાનીનો વિજય
ભભુઆ વિધાનસભાની સીટ પર ભાજપ ઉમેદવાર રિંકી રાની પાંડેએ કોંગ્રેસના ઉમેદવાર શંભૂ સિંહ પટેલને પરાજય આપ્યો.
પટનાઃ બિહાર પેટાચૂંટણીની મતગણતરી જારી છે. અત્યાર સુધી મળેલા ટ્રેન્ડ પ્રમાણે અરરિયા લોકસભા સીટ પર આરજેડી આગળ છે. જ્યારે જહાનાબાદ વિધાનસભા સીટ જીતી લીધી છે. બીજીતરફ ભભુઆ વિધાનસભા સીટ પર ભારતીય જનતા પાર્ટી માટે સારા સમાચાર મળ્યા છે. ભભુઆ રિંકી રાની પાંડેનો વિજય થયો છે. તેમણે કોંગ્રેસના ઉમેદવાર શંભૂ સિંહ પટેલને હરાવ્યો છે. રિપોર્ટ પ્રમાણે ભભુઆ વિધાનસભાની સીટ પર ભાજપના ઉમેદવાર રિંકી રાની પાંડેએ 15 હજાર મતોથી જીત મેળવી છે.
જહાનાબાદમાં આરજેડીની જીત
જહાનાબાદમાં છઠ્ઠા રાઉન્ડ બાદ આરજેડીના કુમાર કૃષ્ણ મોહન યાદવે 35 હજાર મતોથી જીત મેળવી છે.
બિહારની ભભુઆ અને જહાનાબાદ વિધાનસભા સીટો માટે 11 માર્ચે પેટાચૂંટણીના યોજાયેલા મતદાનમાં ક્રમશઃ 54.03 ટકા કખા 50.06 ટકા મતદાન થયું હતું. જહાનાબાદ અને ભભુઆમાં ચાલુ ધારાસભ્યોના અવસાન બાદ પેટાચૂંટણી યોજાઇ હતી. જહાનાબાદ સીટ પર રાજદનો કબજો હતો અહીંથી દિવંગત ધારાસભ્ય મુંદ્રિકા યાદવનો પુત્ર કૃષ્ણ મોહન રાજદ માટે મેદાનમાં હતો. જ્યારે ભભુઆથી ભાજપના દિવંગત ધારાસભ્ય આનંદ ભૂષણ પાંડેની પત્ની રિંકી રાનીને મેદાનમાં ઉતારવામાં આવી હતી.