પટના : બિહારના મુજફ્ફરપુરમા બાલિકા ગૃહની અંદર યુવતીઓ સાથે દુષ્કર્મની ઘટનામાં વધારે એક મોટો ખુલાસો થયો છે. પીડિત યુવતીએ પોલીસને જણાવ્યું કે, તેની એક સાથીની હત્યા કરીને તેની લાશ હોસ્ટેલ પરિસરમાં દાટી દેવાઇ છે. આ માહિતી બાદ પોલીસે બાલિકા ગૃહની અંદર ખોદકામ ચાલુ કરાવ્યું છે. જો કે અત્યાર સુધીના ખોદકામ દરમિયાન પોલીસને કોઇ એવો પુરાવો મળ્યો નથી, જેની માહિતી પીડિતા દ્વારા અપાઇ હતી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુજફ્ફરપુરની એસએસપી હરપ્રીત કૌરે જણાવ્યું કે, ખોદકામમાં કંઇ જ મળ્યું નથી પરંતુ આ મુદ્દે ઉંડી તપાસ થઇ રહી છે. એસએસપીના અનુસાર અત્યાર સુધી આ કેસમાં 10 લોકોની ધરપકડ કરવામાં આવી ચુકી છે. હરપ્રીત કૌરે જણાવ્યું કે અમે ટુંકમાં જ આ કેસમાં ચાર્જશીટ દાખલ કરીશું. તેમણે જણાવ્યું કે, પુછપરછમાં કોઇ પણ યુવતીએ નથી જણાવ્યું કે, તેમને હોસ્ટેલની બહાર લઇ જવામાં આવી હોય. 

અત્રે ઉલ્લેખનીય છે કે, મુજફ્ફરપુરના સેવા સંકલ્પ અને વિકાસ સમિતી નામનું બાલિકાગૃહમાં રહેતી કિશોરીઓની સાથે શારીરિક શોષણનો ખુલાસો થયો હતો. આ ખુલાસો ત્યારે થયો જ્યારે ટાટા ઇન્સ્ટિટ્યુટ ઓફ સોશિયલ સાઇન્સિઝે આ વર્ષ મે 2018માં આ બાલિકાગૃહનું સોશિયલ ઓડિટ કર્યું હતું. ખુલાસા બાદ કિશોરીઓનાં મેડિકલ ચેકઅપ થયા હતા. 21 કિશોરીઓનાં મેડિકલ રિપોર્ટમાં ખુલાસો થયો કે 16 કિશોરીઓ સાથે બાલિકા ગૃહમાં દુષ્કર્મ થયું હતું. 

ધરપકડ કરાયેલા આરોપીઓમાં સેવા સંકલ્પ અને વિકાસ સમિતીના આ ગૃહના સંચાલક બૃજેશ ઠાકુર અને વિનીત કુમારનો પણ સમાવેશ થાય છે. આ બંન્ને ઉપરાંત બાલિકા ગૃહમાં કામ કરી રહેલી 7 મહિલાઓની પણ ધરપકડ કરવામાં આવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે ઘટના બહાર આવ્યા બાદ સમગ્ર બિહારમાં હડકંપ મચી ગયો છે.