સુપ્રીમ કોર્ટે વર્ષ 2002ના ગુજરાત તોફાનોમાં બિલકિસ બાનો સાથે ગેંગરેપ અને તેમના પરિવારના સાત સભ્યોની હત્યા મામલે સોમવારે એક મહત્વનો ચુકાદો આપ્યો. કોર્ટે 11 દોષિતોને સજામાંથી છૂટ આપવાના ગુજરાત સરકારના નિર્ણયને એમ કહીને રદ કરી નાખ્યો કે આદેશ ચવાયેલો હતો અને તેને સમજ્યા વિચાર્યા વગર પાસ કરાયો હતો. જસ્ટિસ બી વી નાગરત્ના, અને જસ્ટિસ ઉજ્વલ ભૂઈયાની બેન્ચે દોષિતોને 2 અઠવાડિયાની અંદર જેલના અધિકારીઓ સામે સરન્ડર કરવાનું કહ્યું છે. સજામાં છૂટને પડકારનારી પીઆઈએલને સુનાવણી યોગ્ય ગણાવતા બેન્ચે કહ્યું કે  ગુજરાત સરકાર સજામાં છૂટનો આદેશ આપવા માટે યોગ્ય સરકાર નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરંતુ હવે દોષિતો પાસે શું રસ્તા છે? શું કાનૂની વિકલ્પ છે? આવો જાણીએ.  હકીકતમાં સુપ્રીમ કોર્ટમાં તમામ 11 દોષિતો ચુકાદા વિરુદ્ધ રિવ્યૂ પિટિશન દાખલ કરી શકે છે. આ ઉપરાંત થોડો સમય જેલમાં વિતાવ્યા બાદ તેઓ માફી માટે અરજી પણ આપી શકે છે.  પરંતુ આ માટે મહારાષ્ટ્ર સરકારને અપીલ કરવી પડશે. 


કલમ 137 આપે છે અધિકાર
જો કોઈ પણ વ્યક્તિ સુપ્રીમ કોર્ટના કોઈ પણ જૂના ચુકાદા કે આદેશની સમીક્ષા ઈચ્છે તો બંધારણની કલમ 137 તેને આ અંગે અધિકાર આપે છે. સુપ્રીમ કોર્ટના નિયમો મુજબ 30 દિવસની અંદર એક રિવ્યૂ પિટિશન દાખલ કરવાની હોય છે. જે બેન્ચે આ આદેશ કે ચુકાદો આપ્યો હતો તેમની સામે જ સમીક્ષાની માંગણીની અરજી મૂકવી જોઈએ. 


કયા આધાર પર નાખી શકાય રિવ્યૂ પિટિશન
- જો કોઈ પુરાવો કે નવી જાણકારી ગત સુનાવણી દરમિયાન કોર્ટની સામે રજૂ ન કરાઈ હોય. પરંતુ એ કોર્ટ જ નક્કી કરશે કે તે જાણકારી રજૂ કરવા લાયક છે કે નહીં. 
- જો યુકાદો સંભળાવવામાં કોર્ટથી કોઈ ભૂલ થઈ હોય કે પછી કોઈ અન્ય કારણ હોય. જે કોર્ટ મુજબ યોગ્ય બેસે. 


સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું છે કે એક રાજ્ય જેમાં કોઈ અપરાધી પર કેસ ચલાવવામાં આવે અને સજા સંભળાવવામાં આવે તે દોષિતોની માફી અરજી પર નિર્ણય લેવામાં સક્ષમ હોય છે. દોષિતો પર મહારાષ્ટ્રમાં કેસ ચલાવવામાં આવ્યો હતો. પોતાના 100 પાનાના ચુકાદામાં બેન્ચે કહ્યું કે, અમારે બાકી મુદ્દાઓને જોવાની જરૂર જ નથી. કાનૂન રાજનો ભંગ થયો છે કારણ કે ગુજરાત સરકારે એવા અધિકારોનો ઉપયોગ કર્યો કે જે તેમની પાસે હતા જ નહીં અને તેમણે પોતાની શક્તિનો ખોટો ઉપયોગ કર્યો. તે આધાર પર પણ સજાથી માફીના આદેશને રદ કરવો જોઈએ. 


શું છે બિલકિસ બાનો કેસ
ગોધરામાં 2002માં ટ્રેન અગ્નિકાંડ બાદ ભડકેલા સાંપ્રદાયિક તોફાનો દરમિયાન બિલકિસ બાનો 21 વર્ષના હતા અને પાંચ મહિનાની ગર્ભવતી હતા. તેમની સાથે ગેંગરેપ થયો હતો અને 3 વર્ષની પુત્રી સહિત પરિવારના સાત લોકોની હત્યા કરવામાં આવી હતી. ગુજરાત સરકારે આ કેસમાં તમામ 11 દોષિતોને સજામાં છૂટ આપીને 15 ઓગસ્ટ 2022ના રોજ છોડી મૂક્યા હતા. સજામાં અપાયેલી આ છૂટને સુપ્રીમ કોર્ટે સોમવારે રદ કરી અને દોષિતોને બે અઠવાડિયાની અંદર જેલના અધિકારીઓ સામે સરન્ડર કરવાનો આદેશ આપ્યો. કોર્ટે કહ્યું કે ગુજરાત સરકારને છૂટનો આદેશ પાસ કરવાનો અધિકાર નહતો.