જન્મદિવસ વિશેષઃ વડનગરથી પ્રધાનમંત્રી આવાસ સુધી, અનેક સંઘર્ષોથી ભરેલું છે નરેન્દ્ર મોદીનું જીવન
આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 71મો જન્મદિવસ છે. તેમનો જન્મ 17 સપ્ટેમ્બર 1950ના ગુજરાતના વડનગરમાં થયો હતો. તેમના જન્મદિવસ નિમિતે કરીએ તેમના જીવન પર એક નજર..
નવી દિલ્હીઃ નરેન્દ્ર દામોદરદાસ મોદી... આ એક એવું નામ છે. જે આજે દેશ અને દુનિયામાં સૌ કોઈ માટે જાણીતું બની ગયું છે. ગુજરાતમાં મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન અને ત્યારપછી પ્રધાનમંત્રી તરીકેની કામગીરીએ તેમને દેશના લોકોની વચ્ચે ખાસ સ્થાન અપાવ્યું છે. 17 સપ્ટેમ્બર 1950માં વડનગરમાં તેમનો જન્મ થયો હતો. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 71મો જન્મદિવસ છે. શરૂઆતના કાર્યકાળમાં પોસ્ટર બોય તરીકે કામ કરનાર નરેન્દ્ર મોદી સત્તાના શિખર પર આસીન છે. પીએમ મોદીનું ભાષણ હોય કે કામ કરવાની શૈલી. પોતાની કૂટનીતિથી દેશમાં વિરોધી પક્ષોની તો વૈશ્વિક મંચ પર દુશ્મનોની બોલતી બંધ કરી દીધી છે. આઝાદ ભારતને પહેલા એવા પ્રધાનમંત્રી મળ્યા જે માત્ર બોલતા જ નથી પરંતુ કામ પણ કરે છે. જેનો પરચો આખી દુનિયાને મળી ચૂક્યો છે.
વડનગરમાં થયો જન્મ
વર્ષ હતું 1950. સપ્ટેમ્બર મહિનાની 17 તારીખ. આ તે તારીખ છે જ્યારે ગુજરાતના વડનગરમાં નરેન્દ્ર મોદીનો જન્મ થયો હતો. નરેન્દ્ર મોદી પાંચ ભાઈ-બહેનમાં ત્રીજા નંબર પર હતા. તેમના પિતા વડનગર રેલવે સ્ટેશન પર ચા વેચવાનું કામ કરતા હતા. ત્યારે નરેન્દ્ર પણ પોતાના પિતાના કામમાં મદદ કરતા હતા. નરેન્દ્ર સ્કૂલનો અભ્યાસ કરીને સ્ટેશન પર ચા વેચવાનું કામ કરતા હતા.
8 વર્ષની ઉંમરે આરએસએસમાં જોડાયા
8 વર્ષની ઉંમરમાં નરેન્દ્ર RSS સાથે જોડાઈ ગયા હતા. ત્યારબાદ સ્નાતક થયા પછી તેમણે પોતાનું ઘર છોડી દીધું હતું. જેના પછી 2 વર્ષ સુધી આખા ભારતનો પ્રવાસ કર્યો હતો. આ દરમિયાન અનેક ધાર્મિક કેન્દ્રોની પણ મુલાકાત લીધી. 1970માં તે ગુજરાત આવ્યા અને RSSમાં કાયમી કાર્યકર્તા બની ગયા. 1985થી તે ભાજપમાં જોડાયા અને 2001 સુધીમાં પાર્ટીના અનેક પદો પર રહ્યા. જ્યાંથી તે ધીમે-ધીમે ભાજપમાં સેક્રેટરીના પદ પર પહોંચ્યા હતા.
2001મા સંભાળી ગુજરાતની કમાન
ગુજરાતમાં ભૂકંપ પછી તત્કાલીન મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની તબિયત લથડી હતી. સાથે જ ખરાબ સાર્વજનિક છબીના કારણે નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. નરેન્દ્ર મોદી ધારાસભ્ય પણ નહતા અને તેમને ગુજરાતની કમાન સોંપવામાં આવી હતી.
રાજકોટથી લડ્યા પ્રથમ ચૂંટણી
જોકે નરેન્દ્ર મોદીની આ સફર એટલી સરળ ન હતી. 2001માં તેઓ રાજકોટ વિધાનસભા બેઠક પરથી ચૂંટાઈ આવ્યા હતા. જેમાં તેમણે કોંગ્રેસના અશ્વિન મહેતાને 14 હજાર 728 મતથી હાર આપી હતી. જોકે 27 ફેબ્રુઆરી 2002માં ગુજરાતમાં હિંસા ફાટી નીકળી. જેના માટે તેમની સરકારની જવાબદાર ગણવામાં આવી અને તત્કાલીન સીએમ મોદીની ટીકા પણ થઈ. સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરેલી SITને કાર્યવાહી માટે કોઈ પૂરાવા મળ્યા નહીં. 2013મા એસઆઈટી કોર્ટે ગુજરાત તોફાનોમાં તેમની ભૂમિકા હોવાની વાત નકારી હતી.
ગુજરાતમાં શરૂ કરી અનેકવિધ યોજનાઓ
પોતાના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં નરેન્દ્ર મોદીએ ગુજરાતના વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ યોજનાઓ શરૂ કરી હતી. પંચામૃત યોજના, સુજલામ સુફલામ યોજના, કૃષિ મહોત્સવ, ચિરંજીવી યોજના, માતૃ વંદના, બેટી બચાઓ, બેટી પઢાઓ, જ્યોતિગ્રામ યોજના, કર્મયોગી અભિયાન, કન્યા કલાવાણી યોજના, બાલભોગ યોજનાઓ શરૂ કરવાનો શ્રેય તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીને જાય છે.
ભાષણ આપવામાં છે માહેર
આ તે તારીખ છે જ્યારે નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં આતંકવાદને લઈને પોતાના વિચારો રજૂ કર્યાં અને ભારતના પ્રધાનમંત્રી મનમોહન સિંહની ટીકા કરી હતી. તે સમયે તેમણે મુંબઈની રેલવેમાં થયેલા બોમ્બ વિસ્ફોટને ધ્યાનમાં રાખીને રાજ્યોને કડક કાયદો લાગૂ કરવા માટેની મંજૂરી આપવાની માગણી કરી. તેમના શબ્દોમાં કહીએ તો આતંકવાદ યુદ્ધથી પણ ખરાબ છે. એક આતંકવાદીના કોઈ નિયમ હોતા નથી. એક આતંકવાદી નક્કી કરે છે કે ક્યારે, કેવી રીતે, ક્યાં અને કોને મારવાના છે. ભારતે યુદ્ધની સરખામણીમાં આતંકી હુમલામાં વધારે લોકોને ગુમાવ્યા છે.
ભાજપને લોકસભામાં અપાવી ઐતિહાસિક જીત
ગોવામાં ભાજપની કાર્યસમિતિ દ્વારા તેમને 2014 લોકસભા ચૂંટણીની કમાન સોંપવામાં આવી. અને તેમને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. જે સંકલ્પ નરેન્દ્ર મોદીએ લીધો હતો તેને સાકાર પણ કરી બતાવ્યો. 2014ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 282 બેઠકો જીતીને અભૂતપૂર્વ સફળતા મેળવી. એક સાંસદ તરીકે વારાણસી અને વડોદરા બંને જગ્યાએથી ભવ્ય વિજય મેળવ્યો હતો.
બન્યા ભારતના પ્રધાનમંત્રી
ઔપચારિક રીતે પહેલીવાર પીએમ મોદીએ સરકારની કમાન સંભાળી હતી. તેમણે એકલાહાથે ભાજપને કેન્દ્રમાં સફળતા અપાવી. નરેન્દ્ર મોદીના પ્રયાસોના કારણે જ ભાજપે કોંગ્રેસના સૂંપડા સાફ કર્યાં અને કેન્દ્રમાં સરકાર બનાવી. મોદી પાર્ટીના સૌથી લોકપ્રિય નેતા પણ બન્યા અને સૌથી મોટો કેમ્પેનર પણ. 2014ની ચૂંટણીમાં અબ કી બાર મોદી સરકારે ધૂમ મચાવી... અને નરેન્દ્ર મોદી નામ ગુજરાતથી નીકળીને આખા ભારતમાં ગૂંજતું થઈ ગયું હતું.
પહેલાં કાર્યકાળમાં લીધા મહત્વપૂર્ણ નિર્ણયો
પહેલાં કાર્યકાળમાં મોદીએ એવા મહત્વના નિર્ણયો લીધા હતા. જેના કારણે તેમની છાપ કડક પ્રધાનમંત્રી તરીકેની ઉભરી. પહેલા કાર્યકાળમાં સર્જિકલ સ્ટ્રાઈક, નોટબંધી, સ્વચ્છ ભારત અભિયાન, જન ધન યોજના, જીએસટી, રેલવેનું વિલીનીકરણ, ફ્રી એલપીજી કનેક્શન, બુલેટ ટ્રેન, મેક ઈન ઈન્ડિયા, અને ડિજિટલ ઈન્ડિયા જેવી મહત્વના નિર્ણયો લીધા હતા.
2019માં ફરી ધમાકેદાર જીત મેળવી
પોતાના પ્રથમ કાર્યકાળ દરમિયાન નરેન્દ્ર મોદી દેશના સૌથી મજબૂત નેતા તરીકે ઉભરી આવ્યા હતા. તેમણે દેશહિતમાં અનેક મહત્વના નિર્ણયો લીધા હતા. નરેન્દ્ર મોદી સરકારે પોતાના પ્રથમ કાર્યકાળમાં કરેલા સારા કામો બાદ જનતાએ 2019ની લોકસભાની ચૂંટણીમાં ફરી ભાજપ પર વિશ્વાસ મુક્યો હતો. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે જ 300થી વધુ સીટો મળી અને એનડીએની સાથે મળીને સીટોની સંખ્યા 350ને પાર પહોંચી ગઈ હતી. પીએમ મોદી દેશના સૌથી મજબૂત નેતા બનીને ફરી ઉભર્યા હતા.
કોરોના સંકટમાં પણ લીધા મજબૂત નિર્ણયો
2020ની શરૂઆતથી જ દેશ પર કોરોનાનું સંકટ સામે આવ્યું હતું. કોરોના કાળમાં પીએમ મોદીએ દેશભરમાં લોકડાઉન લાગૂ કરવાની જાહેરાત કરી હતી. કોરોના કાળમાં દેશ સામે અનેક સમસ્યા હતી પરંતુ પીએમ મોદીના નેતૃત્વમાં દેશ આ મુશ્કેલીમાંથી પણ બહાર આવ્યો હતો. દેશમાં જ પીએમ મોદીએ વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. આજે દેશમાં 76 કરોડથી વધુ વેક્સિનના ડોઝ આપવામાં આવી ચુક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube