2019માં વિપક્ષની એક્તાને ધોબીપછાડ આપવા BJPનો `ગેમ પ્લાન`, અમિત શાહ મળશે ઉદ્ધવ ઠાકરેને
. અમિત શાહ આજે ઉદ્ધવ ઠાકરેની મુલાકાત કરવાના છે. એવી અટકળો થઈ રહી છે કે બંને પાર્ટી અધ્યક્ષોની આ મુલાકાત આગામી વર્ષે થનારી સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને થઈ રહી છે.
મુંબઈ: શિવસેના સાથેના સંબંધમાં લાંબા સમયથી જે ખટાશ જોવા મળી રહી છે તેમાં મધુરતા લાવવા માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પ્રયત્નો કરી રહ્યાં છે. અમિત શાહ આજે ઉદ્ધવ ઠાકરેની મુલાકાત કરવાના છે. એવી અટકળો થઈ રહી છે કે બંને પાર્ટી અધ્યક્ષોની આ મુલાકાત આગામી વર્ષે થનારી સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને થઈ રહી છે. પાર્ટીના નેતાઓએ શાહ અને ઠાકરેની આ મુલાકાત અંગે જાણકારી આપતા સાંસદ સંજય રાઉતે કહ્યું કે અમિત શાહે ઉદ્ધવ ઠાકરેને મળવા માટે સમય માંગ્યો. આથી તેમને બુધવારનો સાંજનો સમય આપવામાં આવ્યો છે. જો કે તેમણે ચાર વર્ષના સમયગાળા બાદ શાહની ઉદ્ધવ ઠાકરેને મળવાની જરૂરિયાત પર સવાલ પણ ઉઠાવ્યાં હતાં.
મુંબઈ બાદ ચંડીગઢના પ્રવાસે અમિત શાહ
બીજી બાજુ ભાજપના એક નેતાએ કહ્યું કે અમિત શાહ ઉદ્ધવ ઠાકરેને મુંબઈ સ્થિત તેમના નિવાસ સ્થાને મળશે અને બીજા દિવસે ચંડીગઢ જશે. જ્યાં તેઓ બાદલ અને તેમના પુત્ર તથા શિરોમણી અકાલી દળના અધ્યક્ષ સુખબીર બાદલ સાથે મુલાકાત કરશે.
7 જૂનના રોજ પટણામાં કરશે સહયોગીઓ સાથે મુલાકાત
અધ્યક્ષના મુંબઈ અને ચંડીગઢના પ્રવાસ ઉપરાંત તેમણે બિહારના પાટનગર પટણામાં સાત જૂનના રોજ એનડીએના તમામ સહયોગી પક્ષો માટે ભવ્ય ભોજન સમારોહનું આયોજન કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. જેમાં રાજ્યના મુખ્યમંત્રી નીતિશકુમાર, ઉપમુખ્યમંત્રી સુશીલ મોદી, અને કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન તથા ઉપેન્દ્ર કુશવાહા ભાગ લેશે. પાર્ટીના એક નેતાએ કહ્યું કે ભાજપના મહાસચિવ તથા પાર્ટીના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, રાજ્ય ભાજપના અધ્યક્ષ નિત્યાનંદ રાય તથા એનડીએના અન્ય સહયોગી અરુણ કુમાર પણ સમારોહમાં ભાગ લેશે. ડિનરમાં સામેલ થવા માટે એનડીએના તમામ ધારાસભ્યો, વિધાન પરિષદના સભ્યો અને બિહારના સાંસદોને આમંત્રણ આપવામાં આવ્યું છે.
તાતા, લતા અને માધુરી સાથે પણ કરશે મુલાકાત
શિવસેના અધ્યક્ષ સાથે મુલાકાત કર્યા બાદ અમિત શાહ ઉદ્યોગપતિ રતન તાતા, સિંગર લતા મંગેશકર, અને અભિનેત્રી માધુરી દીક્ષિત સાથે પણ મુલાકાત કરશે. આ મુલાકાત દરમિયાન શાહ તેમને મોદી સરકારની ઉપલબ્ધિઓ ગણાવશે. પાર્ટી સૂત્રોએ જણાવ્યું કે પાર્ટીના સમર્થન માટે સંપર્ક અભિયાન અંતર્ગત શાહ આ મશહૂર હસ્તિઓ સાથે મુલાકાત કરશે. પાર્ટીના નેતાઓએ જણાવ્યું કે શાહ સાત જૂનના રોજ મશહૂર ખેલાડી ફ્લાઈંગ સિખ મિલ્ખા સિંહ સાથે ચંડીગઢમાં મુલાકાત કરશે.
કેન્દ્રમાં 4 વર્ષ પૂરા થવા બદલ ભાજપે ચલાવ્યું છે ખાસ અભિયાન
ભાજપના નેતૃત્વ હેઠળની કેન્દ્રની મોદી સરકારને સત્તામાં ચાર વર્ષ પૂરા થયા બાદ સમર્થન માટે ભાજપે સંપર્ક અભિયાન શરૂ કર્યું હતું. જાહેરાત કરાઈ કે પાર્ટીના ચાર હજાર પદાધિકારીઓ એક લાખ લોકોનો સંપર્ક કરશે જે પોતાના ક્ષેત્રમાં મશહૂર છે અને ચાર વર્ષમાં સરકારે જે કામગીરી કરી તે અંગે માહિતી આપશે. પાર્ટીએ કહ્યું હતું કે શાહ પોતે 50 લોકોની મુલાકાત કરશે.
આ અભિયાન હેઠળ તેમણે પૂર્વ સેના પ્રમુખ દલબીર સિંહ સુહાગ, લોકસભાના પૂર્વ મહાસચિવ સુભાષ કશ્યપ સાથે 29મી મેના રોજ મુલાકાત કરી હતી. તેમણે પૂર્વ ક્રિકેટ ખેલાડી કપિલ દેવ, ભારતના પૂર્વ ચીફ જસ્ટિસ આર સી લાહોટી અને યોગગુરુ બાબા રામદેવ સાથે પણ મુલાકાત કરી હતી.