નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2019ની સૌથી મોટી રાજકીય જંગ માટેનો શંખ ફુંકાઇ ચુક્યો છે. લોકસભા ચૂંટણી માટે તારીખોની જાહેરાત થતા જ સમગ્ર દેશમાં આચાર સંહિતા લાગુ થઇ ચુકી છે. ચૂંટણી પંચે રવિવારે ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. આ વખતે સાત તબક્કામાં ચૂંટણી થશે. 11 એપ્રીલનાં રોજ પહેલા તબક્કા માટે મતદાન થશે. બીજી તરફ 23 મેનાં રોજ પરિણામ આવશે. ચૂંટણીની તારીખની જાહેરાત બાદ વડાપ્રધાન મોદી સહિત અનેક મોટા નેતાઓએ લોકશાહીના મહાપર્વની શુભકામના પાઠવી હતી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કે ચૂંટણીની જાહેરાત બાદ તમામ રાજકીય પાર્ટીઓ સક્રિય થઇ ચુકી છે. પોતપોતાનાં કાર્યકર્તાઓનું મનોબળ વધારવા માટે વિવિધ કાર્યક્રમો કરી રહી છે. જેમાં પક્ષનાં દિગ્ગજ નેતાઓ તેમને સંબોધિત કરી રહ્યા છે .આ જ અનુસંધાને દિલ્હીમાં બૂથ વર્કર્સ સમ્મેલનનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. જેને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, 2019માં નવી સરકાર આવવાની છે. કોંગ્રેસ ગઠબંધનની સરકાર 2019માં ચૂંટાઇને આવશે. 

મારુ બુથ મારો વોટ કાર્યક્રમને સંબોધિત કરી રહેલા રાહુલ ગાંધીએ કહ્યું કે, કોંગ્રેસે દેશ માટે અનેક બલિદાન આપ્યા છે. કોંગ્રેસનાં બે વડાપ્રધાન શહીદ થયા છે. અમે ગભરાઇ જઇએ એવા નથી. રાહુલ ફરી એકવાર ચોકીદાર ચોર હેનાં નારા કાર્યકર્તાઓ વચ્ચે લગાવ્યા હતા. રાહુલે પ્રહાર કરતા કહ્યું કે, દેશની સરકારનાં કુશાસનથી લોકો કંટાળી ચુક્યા છે. તેઓ કોંગ્રેસની સરકાર ફરી આવે તેવું ઇચ્છી રહ્યા છે.