ભાજપે દિલ્હી પૂર્વથી ગૌતમ ગંભીર અને નવી દિલ્હીથી મીનાક્ષી લેખીને આપી ટિકિટ
ભાજપે પૂર્વ દિલ્હી લોકસભા સીટથી પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરને પોતાનો ઉમેદવાર બનાવ્યો છે.
નવી દિલ્હીઃ ભાજપે પૂર્વ દિલ્હી લોકસભા સીટ પરથી પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરને પોતાનો ઉમેદવાર બનાવ્યો છે, જ્યારે મીનાક્ષી લેખીને નવી દિલ્હી સીટથી ટિકિટ આપી છે. પરંતુ પાર્ટીએ પશ્ચિમ દિલ્હી સીટ પર હજુ કોઈ નિર્ણય કર્યો નથી, જ્યારે મહેશ ગિરીને પૂર્વ દિલ્હી સીટ પરથી ટિકિટ મળી નથી. સોમવારે મોડી રાત્રે ભાજપે આ જાહેરાત કરી હતી.
પાર્ટીએ દિલ્હીની સાત સીટોમાંથી અત્યાર સુધી છ પર ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ગંભીરને મહેશ ગિરિના સ્થાને ટિકિટ આપવામાં આવી છે અને તેનો મુકાબલો કોંગ્રેસના અરવિંદર સિંહ લવલી તથા આમ આદમી પાર્ટીની આતિશી સામે થશે. તો લેખીનો મુકાબલો આપના બ્રજેશ ગોયલ અને કોંગ્રેસના અજય માકન સામે છે. ગંભીર મંગળવારે સવારે 10 કલાકે એક વિશાળ રોડ શો બાદ ઉમેદવારી નોંધાવશે.
આ પહેલા ભાજપે રવિવારે ચાર ઉમેદવારોની યાદી જાહેર કરી હતી, જેમાં ચાર નામ દિલ્હીના છે. પાર્ટીએ કેન્દ્રીય પ્રધાન હર્ષવર્ધન સહિત ચાર સાંસદોને અહીંથી ફરી ટિકિટ આપી છે. ભાજપે ચાંદની ચોકથી હર્ષવર્ધનને અને ઉત્તર પૂર્વી દિલ્હી સીટથી પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીને ફરી ટિકિટ આપી છે.