ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીયના નિવેદનથી વિવાદ, કહ્યું- મમતાને માસી સમજીને બાંગ્લાદેશી આવે છે પશ્વિમ બંગાળમાં
ભાજપના પશ્વિમ બંગાળના પ્રભારી કૈલાશ વિજયવર્ગીયે બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી મામલે મમતા બેનર્જી સામે નિશાન સાધ્યું છે. એમનું કહેવું છે કે, પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને બાંગ્લાદેશી નાગરિકો પોતાની માસી સમજી છે અને એટલા માટે પશ્વિમ બંગાળમાં આવે છે.
નવી દિલ્હી : ભાજપના પશ્વિમ બંગાળના પ્રદેશ પ્રભારી કૈલાશ વિજયવર્ગીયે બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી મામલે મમતા બેનર્જી સામે નિશાન સાધ્યું છે. એમનું કહેવું છે કે પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને બાંગ્લાદેશી નાગરિકો પોતાની માસી સમજે છે અને એટલા માટે પશ્વિમ બંગાળમાં આવે છે.
ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીયે મમતા પર વાર કરતાં કહ્યું કે, આપણે રજા માણવા માટે મામાના ઘરે જઇએ છીએ અને 15 દિવસમાં પરત આવીએ છીએ. પરંતુ બાંગ્લાદેશના આતંકવાદીઓ અને નકલી નોટ ઘૂસાડનારા ત્યાંથી પોતાની માસી (મમતા બેનર્જી)ના ઘરે આવી રહ્યા છે. કોલકત્તામાં ઓછા પૈસામાં બાંગ્લાદેશના મજૂરો મળી જાય છે. સાથોસાથ એ લોકોએ અહીંના મજૂરોની મજૂરી પણ ઘટાડી દીધી છે. અસમમાં 40 લાખ લોકોના આધાર પુરાવા નથી. મતદાર યાદીમાંથી હટાવી દીધા છે અને દીદી કહે છે કે અસમના બાંગ્લાદેશીઓને અમે પશ્વિમ બંગાળમાં સ્થાન આપીશું. શું બંગાળ ધર્મશાળા છે?
અહીં નોંધનિય છે કે, મમતા બેનર્જીએ અસમના એનઆરસી દ્વારા પ્રસિધ્ધ કરાયેલા અંતિમ ડ્રાફ્ટમાં 40 લાખ લોકોને ગેરકાયદેસર જાહેર કરવાને લઇને ભાજપ સામે બળાપો ઠાલવ્યો હતો. તેમણે આને ભાજપનું મતનું રાજકારણ ગણાવ્યું હતું. મમતા બેનર્જીએ સોમવારે ભાજપ સરકાર સામે હુમલો કરતાં કહ્યું હતું કે, અસમમાં મોટા ભાગે એવા લોકો છે કે જેમની પાસે આધાર કાર્ડ છે. પાસપોર્ટ છે પરંતુ એમના નામ મતદાર યાદીમાંથી ગાયબ છે. મતદાર યાદીમાંથી એમના નામ એમની અટકને આધારે હટાવાયા છે. એમણે સવાલ કર્યો કે શું સરકાર આવા લોકોને બળજબરીથી ત્યાંથી કાઢવા માંગે છે?