કોલકાતા: પશ્ચિમ બંગાળ (West Bengal) ના ઉત્તર 24 પરગણા જિલ્લામાં રવિવારે મોડી રાતે અજાણ્યા બદમાશોએ ભાજપના નેતા મનિષ શુક્લા (Manish Shukla) ની ગોળી મારીને  હત્યા કરી નાખી છે. શુક્લાની હત્યા જિલ્લાના ટીટાગઢ પોલીસ સ્ટેશન સામે જ થઈ, ત્યારબાદ વિસ્તારમાં ખુબ તણાવનો માહોલ છે. ઘટનાની ગંભીરતા જોતા મધરાતથી જ અહીં ભારે સંખ્યામાં પોલીસફોર્સ તૈનાત છે. આ બાજુ ભાજપે આ મામલે રાજ્યના બરાકપોરમાં બંધનુ આહ્વવાન કર્યું છે. આ કેસની ગંભીરતા જોતા રાજ્યપાલ જયદીપ ઘનખડે કાયદો અને વ્યવસ્થા મુદ્દે વાત કરવા માટે પ્રદેશના ડીજીપી સહિત તમામ અધિકારીઓને સોમવારે રાજભવન બોલાવ્યા છે.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કહેવાય છે કે વિસ્તારના કાઉન્સિલર મનિષ શુક્લા રવિવારે રાતે સાડા આઠ વાગે ટીટાગઢ પોલીસ સ્ટેશન સામે બનેલા કાર્યાલયમાં બેઠા હતા. આ દરમિયાન બાઈક સવાર હુમલાખોરો ત્યાં પહોંચ્યા અને તેમના પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું. હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા મનિષ શુક્લાને પહેલા બરાકપોરની બીએન બોસ હોસ્પિટલ ખસેડાયા. અહીં હાલાત ગંભીર જોતા તેમને એપોલો હોસ્પિટલ રેફર કરાયા જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યાં. આ ઘટનામાં એક અન્ય યુવક પણ ગંભીર રીતે ઘાયલ થયો છે. ઘટનાના વિરોધમાં પશ્ચિમ બંગાળ ભાજપે બરાકપોરમાં 12 કલાકના બંધનું આહ્વાન કર્યું છે. 



સીબીઆઈ તપાસની માગણી
ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીયએ આ કેસની તપાસ સીબીઆઈ પાસે કરાવવાની માગણી કરી છે. આ બાજુ  પોલીસ મનિષ શુક્લાનું પોસ્ટમોર્ટમ કરાવીને પોતાની તપાસ આગળ વધારી રહી છે. પશ્ચિમ બંગાળ ભાજપના મહાસચિવ સંજય સિંહે આ વારદાતને લઈને મમતા બેનરજી સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે પણ અધિકૃત રીતે બરાકપોરમાં બંધનું આહ્વવાન કર્યું હોવાની જાણકારી આપી છે.