ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા યોગી આદિત્યનાથ, શુક્રવારે લેશે શપથ
ઉત્તર પ્રદેશના નવા મુખ્યમંત્રી તરીકે શુક્રવારે યોગી આદિત્યનાથ શપથ લેવાના છે. આજે યોગી આદિત્યનાથને ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટી લેવામાં આવ્યા છે.
લખનઉઃ યોગી આદિત્યનાથને આજે ભારતીય જનતા પાર્ટી ધારાસભ્ય દળના નેતા ચૂંટી લેવામાં આવ્યા છે. યોગી આદિત્યનાથના નામનો પ્રસ્તાવ વરિષ્ઠ નેતા સુરેશ ખન્નાએ રાખ્યો હતો. લખનઉના લોકભવનમાં યોજાયેલી ધારાસભ્ય દળની બેઠકમાં કેન્દ્રીય પર્યવેક્ષક અમિત શાહ, રઘુબર બાદ અને ભાજપના પ્રભારી ધર્મેન્દ્ર પ્રભારી હાજર રહ્યા હતા. હવે યોગી આદિત્યનાથ રાજ્યપાલ આનંદીબેનને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. યોગી આદિત્યનાથ શુક્રવારે સાંજે 4.30 કલાકે બીજીવાર ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે. તે માટે તમામ તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે.
આ પહેલાં યોગી આદિત્યનાથ ગુરૂવારે દિલ્હી પહોંચ્યા હતા. ત્યાં તેમણે નેતૃત્વ સાથે સરકાર રચનાને લઈને ચર્ચા કરી હતી. સૂત્રોનું કહેવું છે કે ભાજપ કેશવ પ્રસાદ મૌર્ય અને દિનેશ શર્માને ડેપ્યુટી સીએમ તરીકે યથાવત રાખી શકે છે. સૂત્રોએ જણાવ્યું કે આશરે 46 ધારાસભ્યો મંત્રી તરીકે શપથ લઈ શકે છે.
પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે ભાજપ શ્રીકાંત શર્માને બીજીવાર મંત્રી બનાવશે. સૂત્રોએ કહ્યુ કે બે પૂર્વ અધિકારી અસીમ અરૂણ અને રાજેશ્વર સિંહને મંત્રી બનાવી શકાય છે.
યોગી આદિત્યનાથ સરકારનો શપથ ગ્રહણ સમારોહ લખનઉના અટલ બિહારી વાજપેયી ઇકાના સ્ટેડિયમમાં થશે જેમાં પીએમ મોદી, અનેક કેન્દ્રીય મંત્રીઓ, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, ઉદ્યોગપતિઓ, સાધુ સંતો સહિત અન્ય લોકો હાજર રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube