INDIA નહીં...હવે ભારત જ હશે દેશનું નામ? BJP નેતાઓનો સંકેત અને કોંગ્રેસનો આરોપ
INDIA vs Bharat Debate: શું હવે દેશનું નામ ઈન્ડિયાની જગ્યાએ ભારત જ રહેશે? કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે એક ટ્વીટ કરીને ગંભીર આરોપ લગાવ્યા છે.
ભારતના બંધારણમાં દેશનું નામ 'INDIA that is BHARAT' લખવામાં આવ્યું છે. વિપક્ષી ગઠબંધનનું નામ INDIA રાખવામાં આવ્યા બાદ અનેક પ્રકારની ચર્ચા છેડાઈ છે. હવે ચર્ચા છે કે સંસદના વિશેષ સત્રમાં બંધારણમાંથી 'INDIA' નામને હટાવવામાં આવી શકે છે. અસમના સીએમ હિમંતા બિસ્વ સરમાએ એક ટ્વીટમાં આવા સંકેત પણ આપ્યા છે. કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા જયરામ રમેશે ગંભીર આરોપ લગાવ્યા છે કે જી20 સંમેલનના કાર્યક્રમમાં પ્રેસિડેન્ટ ઓફ ઈન્ડિયાની જગ્યાએ પ્રેસિડેન્ટ ઓફ ભારત લખવામાં આવ્યું છે. હાલમાં જ સત્તા પક્ષના અનેક નેતાઓએ પણ INDIA નામને ગુલામીનું પ્રતિક ગણાવતા તેને હટાવવાની અપીલ પણ કરી હતી.
સૂત્રોના જણાવ્યાં મુજબ 18-22 સપ્ટેમ્બર દરમિયાન મળનારા સંસદના વિશેષ સત્રમાં સરકાર ઈન્ડિયા શબ્દને હટાવવાના પ્રસ્તાવ સંબંધિત બિલ પણ રજૂ કરી શકે છે. આ ઉપરાંત વિશેષ સત્ર દરમિયાન મૂન મિશન ચંદ્રયાન 3 અને આદિત્ય-એલ1 સોલર મિશનના લોન્ચિંગ સહિત દેશ દ્વારા મેળવવામાં આવેલી સફળતાઓ ઉપર પણ ચર્ચા થવાની શક્યતા છે. જેમણે ખુબ વૈશ્વિક પ્રશંસા મેળવી. સૂત્રોના જણાવ્યાં મુજબ 2047 સુધીમાં ભારતને વિક્સિત દેશ બનાવવાનો રોડમેપ તૈયાર કરવામાં આવશે અને આ વિષય પર ચર્ચા પણ થશે.
જયરામ રમેશના દાવાથી ખળભળાટ
કોંગ્રેસ નેતા જયરામ રમેશે એક ટ્વીટ કરીને કહ્યું કે રાષ્ટ્રપતિ ભવન તરફથી 9 સપ્ટેમ્બરના રોજ જી20 સંમેલનના ડિનર માટે જે આમંત્રણ મોકલવામાં આવ્યું છે તે પ્રેસિડેન્ટ ઓફ ઈન્ડિયાની જગ્યાએ પ્રેસિડેન્ટ ઓફ ભારતના નામથી મોકલવામાં આવ્યું છે. તેમણે અહીં ભારતીય બંધારણની કલમ 1નો પણ ઉલ્લેખ કર્યો છે જે દેશના નામને વર્ણિત કરે છે.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube