નવી દિલ્હી: રાજસ્થાનના અલવર (રામગઢ)થી ભાજપના ધારાસભ્ય જ્ઞાનદેવ આહુજાએ પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુને લઈને આપત્તિજનક નિવેદન આપ્યું છે. ભાજપ ધારાસભ્યે નેહરુના પંડિત હોવા ઉપર જ સવાલ ઊભા કરી નાખ્યા છે. ન્યૂઝ એજન્સી ANI સાથે વાતચીતમાં જ્ઞાનદેવ આહુજાએ કહ્યું કે 'જવાહરલાલ નેહરુ પંડિત નહતાં. સુવર અને ગાયનું માંસ ખાનાર પંડિત કેવી રીતે હોઈ શકે. ગાય સાથે હિંદુઓની આસ્થા જોડાયેલી છે અને સુવર તો મુસ્લિમમાં પણ પરહેજ છે. જવાહરલાલ નેહરુ ગાય અને સુવર બંને માંસ ખાતા હતાં. કોંગ્રેસે તેમના નામમાં પંડિત જોડીને બ્રાહ્મણોને પાર્ટી સાથે જોડ્યા હતાં.'


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજસ્થાન વિધાનસભા અને આગામી વર્ષે થનારી લોકસભા ચૂંટણીને જોતા સત્તા પક્ષ અને વિપક્ષના નેતા એકબીજાને લઈને નિવેદનબાજીમાં લાગ્યા છે. જ્ઞાનદેવ આહુજા પહેલા પણ પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહ્યાં છે. વર્ષ 2016માં પણ જ્ઞાનદેવ આહૂજાએ પંડિત નહેરુ પર આકરા પ્રહારો કર્યા હતાં. 



તેમણે કહ્યું હતું કે કાશ્મીર સમસ્યા પૂર્વ વડાપ્રધાન નેહરુની દેણ છે. જે તેમણે પોતાના સાવકા ભાઈ અબ્દુલા સાથે મળીને દેશને આપી હતી. તેમણે કહ્યું હતું કે કાશ્મીરના લોકોને જમાઈની જેમ આપણે ખવરાવી રહ્યાં છીએ અને આમ છતાં તેઓ પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવે છે. તેઓ બે વાર કાશ્મીર ગયેલા છે અને જઈને જોયુ છે કે લોકો દેશભક્ત ઓછા અને દેશદ્રોહી વધુ છે. તેમણે પીઓકેને ભારત સાથે મીલાવીને અખંડ ભારત બનાવવાની વાત કરી અને કહ્યું કે ભાજપ સરકાર તેની તૈયારી કરી રહી છે. 


આહુજાએ કહ્યું હતું કે કલમ 370ને હટાવવાનો સમય આવી ગયો છે. નહેરુ પરિવારના કારણે દેશના 24 ટુકડા થયા છે અને આથી તેઓ ઈન્દિરા ગાંધી અને નહેરુને સ્વર્ગીય નહીં પણ નર્કીય કહે છે. આ ઉપરાંત જ્ઞાનદેવ આહુજા કથિત ગૌરક્ષકોના હાથે માર્યા ગયેલા પહેલુ ખાનની હત્યા ઉપર પણ બોલ્યા હતાં. તેમણે ગૌરક્ષકોનું સમર્થન કર્યું હતું.