BJP ના વધુ એક વિધાયકે પાર્ટી છોડી, સ્વામી પ્રસાદ મૌર્ય સાથે સપામાં જોડાશે
ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થયા બાદથી યુપીના રાજકારણમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે અને નેતાઓનો પક્ષપલટો સતત ચાલુ છે.
લખનૌ: ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થયા બાદથી યુપીના રાજકારણમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે અને નેતાઓનો પક્ષપલટો સતત ચાલુ છે. ભાજપ છોડીને સાઈકલ પર સવાર થયેલા સ્વામી પ્રસાદ મૌર્યની પાછળ જાણે વિધાયકોની પાર્ટી છોડવા માટે લાઈન લાગી છે અને હવે તેમાં વધુ એક નેતાનું નામ જોડાયું છે.
શિકોહાબાદના ધારાસભ્યએ છોડી પાર્ટી
ફિરોઝાબાદ જિલ્લાના શિકોહાબાદ વિધાનસભા સીટથી વિધાયક ડૉ. મુકેશ વર્માએ ભારતીય જનતા પાર્ટી છોડી દીધી છે અને સ્વામી પ્રસાદ મૌર્યને મળવા માટે તેમના ઘરે પહોંચ્યા છે. તેમણે કહ્યું કે ભાજપ સરકાર દ્વારા 5 વર્ષના કાર્યકાળમાં દલિતો, પછાતો અને અલ્પસંખ્યક સમુદાયના નેતાઓ તથા જન પ્રતિનિધિઓને કોઈ મહત્વ અપાયું નથી અને ઉપેક્ષા કરાઈ છે. આ કારણે હું ભારતીય જનતા પાર્ટીની પ્રાથમિક સદસ્યતાથી રાજીનામું આપું છું.
UP માં ભાજપને વધુ એક આંચકો, હવે આ ધારાસભ્યએ ફાડ્યો છેડો
અવતાર સિંહ ભડાના RLD માં જોડાયા
સ્વામી પ્રસાદ મૌર્ય બાદ બુધવારે દારા સિંહે પણ ભાજપનો સાથ છોડ્યો. આ બધા વચ્ચે યુપીમાં ગુર્જર સમુદાયમાં મજબૂત પકડ ધરાવતા અવતાર સિંહ ભડાના પણ રાષ્ટ્રીય લોક દળમાં સામેલ થઈ ગયા.
દિલ્હીમાં સીઈસીની બેઠક ચાલુ
ઉત્તર પ્રદેશમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે દિલ્હીમાં ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (BJP CEC) ની બેઠક ચાલુ છે. બેઠકમાં યુપી ચૂંટણીને લઈને મહત્વના નિર્ણયો લેવાય તેવી શક્યતા છે તથા ઉમેદવારોના નામ પર મહોર લાગશે. સૂત્રોના જણાવ્યાં મુજબ ભાજપે યુપી ચૂંટણી માટે લગભગ 209 બેઠકો પર ઉમેદવારોના નામ ફાઈનલ કરી લીધા છે અને ચૂંટણી સમિતિની બેઠકમાં તેના પર અંતિમ મહોર લાગશે.
UP ચૂંટણી પહેલા કોંગ્રેસ-સપાને મોટો ઝટકો, આ 3 દિગ્ગજ નેતા BJP માં સામેલ થયા
UP માં સાત તબક્કામાં થશે વિધાનસભા ચૂંટણી
અત્રે જણાવવાનું કે ઉત્તર પ્રદેશમાં આ વખતે 403 વિધાનસભા બેઠકો પર સાત તબક્કામાં ચૂંટણી થશે અને મતગણતરી 10 માર્ચે થશે. યુપીમાં વિધાનસભા ચૂંટણીની શરૂઆત 10 ફેબ્રુઆરીના રોજ રાજ્યના પશ્ચિમી ભાગના 11 જિલ્લાની 58 બેઠકો પર મતદાન સાથે થશે. ત્યારબાદ 14 ફેબ્રુઆરીના રોજ બીજા તબક્કામાં 55 બેઠકો પર, 20 ફેબ્રુઆરીના રોજ ત્રીજા તબક્કામાં 59 બેઠકો પર, 23 ફેબ્રુઆરીના રોજ ચોથા તબક્કામાં 60 બેઠકો પર, 27 ફેબ્રુઆરીના રોજ પાંચમા તબક્કામાં 60 બેઠકો પર, ત્રણ માર્ચના રોજ છઠ્ઠા તબક્કામાં 57 બેઠકો પર અને સાત માર્ચના રોજ સાતમા અને અંતિમ તબક્કામાં 54 બેઠકો પર મતદાન થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube