ભાજપના દિગ્ગજ સાંસદને 12 વર્ષ જૂના કેસમાં 2 વર્ષની સજા, જઈ શકે છે સંસદનું સભ્યપદ
Ram Shankar Katheria Sentenced: ભાજપ સાંસદ રામ શંકર કઠેરિયા પર સાકેત મોલમાં ટોરેન્ટ કંપનીની ઓફિસમાં હંગામો કરી તોડફોડનો આરોપ છે. આ ઘટના 16 નવેમ્બર 2011માં બની હતી. હવે કોર્ટે સાંસદને બે વર્ષની સજા ફટકારી છે.
Agra News: ઉત્તર પ્રદેશના ઈટાવા (Etawah)થી ભાજપ સાંસદ રામ શંકર કઠેરિયા (Ram Shankar Katheria)ને એક કેસમાં કોર્ટે દોષિ ઠેરવ્યા છે. એમપી-એમએલએ કોર્ટે કઠેરિયાને કલમ 147 અને 323 હેઠળ દોષિ ઠેરવ્યા છે. ભાજપના સાંસદ પર સાકેત મોલમાં ટોરેન્ટ કંપનીની ઓફિસમાં હંગામો કરી તોડફોડનો આરોપ છે. આ ઘટના 16 નવેમ્બર 2011માં બની હતી. આ મામલામાં કોર્ટે બે વર્ષની સજા ફટકારી છે. સાથે 50 હજારનો દંડ પણ ફટકાર્યો છે. તેવામાં રામ શંકર કઠેરિયાનું સંસદનું સભ્યપદ સમાપ્ત થઈ શકે છે.
નોંધનીય છે કે ટોરેન્ટ પાવર લિમિટેડ આગરાના સાકેત મોલ સ્થિત કાર્યાલયમાં મેનેજર ભાવેશ રસિકલાલ શાહ વીજળી ચોરી સંબંધિત મામલાની સુનાવણી અને નિવારણ કરી રહ્યાં હતા. આ દરમિયાન સ્થાનીક સાંસદ રામ શંકર કઠેરિયાની સાથે આવેલા 10થી 15 સમર્થકો ભાવેશ શાહના કાર્યાલયમાં ઘૂસી ગયા અને તેમની સાથે મારપીટ કરી હતી.
આ પણ વાંચોઃ આગામી પાંચ દિવસ આ રાજ્યોમાં પડી શકે છે હળવોથી ભારે વરસાદ, જાણો નવી આગાહી
કઠેરિયા અને તેમના સમર્થકો વિરુદ્ધ નોંધાયો હતો કેસ
આ પછી ટોરેન્ટ પાવરના સુરક્ષા નિરીક્ષક સમેધી લાલે હરિપર્વત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. તહરીરના આધારે સાંસદ રામશંકર કથેરિયા અને તેમના સમર્થકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં હરિપર્વત પોલીસ સ્ટેશને સાંસદ રામશંકર કથેરિયા વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ મોકલી હતી. આ કેસમાં જુબાની અને ચર્ચાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ શનિવારે ચુકાદો સંભળાવવામાં આવ્યો હતો.
રામ શંકર કઠેરિયાએ સજા પર શું કહ્યું?
તો સજા મળવા પર ભાજપના સાંસદ રામ શંકર કઠેરિયાએ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે હું માનનીય કોર્ટના ચુકાદાનું સન્માન કરુ છું, સ્વીકાર કરુ છું. મારા અધિકારનો પ્રયોગ કરતા આગળ અપીલ કરીશ. રામ શંકર કઠેરિયા આગરાથી પણ સાંસદ રહી ચુક્યા છે. તે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ પંચના અધ્યક્ષ પણ રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube