Lok Sabha Speaker: ઓમ બિરલા બીજીવાર બન્યા લોકસભાના સ્પીકર, ધ્વનિમતથી થયો નિર્ણય
ભાજપના સાંસદ ઓમ બિરલા એકવાર ફરીથી લોકસભાના સ્પીકર બન્યા છે. ધ્વનિમતથી નિર્ણય લેવાયો. એકબાજુ એનડીએએ રાજસ્થાન કોટાથી ત્રીજીવાર સાંસદ ચૂંટાઈ આવેલા ઓમ બિરલાને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા
ભાજપના સાંસદ ઓમ બિરલા એકવાર ફરીથી લોકસભાના સ્પીકર બન્યા છે. ધ્વનિમતથી નિર્ણય લેવાયો. એકબાજુ એનડીએએ રાજસ્થાન કોટાથી ત્રીજીવાર સાંસદ ચૂંટાઈ આવેલા ઓમ બિરલાને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા જ્યારે વિપક્ષી ઈન્ડિયા ગઠબંધને કેરળના મવેલીકારાથી 8 વખત સાંસદ રહી ચૂકેલા કોડિકુન્નિલ સુરેશને મેદાને ઉતાર્યા હતા.
543 સભ્યવાળી લોકસભામાં હાલ 542 સાંસદ છે. કારણ કે કેરળના વાયનાડ સીટથી રાહુલ ગાંધીના રાજીનામા બાદ તે ખાલી છે. સદનમાં 293 સાંસદોવાળા એનડીએને સ્પષ્ટ બહુમત છે. જ્યારે વિપક્ષી ઈન્ડિયા પાસે 233 સાંસદ છે. જ્યારે અન્ય દળ જે એનડીએનો ભાગ નથી કે ઈન્ડિયા બ્લોકના પણ ભાગ નથી તેવા 16 સાંસદ છે. જેમાંથી કેટલાક અપક્ષો પણ સામેલ છે.
પીએમ મોદીએ મૂક્યો પ્રસ્તાવ
પીએમ મોદીએ સ્પીકર પદ માટે ઓમ બિરલાના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. રક્ષામંત્રી રાજનાથ સિંહે આ પ્રસ્તાવનું અનુમોદન કર્યું. લલન સિંહે પણ ઓમ બિરલાના નામનો પ્રસ્તાવ મૂક્યો. ડોક્ટર રાજકુમાર સાંગવાને આ પ્રસ્તાવનું અનુમોદન કર્યું. લોકસભાના સ્પીકર બનવા પર પીએમ મોદીએ ઓમ બિરલાને શુભેચ્છા પાઠવી.