દલિતોના ઘરે ભોજન કરવાથી થશે કોંગ્રેસ જેવા હાલ: BJP સાંસદ ઉદિત રાજ
આ માટે તેમણે રાહુલ ગાંધીનું ઉદાહરણ પણ આપ્યું.
નવી દિલ્હી: ભાજપના સાંસદ ઉદિત રાજે લોકો સુધી પહોંચવા માટે પોતાની પાર્ટી તરફથી ચલાવવામાં આવી રહેલા ગ્રામ સ્વરાજ અભિયાન પર કહ્યું કે તેનાથી કોઈ ચૂંટણીલક્ષી ફાયદો થશે નહીં અને તે દલિતોને 'હીન' મહેસૂસ કરાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત મહિને જ પાર્ટીના તમામ સાંસદો અને મંત્રીઓને કહ્યું હતું કે તેઓ 50 ટકાથી વધુ અનુસૂચિત જાતિવાળા ગામડાઓમાં પોતાનો સમય પસાર કરે. ત્યારબાદ જ 'ગ્રામ સ્વરાજ અભિયાન' શરૂ કરવામાં આવ્યું.
ઉત્તર પશ્ચિમ દિલ્હીથી શાંસદ ઉદિત રાજે અનેક ટ્વિટના માધ્યમથી કહ્યું કે રાહુલ ગાંધી દલિતોના ઘરે ગયા, તેમની સાથે ભોજન કર્યું અને લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે હારનો સામનો કરવો પડ્યો. અત્યારે જે લોકો આવું કરે છે તેમના પણ એવા જ હાલ થશે.
તેમણે કહ્યું કે "આ મારો સામાજિક વિચાર છે. મારો અંગત અભિપ્રાય હોઈ શકે છે. માત્ર પાર્ટીએ જ નહીં પરંતુ સમગ્ર દેશ, સવર્ણ સમાજે આ અંગે વિચારવું જોઈએ. હવે ફક્ત ભોજન કરવાથી કઈ નહીં થાય, આ તેમને હીન ભાવના મહેસૂસ કરાવે છે." પોતે દલિત સમાજમાંથી આવતા ઉદિત રાજે કહ્યું કે તેમના વિચાર પાર્ટી વિરુદ્ધ નથી.
ઉદિત રાજે ટ્વિટ કરી છે કે દલિતોના ઘરે રાત રોકાવવાથી કે ભોજન કરવાથી ન તો દલિત પરિવારો સશક્ત થાય છે અને ન તો નેતાઓને કઈ લાભ થાય છે. રાહુલ ગાંધી તેનું પ્રત્યક્ષ ઉદાહરણ છે. રાતે રોકાઈને અને ભોજન કરીને દેખાડો કરો તેના કરતા સારું છે કે નેતાઓ જરૂરિયાતવાળા દલિતો માટે ભોજન, કપડાં, મકાન, રોજગારી અને સારવારના ઉપાયો લઈને આવે.
તેમનું કહેવું છે કે "તેઓ પાર્ટીના આદેશનું પાલન કરી રહ્યાં છે પરંતુ તેનાથી ભાજપને કઈ ખાસ ફાયદો થશે નહીં. તેમણે પીટીઆઈને જણાવ્યું કે વ્યક્તિગત રીતે મારું માનવું છે કે તેનાથી પાર્ટીને કશો લાભ થશે નહીં. જો કે આ પાર્ટીનો કાર્યક્રમ છે આથી હું તેનું સમર્થન કરું છું."