જયેશ જોશી, અમદાવાદઃ રાજકારણમાં ક્યારેય કોઈ દોસ્ત હોતો નથી. સમીકરણ બદલાતાની સાથે દોસ્ત દુશ્મન બની જાય છે અને દુશ્મન દોસ્ત. બિહારના રાજકીય વર્તુળોમાં આજકાલ આ કહેવત સાચી સાબિત થઈ રહી છે. કાલ સુધી જે નેતાઓની વચ્ચે દોસ્તીની સોગંદની ચર્ચાઓ થતી હતી. આજે તે ફૂટેલી આંખે એકબીજાને જોઈ રહ્યા છે. જે મુકેશ સહની તેજસ્વીથી નારાજ થઈને એનડીએમાં ગયા હતા. તેમના બધા ધારાસભ્યોને બીજેપી ઉઠાવી લઈ. બીજેપીથી મોટું દર્દ મેળવી ચૂકેલા સહની હવે લાલુ યાદવના વખાણ કરી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુકેશ સહનીના પગ નીચેની જમીન ખસકાવી દેનારી કહેવતને સાચી સાબિત કરતાં રાજકીય જમીન ઉડાવી લેવાની બિહારમાં આ પહેલાં અનેક મિસાલ જોવા મળી છે. પહેલાં ઉપેન્દ્ર કુશવાહા, પછી ચિરાગ પાસવાનને આ રાજકીય ઝાયકાનો સ્વાદ ચાખવા મળ્યો છે. હવે આ યાદીમાં મુકેશ સહની પણ આ રાજકીય દાવપેચનો શિકાર થઈ ગયા છે.


મધદરિયે ડૂબી ગઈ મુકેશ સહનીની હોડી:
નીતિશ સરકારમાં મંત્રી અને વિકાશશીલ ઈન્સાન પાર્ટીના પ્રમુખ મુકેશ સહનીને બીજેપીએ મોટો રાજકીય ઝટકો આપ્યો. 2020માં બિહાર વિધાનસભાની ચૂંટણીમાં આરજેડી સાથે ગઠબંધન તોડીને બીજેપી સાથે હાલ મિલાવીને ચૂંટણી લડનારા મુકેશ સહનીના વીઆઈપી પાર્ટીથી ચાર ધારાસભ્ય ચૂંટાયા હતા. તેમાંથી એકનું નિધન થઈ ચૂક્યું છે. જ્યારે બાકીના ત્રણ ધારાસભ્ય રાજુ સિંહ, મિશ્રીલાલ યાદવ અને સ્વર્ણા સિંહે સહનીનો સાથ છોડી દીધો છે. સહનીના ત્રણેય ધારાસભ્યોએ બીજેપી પ્રદેશ અધ્યક્ષ ડૉ.સંજય જયસ્વાલ, ઉપમુખ્યમંત્રી તારકિશોર પ્રસાદની સાથે બિહાર વિધાનસભા અધ્યક્ષ વિજય સિંહા સાથે મુલાકાત કરીને બીજેપીનો ખેસ ધારણ કરી લીધો. આ રીતે મુકેશ સહનીએ જ્યાંથી પોતાની રાજકીય પાર્ટીની શરૂઆત કરી હતી, ત્યાં ફરી પહોંચી ગયા છે.


સહનીના રાજકીય ભવિષ્ય પર સંકટ સર્જાયું:
મુંબઈ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સેટ ડિઝાઈનનું કામ છોડીને મુકેશ સહનીએ રાજકારણમાં જોડાવાનું નક્કી કર્યું.  આ વાત 2014 લોકસભા ચૂંટણીની છે. જ્યારે મુકેશ સહનીએ સ્ટાર કેમ્પેનર તરીકે બિહારમાં બીજેપી માટે પ્રચાર કર્યો. અહીંયા તેમને રાજકીય ચસ્કો લાગ્યો અને તેમણે નિષાદ સમુદાયને એસસી આરક્ષણ આપવાની માગણીને લઈને 2018માં વિકાસશીલ ઈન્સાન પાર્ટીની રચના કરી. તેના પછી 2019માં લોકસભાની ચૂંટણીમાં આરજેડીની સાથે મળીને ત્રણ સીટ પર ચૂંટણીમાં ઝંપલાવ્યું પરંતુ સફળતા મળી નહીં.


2020માં મુકેશ સહનીને તેજસ્વી સામે વાંધો પડ્યો:
2020ની બિહાર વિધાનસભાની ચૂંટણીમાં સીટોની વહેંચણીને લઈને મુકેશ સહનીએ આરજેડીથી અલગ થઈને એનડીએનો હિસ્સો બનીને મેદાનમાં ઉતર્યા. જોકે મોટું સત્ય એ હતું કે તેમની પાર્ટી માટે સીટોની વ્યવસ્થા બીજેપીએ પોતાના કોટામાંથી કરી હતી. વીઆઈપીએ 11 બેઠક પર ચૂંટણી લડીને 4મા જીત મેળવી હતી. જીતનારા બધા ધારાસભ્ય બીજેપીની નજીક રહ્યા. બીજેપી સાથે વિવાદ થતાં તેમના ધારાસભ્ય સાથ છોડીને જતાં રહ્યા અને હવે બીજેપીના થઈ ગયા છે. સહની ખાલી હાથ રહી ગયા અને તેમના એમએલસીનો કાર્યકાળ પણ જુલાઈ 2022 સુધીનો જ છે. હવે મુકેશ સહની માટે રાજકીય સંકટ ઉભું થયું છે કે કેવી રીતે પોતાનું મંત્રી પદ અને એમએલસીની ખુરશી બચાવે.


બીજેપીથી દૂર થઈને મજબૂર થઈ ગયા કુશવાહા:
2014ની લોકસભાની ચૂંટણીમાં બીજેપીએ નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી પદના ચહેરા તરીકે જાહેર કર્યા તો નીતિશ કુમારે એનડીએ સાથે સંબંધ તોડી નાંખ્યો. આવા સમયે બીજેપી માટે બિહારમાં ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી આરએસએલપી સહારો બની હતી. બિહારની ત્રણ લોકસભા સીટો પર આરએલએસપી ચૂંટણી લડી અને ત્રણેય જીતવામાં સફળ પણ રહી. મોદી સરકારના પહેલા કાર્યકાળમાં કુશવાહા કેન્દ્રીય મંત્રી બન્યા અને 2015ની ચૂંટણીમાં ત્રણ ધારાસભ્ય પણ જીત્યા. જ્યારે નીતિશ કુમાર અને લાલુ યાદવની પાર્ટીએ સાથે મળીને બિહારની સત્તા પર કબજો જમાવ્યો.


2017માં કુશવાહાનો નિર્ણય પડી ગયો પાર્ટીને ભારે:
જોકે 2017માં રાજકીય સમીકરણ એવા બદલાયા કે નીતિશ કુમારે આરજેડી સાથે ગઠબંધન તોડીને બીજેપીની સાથે ફરી હાથ મિલાવી દીધા. નીતિશની એનડીએમાં ફરી વાપસી થતાં જ ઉપેન્દ્ર કુશવાહાની સંબંધ બીજેપી સાથે બગડવા લાગ્યા અને 2019 ચૂંટણી પહલાં રાજકીય માર્ગ બદલાઈ ગયો. કુશવાહાએ કેન્દ્રીય મંત્રી પદેથી રાજીનામું આપીને બીજેપી સાથે ગઠબંધન તોડી નાંખ્યું અને આરજેડી સાાથે હાથ મિલાવી દીધો. કુશવાહાની બીજા સાંસદ બીજેપીમાં જોડાઈ ગયા અને ત્રણેય ધારાસભ્ય જેડીયુમાં જોડાઈ ગયા.


ફરી નીતિશ કુમાર સાથે આવ્યા ઉપેન્દ્ર કુશવાહા:
લોકસભા ચૂંટણી 2019માં આરજેડીની આગેવાનીમાં કુશવાહાની પાર્ટીએ 5 સંસદીય સીટો પર ચૂંટણીમાં ઝંપલાવ્યું. પરંતુ એકપણ સીટ પર વિજય મળ્યો નહીં. તેના પછી 2020ની ચૂંટણીમાં કુશવાહાના સંબંધ આરજેડી સાથે બગડ્યા અને ઓવૈસીની સાથે મળીને ચૂંટણી લડ્યા. પરંતુ ખાતું પણ ખૂલ્યું નહીં. વિધાનસભા ચૂંટણી પછી ખાલી હાથે કુશવાહાએ જેડીયુમાં પોતાની પાર્ટીનો વિલય કરતાં ઘર વાપસી કરી. ફરીથી નીતિશ કુમારે તેમને એમએલસી બનાવીને સાથે રાખી લીધા છે.


ચિરાગ પાસવાન પાસે પાર્ટી પણ નહીં, નેતા પણ નહીં:
પીએમ મોદીના હનુમાન બતાવનારા ચિરાગ પાસવાને એનડીએ સાથે સંબંધ તોડ્યા પછી ક્યાંય જોવા મળતાં નથી. તેની પાસે પોતાની પાર્ટી પણ નથી અને એકપણ નેતા નથી. બિહારમાં 2014ની લોકસભા ચૂંટણીમાં બીજેપી અને એલજેપી સાથે આવ્યા હતા. ત્યારે એલજેપીની કમાન ચિરાગ પાસવાનના પિતા રામવિલાસ પાસવાનના હાથમાં હતી. એલજેપીના 6 સાંસદ જીત્યા હતા. જેના પછી રામવિલાસ પાસવાન કેન્દ્રની મોદી સરકારમાં મંત્રી બન્યા. તેના પછી 2019ની ચૂંટણીમાં પણ એલજેપીએ બીજેપીની સાથે મળીને ચૂંટણી લડી અને 6 લોકસભા સભ્ય જીત્યા. તે સિવાય રામ વિલાસ પાસવાન રાજ્યસભા સભ્ય બનીને કેન્દ્રમાં મંત્રી બન્યા. પરંતુ 2020માં ચૂંટણીની વચ્ચે તેમનું નિધન થઈ ગયું.


ચિરાગના હાથમાં આવી કમાન અને પાર્ટી વિખેરાઈ ગઈ:
એલજેપીની કમાન ચિરાગ પાસવાને સંભાળતાં જ પાર્ટીની નૈયા હાલક ડોલક થવા લાગી. સીટ શેરિંગને લઈને સહમતિ ન બની તો ચિરાગ પાસવાને બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએથી અલગ થઈને ચૂંટણી લડી. ચિરાગે જેડીયુ ઉમેદવારો સામે એલજેપીના ઉમેદવાર ઉતાર્યા અને બીજેપીને વોકઓવર આપ્યો. આ રીતે ચિરાગ પાસવાનને એકલા હાથે ચૂંટણી લડવી મોંઘી પડી અને માત્ર એક જ સીટ જીતી શક્યા. જે પછી જેડીયુમાં જોડાઈ ગયા તો એમએલસી બીજેપીમાં જોડાયા.


રામવિલાસ પાસવાન ગયા અને પાર્ટીનું અસ્તિત્વ ખતમ થઈ ગયું:
રામવિલાસ પાસવાનના નિધનના એક જ વર્ષમાં એલજેપી બે જૂથમાં વહેંચાઈ ગઈ. ચિરાગ પાસવાનને છોડીને પાર્ટીના બીજા પાંચ સાંસદ તેમના કાકા પશુપતિનાથ પાસર સાથે મળીને તખ્તાપલટ કરી નાંખી. પશુપતિ પારસ મોદી સરકારમાં એલજેપી કોટાથી કેન્દ્રીય મંત્રી બની ગયા. એલજેપી સંસદીય દળના નેતાઓ તરીકે પશુપતિ પારસને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ માન્યતા પણ આપી છે. એલજેપી બે જૂથમાં વહેંચાઈ ગઈ. ચિરાગ પાસવાન એકલા બચ્યા છે. જ્યારે બીજા નેતા પશુપતિ પારસની સાથે છે. પાર્ટીના ચૂંટણી નિશાનને લઈને મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે. તો એલજેપીના બીજા નેતાઓએ બીજા પક્ષોનો સાથ પસંદ કરી લીધો છે. આ રીતે રાજકારણમાં દોસ્તી અને દુશ્મનીનો ખેલ ચાલુ છે અને એકસમયે કિંગમેકર બનનારા નાના-નાના પક્ષો ખતમ થઈ રહ્યા છે.