નવી દિલ્હી: 2019 લોકસભા ચૂંટણીની તૈયારીઓમાં લાગેલા ભાજપની આજથી દિલ્હીમાં બે દિવસની કારોબારી બેઠક શરૂ થઈ રહી છે. બેઠકના પહેલા દિવસે આજે સવારે ભાજપના અધ્યક્ષ અમિત શાહ રાષ્ટ્રીય પ્રદેશ પદાધિકારીઓ અને રાજ્યના અધ્યક્ષ સાથે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરશે. મીડિયા સાથે વાત કરતા પાર્ટી પ્રવક્તા શાહનવાઝ હુસૈને કહ્યું કે અમિત શાહની આ બેઠકમાં ગત નિર્ણયોને લઈને પણ વાતચીત થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ થશે સામેલ 
શાહનવાઝે જણાવ્યું કે આ બેઠક શનિવારે સાંજે 3 વાગે ભાજપના મુખ્યાલયમાં થશે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત પાર્ટીના તમામ નેતાઓ હાજર રહેશે. આ દરમિયાન ભાજપ અધ્યક્ષ અમિત શાહનું ભાષણ થશે. બેઠકમાં દેશના પૂર્વ વડાપ્રધાન  અટલ બિહારી વાજપેયીને પણ શ્રદ્ધાંજલિ અપાશે. 


3 વિધાનસભા અને લોકસભા ચૂંટણીની દિશા નક્કી કરાશે
સૂત્રોના હવાલે જાણવા મળ્યું છે કે અમિત શાહની આ બેઠકમાં 3 રાજ્યોની વિધાનસભા ચૂંટણી અને 2019ની લોકસભા ચૂંટણીની દશા-દિશા નક્કી કરાશે. આ બેઠકમાં પાર્ટીની આર્થિક અને રાજકીય દિશા અને દશા નક્કી કરાશે. 


આ મુદ્દાઓ ઉપર  પણ થશે વાત
સૂત્રોના હવાલે મળી રહેલી જાણકારી મુજબ બેઠકમાં પાર્ટી દ્વારા કેન્દ્ર અને રાજ્યમાં થયેલા કામોની પ્રમુખતાથી ચર્ચા કરવામાં આવશે. આ સાથે જ બેઠકમાં તમામ રાજ્યોના અધ્યક્ષોને પોત પોતાના પ્રદેશનું રિપોર્ટ કાર્ડ રજુ કરવાનું કહેવાયુ છે. આ ઉપરાંત દેશભરમાં એસસી/એસટી એક્ટમાં સંશોધન બાદ જે હાલાત બની રહ્યાં છે તેના  પર આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. 


સિદ્ધુ પર સાધ્યું નિશાન
શાહનવાઝ હુસેને પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે પાકિસ્તાનના વખાણ કરવા કોંગ્રેસની આદત બની ગઈ છે. તેમણે વિપક્ષી દળને સ્પષ્ટ કરવાનું કહ્યું કે શું સિદ્ધુની ટિપ્પણી પાર્ટીનું અધિકૃત વલણ દર્શાવે છે. તેમણે કહ્યું કે કોંગ્રેસના નેતા ભારતના વડાપ્રધાનનું અપમાન કરે છે અને પાકિસ્તાનના વડાપ્રધાનની પ્રશંસા કરે છે. હુસૈને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પાસે પણ સ્પષ્ટીકરણ માંગ્યું અને કહ્યું  કે સિદ્ધુ કોંગ્રેસના નેતૃત્વવાળી પંજાબ સરકારમાં મંત્રી છે અને પાર્ટી અધ્યક્ષના પણ સારા મિત્ર છે.