2019માં ભાજપ 2014 કરતા પણ વધુ બહુમતીથી સત્તામાં વાપસી કરશે: અમિત શાહ
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે રાષ્ટ્રીય કારોબારી બેઠકનું ઉદ્ધાટન કરતા કહ્યું કે અમે 2019માં સ્પષ્ટ બહુમતી સાથે જીતીશું. તેમણે કહ્યું કે સંકલ્પની શક્તિને કોઈ પરાજિત કરી શકે નહીં.
નવી દિલ્હી: ભાજપની 2 દિવસની રાષ્ટ્રીય કારોબારી બેઠક આજે દિલ્હીમાં શરૂ થઈ. સૂત્રોના જણાવ્યાં મુજબ આ અવસરે નેતાઓએ 2019ની ચૂંટણીમાં 2014 કરતા પણ વધુ બહુમતથી સત્તામાં વાપસીનો સંકલ્પ લીધો. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ઉદ્ધાટન કરતા કહ્યું કે અમે 2019માં સ્પષ્ટ બહુમતી સાથે જીતીશું. તેમણે કહ્યું કે સંકલ્પની શક્તિને કોઈ પરાજિત કરી શકે નહીં. રાષ્ટ્રીય કારોબારીના આ બેઠકમાં પાર્ટીએ 'અજેય બીજેપી'નો નારો આપ્યો છે. મીટિંગમાં ભાજપના તમામ રાષ્ટ્રીય પદાધિકારીઓ સહિત તમામ રાજ્યોના પ્રદેશ અધ્યક્ષ પણ સામેલ છે.
અમિત શાહે કાર્યકર્તાઓને અપીલ કરી કે ભાજપ 2019માં 2014 કરતા પણ વધુ પ્રચંડ બહુમતથી સત્તામાં વાપસી કરશે. પ્રચંડ જીત માટે તેમણે હાજર નેતાઓને સંકલ્પ અપાવીને કારોબારીના મૂડ અને રણનીતિની રૂપરેખા રજુ કરી. તેમણે એમ પણ કહ્યું કે 3 રાજ્યોની વિધાનસબા ચૂંટણી ઉપરાંત તેલંગણા ઉપર પણ વિશેષ ધ્યાન આપવામાં આવશે. જાહેર છે કે મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, અને રાજસ્થાનમાં સત્તા વાપસીની મથામણમાં લાગેલી પાર્ટી માટે આ સરળ નથી. ખાસ કરીને સત્તા વિરોધી લહેર અને એસસી/એસટી એક્ટના મુદ્દે થઈ રહેલો વિવાદ અને બબાલ જોઈને ડગર મુશ્કેલ લાગી રહી છે. કહેવાય છે કે કારોબારી બેઠકમાં આ મુદ્દે ગંભીરતાથી ચર્ચા થઈ શકે છે. આ સાથે જ એ રણનીતિ બનાવવાની કોશિશ થશે કે પરંપરાગત મત(ઉચ્ચ જાતિઓ) સાથે રહે. ઓબીસીને પોતાની પડખે રખાય અને એસસી/એસટી વર્ગ પણ દૂર ન થાય.
અમિત શાહે પાર્ટી પદાધિકારીઓની બેઠકમાં એમ પણ કહ્યું કે આપણી પાસે દુનિયાના સૌથી લોકપ્રિય નેતા છે. સરકારની ઉપલબ્ધિઓ પણ એવી છે કે જે 70 વર્ષમાં કોઈ સરકારની રહી નથી. આ ઉપલબ્ધિઓને ઘરે ઘરે પહોંચાડવાનું કામ સંગઠનનું છે. ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠક દિલ્હીના આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટરમાં થઈ રહી છે. આંબેડકર સેન્ટરમાં કારોબારીની બેઠક કરીને પાર્ટી એસસી/એસટી વર્ગને સંદેશ પણ આપી રહી છે કે બાબાસાહેબના બતાવેલા રસ્તે સરકાર અને સંગઠન ચલાવવાનો સંકલ્પ લીધો છે. આ સાથે જ બધાનો સાથ બધાનો વિકાસ તે નીતિનો પ્રમુખ હિસ્સો છે.
આજે સાંજે 4 વાગે પાર્ટી અધ્યક્ષ અમિત શાહના અધ્યક્ષીય ભાષણથી કારોબારીની બેઠકની વિધિવત શરૂઆત થશે. રવિવારે એટલે કે 9 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન ભાષણથી સાંજે બેઠકનું સમાપન થશે. બેઠકમાં વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, રાજનાથ સિંહ, મુરલી મનોહર જોશી, સુષમા સ્વરાજ, અરુણ જેટલી સહિત કારોબારીના સભ્ય સામેલ થશે. તમામ રાજ્યોના પાર્ટી અધ્યક્ષ, પાર્ટીના તમામ મુખ્યમંત્રીઓ, ઉપમુખ્યમંત્રીઓ અને સંગઠન સાથે જોડાયેલા તમામ સભ્યો પણ બેઠકમાં ભાગ લેશે. બેઠકમાં સરકારની ઉપલબ્ધિઓ, આગામી વિધાનસભા ચૂંટણી અને લોકસભા ચૂંટણી પર મનોમથન થશે.
રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં ગત બેઠકથી અત્યાર સુધીની પ્રમુખ ગતિવિધિઓ ઉપરાંત કાર્યક્રમોની જાણકારી અને સંગઠનાત્મક વિષયો પર ચર્ચા થશે. આ ઉપરાંત રાજનીતિક અને આર્થિક પ્રસ્તાવો તથા આગામી કાર્યક્રમોની રૂપરેશા નક્કી કરાશે. બેઠકમાં કેન્દ્રની ઉપલબ્ધિઓ પર પ્રમુખતાથી ચર્ચા કરવામાં આવશે. પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે બેઠકમાં દરેક રાજ્યના અધ્યક્ષો તરફથી રાજ્યના રિપોર્ટ કાર્ડ રજુ કરવામાં આવશે અને લોકસભા ચૂંટણીની તૈયારીઓ ઉપર પણ બેઠકમાં ચર્ચા કરાશે.