પટનામાં થશે નીતીશ કુમાર અને અમિત શાહની મુલાકાત! સીટ વહેંચણી મુદ્દે થઈ શકે છે ચર્ચા
ભાજપ અને જેડીયૂની આ દરાર વચ્ચે અમિત શાહના પટના પ્રવાસ પર તમામની નજર રહેશે. અમિત શાહ 12 જુલાઈએ રાંચીથી પટના પહોંચશે.
પટનાઃ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ 12 જુલાઈએ પટના જઈ રહ્યાં છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે આ યાત્રા દરમિયાન બિહારની મુખ્યપ્રધાન નીતીશ કુમાર સાથે તેમની મુલાકાત તશે. આ બેઠકમાં લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સીટ વહેંચણી મુદ્દે વાતચીત થઈ શકે છે.
મહત્વનું છે કે, બિહારમાં એનડીએના નેતા સીટ વહેંચણીને લઈને સતત નિવેદન આપી રહ્યાં છે. જેડીયૂના નેતા 2015ની વિધાનસભા ચૂંટણીના આધાર પર સીટ વહેંચણીની વાત કરી રહ્યાં છે. બીજીતરફ ભાજપે તમામ 40 સીટો પર ચૂંટણી લડવાની તૈયારીનું નિવેદન આપીને બિહારની રાજનીતિમાં ગરમાવો લાવી દીધો છે.
ભાજપ અને જેડીયૂની આ તકરાર વચ્ચે અમિત શાહના પટના પ્રવાસ પર તમામની નજર રહેશે. અમિત શાહ 12 જુલાઈએ રાંચીથી પટના પહોંચશે.
આ પહેલા જેડીયૂના પ્રવક્તા સંજય સિંહે કહ્યું હતું કે, બિહાર ભાજપના નેતા જે નિવેદનોથી મીડિયામાં છવાઇ જવા ઈચ્છે છે, તેણે નિયંત્રણ રાખવાની જરૂર છે. તેમણે કહ્યું કે, 2014 અને 2019માં ઘણું અંતર છે.
સંજય સિંહે કહ્યું હતું કે ભાજપ તે સમજે છે કે, તે બિહારના મુખ્યપ્રધાન નીતીશ કુમાર વગર બિહાર જીતી શકે નહીં. આ સાથે તેમણે કહ્યું કે, ભાજપને જો સહયોગીની આવશ્યક્તા નથી તો તે તમામ 40 સીટો પર ચૂંટણી લડવા માટે સ્વતંત્ર છે.
મુંગરે લોકસભાથી સાંસદ અને એલજેપીના નેત્રી વીણા દેવીએ પણ સીટ વહેંચણીને લઈને નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે, એલજેપીને સૌથી વધુ સીટ મળશે. તેમણે કહ્યું હતું કે, જેડીયૂના માત્ર બે સાંસદો છે તો તેને માત્ર બે સીટ આપવામાં આવશે. બિહારમાં એનડીએની સહયોગી પાર્ટીઓમાં એલજેપી પાસે સૌથી વધુ સાંસદ છે.