લોકસભા-વિધાનસભા ચૂંટણી એક સાથે થાય તે માટે અમિત શાહે કાયદા પંચને લખ્યો પત્ર
આ મુદ્દે વિચાર વિમર્શ માટે ભાજપ પ્રતિનિધઇમંડળે સોમવારે નાણાપંચના ચેરમેન ન્યાયમૂર્તિ બીએસ ચૌહાણ સાથે મુલાકાત કરી
નવી દિલ્હી : ભાજપ લાંબા સમયથી વન નેશન વન ઇલેક્શન (એક દેશ એક ચૂંટણી)ની વાત કરી રહ્યું છે. આ અંગે વિચાર વિમર્શ કરવા માટે ભાજપના પ્રતિનિધિ મંડળે કાયદા પંચના ચેરમેન બી.એસ ચૌહાણ સાથે મુલાકાત યોજી હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આ અંગેનો પત્ર પણ કાયદા ચેરમેન બી.એસ ચૌહાણને સોંપ્યો હતો. આ બેઠક આશરે 50 મિનિટ જેટલી ચાલી હતી.
ચૂંટણીનાં ખર્ચમાં ઘટાડો થશે
ભાજપે દેશમાં એક સાથે ચૂંટણી કરવાની બાબતનું સમર્થન કરતા કાયદા પંચ સમક્ષ રજુઆત કરી હતી કે આ પગલાનાં કારણે અલગ અલગ ચૂંટણીઓનાં કારણે થતા કરોડો રૂપિયાનાં વધારાનાં ખર્ચને ઘટાડી શકાશે અને તે રકમનો ઉપયોગ દેશનાં વિકાસ કાર્યોમાં થઇ શકશે. જેનાંથકી દેશનું અર્થતંત્ર વધારે ઝડપથી આગળ વધી શકશે. પ્રતિનિધિમંડળમાં મુખ્તાર અબ્બાસ નકવી ઉપરાંત, ભાજપ નેતા વિનય સહસ્ત્રબુદ્ધે, ભૂપેન્દ્ર યાદવ અને અનિલ બલુનીનો પણ સમાવેશ થાય છે. પ્રતિનિધિમંડળે કાયદા પંચ સમક્ષ પોતાની વાત કરી.
બેઠક બાદ નકવીએ પત્રકારોને જણાવ્યું કે અમારી પાર્ટીનું વલણ સ્પષ્ટ છે કે ચૂંટણી એક સાથે યોજાય. આ અંગે કાયદા પંચ સાથે ચર્ચા થઇ. અમારા વિચારો વ્યક્ત કર્યા હતા.
મુખ્ય ત્રણ કારણો
નકવીએ કહ્યું કે દેશમાં એક ચૂંટણી થાય તેની પાછળના મુખ્ય ત્રણ કારણો છે. સતત ચૂંટણીઓ ચાલુ રહેવાનાં કારણે આચર સંહિતા લાગુ પડે છે જેનાં કારણે વિકાસ કાર્યોમાં બાધા આવે છે. ચૂંટણીનાં ખર્ચમાં કરોડો રૂપિયાનું વધારાનૂં આંધણ થાય છે કે એક સાથે ચૂંટણીથી નિવારી શકાય છે. ઉપરાંત સતત ચૂંટણીની વ્યસ્તતાનાં કારણે વાસ્તવિક મુદ્દાઓ પર ધ્યાન નથી રહેતું અને લોકહિત સાથે જોડાયેલા પ્રશ્નો યોગ્ય રીતે ઉઠી નથી શકતા. નકવીનાં અનુસાર જ્યારથી એક દેશ એક ચૂંટણીનો મુદ્દો ઉઠ્યો છે ચૂંટણી પ્રક્રિયાનાં સૌથી મોટા પક્ષકાર મતદાતાઓ દ્વારા તેનું સ્વાગત કરવામાં આવ્યું છે.
વિપક્ષનો વિરોધ
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ એક ચૂંટણીનો વિરોધ કરી રહી છે. તે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી સાથે થાય તેવી પરિકલ્પનાનો વિરોધ કરી ચુકી છે. પાર્ટી નેતા મલ્લિકાર્જુન ખડગે, પી.ચિદંમ્બરમ, કપિલ સિબ્બલ અને સિંધવીએ હાલમાં જ કાયદા પંચ સાથે મુલાકાત યોજીને કહ્યું કે, એક સાથે ચૂંટણી ભારતીય સંઘવાદની ભાવનાની વિરુદ્ધ છે. બીજી તરફ વડાપ્રધાન મોદી લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે કરાવવા મથી રહ્યા છે.