કોંગ્રેસ માટે આપણા આર્મી ચીફ સડકના ગુંડા પાક. આર્મી ચીફ સોનાના મુંડા: સંબિત પાત્રા
પાકિસ્તાન સેના પ્રમુખ કમર જાવેદ બાજવાને ગળે મળવાનાં વિવાદ અંગે નવજોતસિંહ સિદ્ધુની સ્પષ્ટતા અંગે ભાજપે કર્યો વળતો પ્રહાર
નવી દિલ્હી : પાકિસ્તાનનાં સૈન્ય પ્રમુખને ગળે મળવા મુદ્દે નવજોત સિંહ સિદ્ધુ દ્વારા અપાયેલી સ્પષ્ટતા બાદ ભાજપે સિદ્ધુ દ્વારા કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. ભાજપના નેતા સંબિત પાત્રાએ કોંગ્રેસ પર શાબ્દિક પ્રહારો કરતા કહ્યું કે, કોંગ્રેસ માટે આપણા દેશા આર્મી ચીફ સડકના ગુંડાઓ છે અને પાકિસ્તાનના આર્મી ચીફ સોનાના મુંડા(માણસ) છે.
દેશમાં સમાંતર સરકાર ચલાવવા માંગે છે રાહુલ ગાંધી
પાત્રાએ કહ્યું કે, સિદ્ધુ લાજવાનાં બદલે ગાજ્યા છે. તેણે પોતાની સ્પષ્ટતામાં જણાવ્યું કે, ભારતીયોનાં હૃદય નાના છે. અમે આ નિવેદનની નિંદા કરીએ છીએ અને સિદ્ધુ આ મુદ્દે સ્પષ્ટતા કરે તે પણ તેટલું જ જરૂરી છે. જો કે આ જવાબ સિદ્ધુ પાસેથી નહી પરંતુ રાહુલ ગાંધી પાસેથી આ મુદ્દે સ્પષ્ટતા ઇચ્છીએ છીએ. રાહુલ ગાંધીને સવાલ કરતા પાત્રાએ જણાવ્યું કે, રાહુલ ગાંધી દેશમાં સમાંતર સરકાર ચલાવવા માંગે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના નવા વડાપ્રધાન ઇમરાન ખાનના શપથગ્રહણ સમારોહમાં પાકિસ્તાની સેના પ્રમુખ કમર જાવેદ બાજવાને ગળે મળ્યા બાદ વિવાદ ચાલુ થયો. વિવાદ અંગે નવજોતસિંહ સિદ્ધુએ મંગળવારે સ્પષ્ટતા કરી. તેમણે કહ્યું કે, તેઓ દોસ્તી ખાતર પાકિસ્તાન ગયા હતા.