UP: BJP એ જાહેર કરી 85 ઉમેદવારોની ચોથી યાદી, જાણો અદિતિ સિંહને ક્યાંથી મળી ટિકિટ
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે તેની ચોથી યાદી જાહેર કરી છે. આ યાદીમાં 85 ઉમેદવારોના નામ સામેલ છે. પૂર્વ મંત્રી રામવીર ઉપાધ્યાયને યુપીના હાથરસની સાદાબાદ સીટથી ભાજપની ટિકિટ મળી છે.
લખનઉ: ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે તેની ચોથી યાદી જાહેર કરી છે. આ યાદીમાં 85 ઉમેદવારોના નામ સામેલ છે. પૂર્વ મંત્રી રામવીર ઉપાધ્યાયને યુપીના હાથરસની સાદાબાદ સીટથી ભાજપની ટિકિટ મળી છે, જ્યારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અદિતિ સિંહ હવે રાયબરેલી બેઠક પરથી કમળના નિશાન પર ચૂંટણી લડશે.
અસીમ અરુણને કન્નૌજથી ટિકિટ મળી
આ સિવાય સિરસાગંજથી હરિઓમ યાદવ, મૈનપુરીથી જયવીર સિંહ, હરદોઈથી નીતિન અગ્રવાલ, એટાથી વિપિન વર્મા અને કન્નૌજથી અસીમ અરુણને ભાજપની ટિકિટ મળી છે. અલીગંજના વર્તમાન ધારાસભ્ય સત્યપાલ રાઠોડ પોતાની ટિકિટ બચાવવામાં સફળ રહ્યા છે. આ સાથે પુરવાથી અનિલ સિંહ, કાસગંજથી દેવેન્દ્ર લોધીને ફરીથી ટિકિટ મળી છે.
આ યાદીમાં સતીશ મહાનાનું નામ પણ સામેલ છે, જેમને મહારાજપુર બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. આ સિવાય યોગેશ વર્માને લખીમપુરથી ટિકિટ મળી છે. મેજર સુનિદ દ્વિવેદીને ફરુખાબાદ બેઠક પરથી ટિકિટ મળી છે. આ યાદીમાં મોટાભાગના વર્તમાન ધારાસભ્યોને ટિકિટ મળી છે. રામનરેશ અગ્નિહોત્રી અને અર્ચના પાંડે જેવા મંત્રીઓને પણ ફરી ટિકિટ મળી છે.
ભૂતપૂર્વ અમલદાર અને IPS અધિકારી અસીમ અરુણ પણ તાજેતરમાં જ ભાજપમાં જોડાયા હતા. યુપી સરકારની પ્રશંસા કરતા અરુણે દાવો કર્યો હતો કે છેલ્લા પાંચ વર્ષનો કાર્યકાળ કાયદો અને વ્યવસ્થા માટે ખૂબ જ સારો હતો અને પોલીસકર્મીઓ અને અધિકારીઓને કામ કરવાની આટલી સુખદ તક ક્યારેય મળી નથી. ઉત્તર પ્રદેશ કેડરના 1994 બેચના IPS અધિકારી અસીમ અરુણે કાનપુરના પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતા તાજેતરમાં VRS લીધું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube