કર્ણાટકમાં બનશે ભાજપની સરકાર, સવારે 9 કલાકે શપથ ગ્રહણ, 15 દિવસમાં સાબિત કરવો પડશે બહુમત
ભાજપને 104, કોંગ્રેસને 78 અને જેડીએસને 38 સીટો મળી છે. સૌથી મોટી પાર્ટી હોવાને નાતે ભાજપ નેતા યેદિયુરપ્પાએ રાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો.
બેંગલુરૂઃ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ ઉભા થયેલા રાજકીય સંકટ પર રાજ્યપાલ વજુભાઈ વાળાએ નિર્ણય કરી લીધો છે. ભાજપના નેતા મુરલીધર વાવે મીડિયાને જણાવ્યું કે, રાજભવનથી બીએસ યેદિયુરપ્પાને સરકાર બનાવવા માટેનો પત્ર મળી ગયો છે. તેમણે જણાવ્યું કે, ગુરૂવારે સવારે 9 કલાકે યેદિયુરપ્પા મુખ્યપ્રધાન પદ્દના શપથ લેશે. રાજ્યપાલે યેદિયુરપ્પાને વિધાનસભામાં બહુમત સાબિત કરવા માટે 15 દિવસનો સમય આપ્યો છે. મુરલીધર રાવે કહ્યું કે, ભાજપે હંમેશા લોકતંત્રનું પાલન કર્યું છે અને અમે બહુમત સાબિત કરીશું.
સમાચાર છે કે શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ સામેલ થશે નહીં. મુરલીધર રાવે મીડિયાને જણાવ્યું કે, ગુરૂવારે યોજાનારા શપથ ગ્રહણ સમારોહમાં માત્ર યેદિયુરપ્પા જ શપથ લેશે. અન્ય કોઈ મંત્રી શપથ ગ્રહણ કરશે નહીં. તેમણે કહ્યું કે, ગૃહમાં બહુમત સાબિત કર્યા બાદ યેદિયુરપ્પા સરકારના મંત્રીઓ શપથ લેશે.
બીજીતરફ કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં કર્ણાટકની નવી સરકારના શપથ ગ્રહણ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે. કોંગ્રેસની અરજી પર સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ નિર્ણય લેશે. તો બેંગલુરૂના ડીજીપીએ કહ્યું કે, પોલીસને તૈનાત કરી દેવામાં આવી છે. અમે તમામ પરિસ્થિતિ માટે તૈયાર છીએ.
ભાજપને શપથ લેવા માટે આમંત્રણ આપ્યા બાદ કોંગ્રેસ નેતા અશોક ગેહલોતે કહ્યું કે, રાજ્યપાલ પર ભાજપ અધ્યક્ષ અને વડાપ્રધાનનો દબાવ છે. રાજ્યપાલ દવાબમાં કામ કરી રહ્યાં છે. ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં મળેલા પરાજયનો બદલો લેવાની ભાવનાથી કામ કરી રહ્યાં છે અમિત શાહ. બહુમત અમારી સાથે છે.
તેવું માનવામાં આવી રહ્યું છે કે, કોંગ્રેસ હવે આ મામલામાં કાયદાના જાણકારોની સલાહ લઈને આગામી પગલું ભરવાની તૈયારીમાં છે. મહત્વનું છે કે, કર્ણાટક વિધાનસભામાં બહુમત માટે 112 સીટોની જરૂર છે. પરંતુ ભાજપને 104, કોંગ્રેસને 78 અને જેડીએસને 38 સીટો મળી છે. સૌથી મોટા દળ તરીકે યેદિયુરપ્પાએ રાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. કોંગ્રેસે જેડીએસને સમર્થન આપતા બહુમતનો દાવો કર્યો છે. કોંગ્રેસ જેડીએસના કુમારસ્વામીને સીએમ બનાવવા પર સહમત છે અને આજે કુમારસ્વામીએ જેડીએસ અને કોંગ્રેસના ધારાસભ્યોની સાથે રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી.
આજે બુધવારે કુમારસ્વામીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, તેમણે રાજ્યપાલ મહોદયને 117 ધારાસભ્યોના સમર્થનનો પત્ર સોંપ્યો છે અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. રાજ્યપાલે તેમને બંધારણ પ્રમાણે નિર્ણય લેવાનું આશ્વાસન આપ્યું છે. જ્યારે યેદિયુરપ્પાએ બુધવારે પરિણામ બાદ રાજ્યપાલની મુલાકાત કરી હતી અને સૌથી મોટી પાર્ટી હોવાને નાતે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. રાજ્યપાલે બંન્ને પક્ષોની મુલાકાત બાદ બંધારણની મર્યાદામાં રહીને નિર્મય લેવાની વાત કરી હતી.