Farmers Protest: જ્યારે જ્યારે મુઝફ્ફરનગરમાં BKUની થઈ મહાપંચાયત, ત્યારે ત્યારે બદલાઈ લખનઉમાં સત્તા
ખેડૂતે આંદોલને મુઝફ્ફરનગર મહાપંચાયત દ્વારા બીજેપી સામે મિશન યૂપીનું એલાન કરી દીધું છે. છેલ્લાં ત્રણ દાયકામાં મુઝફ્ફરનગરમાં મહાપંચાયત દ્વારા જ્યારે-જ્યારે ખેડૂતોએ જે પણ સરકાર સામે હુંકાર ભર્યો છે. તે રાજ્યની સત્તામાંથી તેને વિદાય લેવી પડી છે. એવામાં જોવાનું એ રહેશે કે ખેડૂત મહાપંચાયતની રાજકીય અસર 2022ની ચૂંટણીમાં શું પડે છે.
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલાં મુઝફ્ફરનગરમાં મહાપંચાયત કરી ખેડૂતોએ બીજેપીને પોતાની તાકાતનો પરિચય આપી દીધો છે. ખેડૂત આંદોલને હવે ખૂલીને રાજકીય સ્વરૂપ ધારણ કરી લીધું છે. અને બીજેપી સામે મિશન યૂપીનું એલાન કરી દીધું છે. છેલ્લાં ત્રણ દાયકામાં મુઝફ્ફરનગરમાં મહાપંચાયત દ્વારા જ્યારે-જ્યારે ખેડૂતોએ જે પણ સરકાર સામે હુંકાર ભર્યો છે. તે રાજ્યની સત્તામાંથી તેને વિદાય લેવી પડી છે. એવામાં જોવાનું એ રહેશે કે ખેડૂત મહાપંચાયતની રાજકીય અસર 2022ની ચૂંટણીમાં શું પડે છે.
ખેડૂતોની મહાપંચાયતની રાજનીતિમાં મોટી અસર
વર્ષ 1998થી લઈને 2013 સુધી મુઝફ્ફરનગરમાં થયેલી મહાપંચાયતોએ ઉત્તર પ્રદેશના રાજકારણમાં મોટી અસર છોડી છે. ભારતીય કિસાન યૂનિયનનો પાયો મુઝફ્ફરનગરમાં રહેલો છે. જેણે આખા પશ્વિમી યૂપીમાં પોતાનો પ્રભાવ જમાવ્યો. એવામાં ભારતીય કિસાન યૂનિયન જે સરકારની સામે એકજૂટ થયેલા છે. તે સરકાર સત્તામાંથી બહાર થાય છે. એવામાં પંચાયતોનું કારણ ભલે અલગ-અલગ હોય પરંતુ ઈતિહાસ સત્તા પરિવર્તનનો રહ્યો છે.
કોંગ્રેસે માઠા પરિણામ ભોગવવા પડ્યા
વિજળી, સિંચાઈના ભાવ ઘટાડવા અને પાકના યોગ્ય ભાવ સહિત 35 સૂત્રીય માગને લઈને મહેન્દ્ર સિંહ ટિકૈતની આગેવાનીમાં 11 ઓગસ્ટ 1987ને મુજફ્ફરનગરના સિસૌલીમાં એક મહાપંચાયત કરવામાં આવી. તેના પછી 27 જાન્યુઆરી 1988માં મેરઠ કમિશનરનો ઘેરાવ કરવામાં આવ્યો. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા. અહીંયાથી વાત ન બની તો દિલ્લીની વોટ ક્લબમાં આવીને ધરણાં કરવામાં આવ્યા હતા. જેનું પરિણામ કોંગેસને 1989માં યૂપી વિધાનસભાની ચૂંટણી અને 1990ની લોકસભાની ચૂંટણીમાં ભોગવવું પડ્યું. યૂપી અને કેન્દ્ર બંને જગ્યાએ કોંગ્રેસને ખેડૂતોની નારાજગીના કારણે સત્તા ગુમાવવાનો વારો આવ્યો.
માયાવતીને સત્તામાંથી દૂર થવું પડ્યું
ચાર ફેબ્રુઆરી 2003માં જીઆઈસી મેદાનમાં મહેન્દ્ર સિંહ ટિકૈતની આગેવાનીમાં ભારતીય કિયાન યૂનિયનની માયાતતી સરકાર સામે મહાપંચાયત થઈ હતી. તત્કાલીન ભારતીય કિસાન યૂનિયનના અધ્યક્ષ ચૌધરી મહેન્દ્ર સિંહ ટિકૈતે ખેડૂતોના હિતો સાથે જોડાયેલા મુદ્દાને લઈને મુઝફ્ફરનગરની કલેક્ટ્રેટમાં ધરણાં કર્યા હતા. જેમના પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. એવામાં લાઠીચાર્જના વિરોધમાં 2003માં જીઆઈસી મેદાનમાં મહાપંચાયત બોલાવવામાં આવી. જેમાં લાખો ખેડૂતો ભેગા થયા હતા. એક વર્ષ પછી માયાવતીને સત્તા પરથી દૂર થવું પડ્યું. બસપા ધારાસભ્યોએ બળવો કરીને સમાજવાદી પાર્ટીનો સાથ પસંદ કર્યો અને મુલાયમ સિંહ યાદવે આરએલડીના સમર્થનથી સરકાર બનાવી લીધી હતી.
બસપા સામે ટિકૈતની પંચાયત
વર્ષ 2008માં માયાવતી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હતા. ખેડૂતો સાથે જોડાયેલા મુદ્દાને લઈને બિઝનૌરની એક સભામાં ભારતીય કિસાન યૂનિયનના પ્રમુખ રહેલા મહેન્દ્ર સિંહ ટિકૈતે માયાવતી સામે જાતિસૂચક શબ્દો બોલી દીધા હતા. આ વાતના સમાચાર મળતાં માયાવતીએ ટિકૈતની ધરપકડના આદેશ આપ્યા હતા. મહેન્દ્ર સિંહ ટિકૈતના સિસૌસી ઘર તરફ જનારા તમામ રસ્તાને તેમના સમર્થકોએ જામ કરી દીધા. જેના પછી પોલીસે ટિકૈતની ધરપકડ માટે એડી ચોટીનું જોર લગાવવું પડ્યું. ત્રણ દિવસ સુધી ટિકૈત સમર્થકો અને પોલીસના જવાનોની વચ્ચે ઘર્ષણ થયું. એવામાં કેટલાંક રાજકીય અને પ્રશાસનિક અધિકારીઓના હસ્તક્ષેપ પછી નક્કી થયું કે મહેન્દ્ર સિંહ ટિકૈત સરેન્ડર કરશે.
ચૌધરી મહેન્દ્ર સિંહ ટિકૈતના નિવેદન પછી થયેલી ધરપકડને લઈને 8 એપ્રિલ 2008ના રોજ જીઆઈસી મેદાનમાં બસપા સરકાર સામે મોટી પંચાયત થઈ હતી. આ પંચાયતનું આયોજન ભારતીય કિસાન યૂનિયને કર્યું હતું. જેમાં હજારો ખેડૂતોની વચ્ચે મહેન્દ્ર સિંહ ટિકૈતે બસપા અને માયાવતી સરકારને બેદખલ કરવાની જાહેરાત કરી હતી. 2012માં ચૂંટણી થઈ અને બસપા સત્તામાંથી બહાર થઈ ગઈ. અખિલેશ યાદવના નેતૃત્વમાં સમાજવાદી પાર્ટીની સરકાર બની.
2013માં કવાલ કાંડ પછી પંચાયત
મુઝફ્ફરનગર જિલ્લાના કવાલ કાંડ પછી ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકૈતે સાત સપ્ટેમ્બર 2013માં નંગલા મંદૌડમાં પંચાયત બોલાવી. જોકે આ મહાપંચાયત ખેડૂતોના મુ્દ્દા પર નહીં પરંતુ જાટ સમુદાય માટે બોલાવવામાં આવી હતી. પંચાયતમાં તમામ બીજેપી અને જાટ સમુદાયના નેતા જોડાયા હતા. જેના પછી જિલ્લામાં થયેલ સાંપ્રદાયિક હિંસાએ ભારતીય કિસાન યૂનિયનને વ્યથિત કરી દીધું. પરંતુ જાટ અને મુસ્લિમોની વચ્ચે ઉંડી ખાઈ થઈ ગઈ. પશ્વમ યૂપીમાં જાટ સમુદાયના જનઆક્રોશના કારણે 2017માં સમાજવાદી પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો અને 2017માં સત્તા પરિવર્તન પછી ભાજપા સરકારમાં આવી ગઈ.
મહાપંચાયત 2022માં શું પરિવર્તન કરશે
કૃષિ કાયદા સામે ઉભા થયેલા ખેડૂત આંદોલનના 9 મહિના પછી મુઝફ્ફરનગરમાં લાખોની ભીડ એકઠી કરીને ખેડૂતોએ પોતાની તાકાતનો પરિચય આપી દીધો છે. ખેડૂત નેતાઓએ યૂપીમાં 2022ની ચૂંટણી પહેલાં મહાપંચાયત કરી. જેમાં મોટી સંખ્યામાં ખેડૂત એકજૂટ થયા અને રાજ્યમાંથી યોગી અને કેન્દ્રમાંથી મોદી સરકારને ઉખાડવાની જાહેરાત કરી. ખેડૂતોની મોટી સંખ્યામાં ઉમટેલી ભીડ જોઈને રાકેશ ટિકૈતે પંચાયતમાં જાહેરાત પણ કરી દીધી - જે સરકાર અમારી સામે કામ કરશે, અમે તેની સામે કામ કરીશું. તેમણે એમ પણ કહ્યું કે આ સરકાર માટે માત્ર વોર્નિંગ સિગ્નલ છે કે રસ્તા પર આવી જાઓ નહીં તો ખેડૂત ચૂંટણીમાં બીજેપીને હટાવવાનું કામ કરશે. ખેડૂતોની મોટી એકતાની તસવીરો સરકારની ચિંતા વધારી શકે છે. કેમ કે આગામી 6 મહિનાની અંદર ઉત્તર પ્રદેશમાં ચૂંટણી છે અને પશ્વિમી યૂપી જ ખેડૂત આંદોલનનો મુખ્ય ગઢ છે. એવામાં હવે જોવાનું એ રહેશે કે ભારતીય કિસાન યૂનિયન 2022માં રાજકીય અસર ઉત્તર પ્રદેશમાં શું અસર કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube