શ્રીનગર : જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગર-જમ્મુ હાઇવે પર બનિહાલમાં દેશની સૌથી લાંબી ટનલ જવાહર ટનલ પાસે શનિવારે એક કારમાં જોરદાર ધડાકો થયો હતો. ખાસ વાત તો એ છે કે આ ધડાકા પહેલાં કારની ત્યાંથી પસાર થઈ રહેલા સીઆરપીએફના કાફલા સાથે ટક્કર થઈ હતી. આ ટક્કર પછી કારમાં મોટો ધડાકો થયો હતો. આ ધડાકા પછી ડ્રાઇવર ફરાર છે. પોલીસને શંકા છે કે કદાચ કાર મારફતે સીઆરપીએફના કાફલાને ટાર્ગેટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રારંભિક તપાસ પછી પોલીસે નિવેદન આપ્યું છે કે કારમાં સિલિન્ડર બ્લાસ્ટ થયો છે. દેશની સૌથી લાંબી ટનલ પાસે બ્લાસ્ટની જાણકારી મળતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી દીધી હતી. બનિહાલ પોલીસનો દાવો છે કે શરૂઆતની તપાસમાં માહિતી મળી છે કે કારમાં રાખેલા સિલિન્ડરના કારણે આ દુર્ઘટના બની છે. અધિકારીઓનો દાવો છે કે કારમાં રાખેલા સિલિન્ડરને કારણે એમાં બ્લાસ્ટ થયો અને આખી ગાડીનો નાશ થઈ ગયો હતો. 


પોલીસ અધિકારીએ વિશેષ માહિતી આપતા જણાવ્યું કે આ ધડાકાના કારણે CRPF વાહનને આંશિક નુકસાન પહોંચ્યું છે. આ મામલે જાણકારી આપતા જમ્મુના આઇજીએ કહ્યું છે કે કાર દ્વારા સીઆરપીએફની ગાડીને પાછળથી ટક્કર મારવામાં આવી હતી. આ બ્લાસ્ટમાં સીઆરપીએફના જવાનને કે પછી કોઈ નાગરિકને ઇજા નથી પહોંચી. હાલમાં સુરક્ષાદળોએ વિસ્તારને કોર્ડન કરીને તપાસ શરૂ કરી દીધી છે. આઇજી દ્વારા આપવામાં માહિતી પ્રમાણે કારનો ડ્રાઇવર બ્લાસ્ટ પછી ફરાર છે અને એને શોધવાના પ્રયાસ ચાલી રહ્યા છે. 


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...