ઓળખ છૂપાવીને કોઈ મહિલા સાથે લગ્ન કરવા કે વિવાહ, પદોન્નતિ અને રોજગારના ખોટા વચનની આડમાં શારીરિક સંબધ બનાવવા પર હવે 10 વર્ષ સુધીની સજા થઈ શકે છે. શુક્રવારે લોકસભામાં એક બિલ રજૂ કરવામાં આવ્યું જેમાં આવા ગુનાઓને પહોંચી વળવા માટે પહેલીવાર વિશિષ્ટ જોગવાઈનો પ્રસ્તાવ રજૂ કરાયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 1860ની  ભારતીય દંડ સહિતા (આઈપીસી) ને બદલવા માટે લોકસભામાં ભારતીય ન્યાય સંહિતા (BNS) વિધેયક રજૂ કર્યું અને કહ્યું કે તેમાં મહિલાઓ વિરુદ્દ ગુનાઓ સંબંધિત જોગવાઈઓ પર વિશેષ ધ્યાન અપાયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમિત શાહે  કહ્યું કે આ  બિલમાં મહિલાઓ વિરુદ્ધ ગુના અને તેમની સામે આવતી અનેક સામાજિક સમસ્યાઓનું સમાધાન કરવામાં આવ્યું છે. લગ્ન, રોજગાર, પદોન્નતિનું વચન અને ખોટી ઓળખની આડમાં  મહિલાઓ સાથે સંબંધ બનાવવા એ પહેલીવાર અપરાધની શ્રેણીમાં આવશે. લગ્નનો ખોટો વાયદો કરીને બળાત્કાર કરવાનો દાવો કરનારી મહિલાઓના કેસને કોર્ટમાં પતાવટ કરાય છે પરંતુ આઈપીસીમાં તેના માટે કોઈ વિશેષ જોગવાઈ નથી. આ બિલની હવે એક સ્થાયી સમિતિ દ્વારા તપાસ કરવામાં આવશે. 


લગ્નનું ખોટું વચન આપીને મહિલા સાથે શારીરિક સંબંધ બાંધવો ભારે પડશે
બિલમાં કહેવાયું છે કે જો કોઈ વ્યક્તિ છળ કે ખોટા વચન આપીને શારીરિક સંબધ બનાવે તો તેને રેપની શ્રેણીમાં રાખવામાં આવતો નથી. પરંતુ હવે આવું કરવા બદલ દંડની જોગવાઈ રહેશે. તેને વધુમાં વધુ 10 વર્ષની સજા  કરવામાં આવશે. તેમાં કહેવાયું છે કે 'કોઈ વ્યક્તિ જો છળના ઈરાદે ખોટું વચન આપીને મહિલા સાથે શારીરિક સંબંધ બનાવે તો તેને સજા કરવામાં આવશે. તે વધારીને 10 વર્ષ સુધી કરી શકાય. આ ઉપરાંત દંડની પણ જોગવાઈ છે.' તેમાં છળનો અર્થ રોજગાર, પ્રમોશન કે લાલચ આપીને કે પછી ઓળખ છૂપાવીને લગ્ન કરવાથી છે. 


અત્યાર સુધી આઈપીસીમાં આ પ્રકારના અપરાધોને પહોંચી વળવા માટે કોઈ જોગવાઈ હતી નહીં. આઈપીસીની કલમ 90માં એટલું જરૂર કહેવાયું હતું કે જો કોઈ વ્યક્તિ જાણકારી છૂપાવીને શારીરિક સંબધ બનાવે તો તેને સહમતિથી બનાવેલો સંબંધ કહી શકાય નહીં. જો કે નવા પ્રસ્તાવિત કાયદામાં તેને સ્પષ્ટ રીતે અપરાધ ગણાવતા દંડની પણ જોગવાઈ છે. તેમાં છળનો અર્થ ધાર્મિક ઓળખ છૂપાવીને લગ્ન કરવા કે પછી શારીરિક સંબંધ બનાવવો પણ છે. 


ગૃહમંત્રી અમિત શાહે અંગ્રેજોના જમાનાના આવા કાયદાને રિપ્લેસ કરવા માટે ત્રણ બિલ લોકસભામાં રજૂ કર્યા. જેમાં ભારતીય ન્યાય સંહિતા બિલ 2023, ભારતીય નાગરિક સુરક્ષા બિલ 2023, અને ભારતીય સાક્ષ્ય બિલ 2023 સામેલ છે. આ ત્રણેય પ્રસ્તાવિત કાયદા આઈપીસી 1860, ક્રિમિનલ પ્રોસિજર એક્ટ 1898 અને ભારતીય સાક્ષ્ય (પુરાવા) અધિનિયમ 1872ની જગ્યા લેશે. 


કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બિલને રજૂ કરતા કહ્યું કે એવા લોકો હતા કે જેમણે શારીરિક સંબંધ બનાવવા માટે ખોટી ઓળખ આપી હતી. હવે નરેન્દ્ર મોદી સરકાર તેને અપરાધની શ્રેણીમાં લાવી રહી છે. એવા અનેક મામલાઓ સામે આવ્યા છે કે જ્યાં મહિલાઓ લગ્નના વચન પર શારીરિક સંબંધ બનાવવાની સહમતિ આપે છે કે પછી તે જેની સાથે સંબંધમાં છે તે પોતાની વૈવાહિક સ્થિતિ, ઓળખ છૂપાવીને દગો કરે છે. એવા પણ કેસ સામે આવે છે જ્યારે વ્યક્તિ પોતાની ધાર્મિક ઓળખ વિશે ખોટું બોલે છે. હવે આ તમામ બાબતો અપરાધની શ્રેણીમાં આવશે અને  કડક સજાની જોગવાઈ રહેશે. 


ગેંગરેપ અને સગીરા સાથે બળાત્કાર માટે પણ કડક સજા
પ્રસ્તાવિક વિધેયકમાં તાક ઝાંકના અપરાધ માટે પણ ત્રણ વર્ષથી સાત વર્ષની સજાની જોગવાઈ કરાઈ છે. ગૃહમંત્રીએ કહ્યું કે તરત ન્યાય આપવા માટે તથા લોકોની સમકાલીન જરૂરિયાતો અને આકાંક્ષાને ધ્યાનમાં રાખતા એક કાયદો પ્રણાલી  બનાવવા માટે આ ફેરફાર રજૂ કરાયા છે. તેમણે કહ્યું કે સામૂહિક બળાત્કારના તમામ કેસમાં 20 વર્ષથી લઈને આજીવન કેદ સુધીની સજા હશે. 18 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓ સાથે  બળાત્કારના કેસમાં મૃત્યુદંડ સુધીની સજા  નિર્ધારિત કરાઈ છે. બિલમાં કહેવાયું છે કે હત્યાના અપરાધ માટે મોતની સજા કે આજીવન કેદની સજા રહેશે. 


બિલ મુજબ જો કોઈ મહિલાનું બળાત્કાર બાદ મૃત્યુ થઈ જાય અથવા તો તેના કારણે મહિલા મરણની સ્થિતિમાં પહોંચી જાય તો દોષિતને કઠોર કારાવાસની સજા આપવામાં આવશે જેનો સમયગાળો 20 વર્ષથી ઓછો નહીં હોય અને તેને આજીવન કેદ સુધી વધારી શકાશે. બિલ મુજબ 12 વર્ષથી ઓછી ઉંમરની છોકરી સાથે  દુષ્કર્મના આરોપીને કઠોર કારાવાસની સજા અપાશે જેનો સમયગાળો 20 વર્ષથી ઓછો નહીં હોય અને તેને વ્યક્તિના બાકી જીવન સુધી કેદની સજા સુધી વધારી શકાશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube