દિલ્હી: બુરાડીના સંતનગરમાં આજે રવિવારે હાહાકાર મચી ગયો છે. રવિવારે સવારે એક જ ઘરમાંથી શંકાસ્પદ હાલતમાં 11 લાશ મળી આવતા હડકંપ મચ્યો છે. કેટલાક મૃતદેહો રસ્સીથી લટકાયેલી હાલતમાં મળી આવ્યાં છે. મૃતકોમાં સાત મહિલાઓ અને ચાર પુરુષ સામેલ છે. તેમના મોત કેવી રીતે થયા તે અંગે હજુ સ્પષ્ટ જાણકારી મળી નથી. પરંતુ પોલીસ હાલ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ મામલે તપાસ ચાલી રહી છે. કહેવાય છે કે કેટલાક લોકોના હાથપગ બાંધેલી હાલતમાં છે. કેટલાક લોકોની આંખો ઉપર પટ્ટી પણ બાંધેલી છે.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ આ મામલો સંત નગરના ગુરુ ગોવિંદ સિંહ હોસ્પિટલ સામે ગલી નંબર 2નો છે. મૃતકોમાંથી કોઈના હાથ બાંધેલા છે, કોઈના પગ બાંધેલી હાલતમાં તો કોઈના મોઢા પર પટ્ટી બાંધેલી છે. ઘટના સ્થળે પહોંચેલી પોલીસ એ તપાસ કરવામાં લાગી છે કે આ મામલો સામૂહિક આત્મહત્યાનો છે કે પછી સામૂહિક હત્યાનો. આ રીતે એક સાથે 11 મૃતદેહો મળી આવતા લોકો સ્તબ્ધ થઈ ગયા છે. પોલીસ હાલ કઈ પણ બતાવવાની સ્થિતિમાં નથી. પોલીસનું કહેવું છે કે તમામ એંગલથી આ મામલાની તપાસ થઈ રહી છે. જેથી કરીને મોતના કારણો સામે આવી શકે.



જો કે પોલીસ હાલ પ્રાથમિક તપાસમાં તો આ મામલાને આત્મહત્યા માની રહી છે. પરંતુ જો આ આત્મહત્યા હોય તો આટલી મોટી સંખ્યામાં લોકોની આત્મહત્યા પાછળ કારણ શું હોઈ શકે? આમ છતાં કોઈ પણ પ્રકારની પુષ્ટિ થઈ નથી. પોલીસ એ એંગલથી પણ તપાસ કરશે કે કોઈ અંગત અદાવતના કારણે સામૂહિક હત્યાકાંડનો તો મામલો નથી ને.


બુરાડીના જે મકાનની બહારથી આટલી મોટી સંખ્યામાં મૃતદેહો મળી આવ્યાં છે ત્યાં ભારે ભીડ ભેગી થઈ ગઈ છે. સવાર સવારમાં ઉઠતાની સાથે જ આવા સમાચાર ફેલાતા વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. મળતી માહિતી મુજબ મૃતકોમાં બે ભાઈઓના પરિવારના લોકો સામેલ છે. જેમાં 7 મહિલા અને 4 પુરુષ છે. તેમાંથી એકનો પ્લાયવૂડનો કારોબાર છે અને બીજાને પરચૂરણની દુકાન હતી.