ઝી બ્યૂરો, અમદાવાદઃ દર વર્ષો લાખો શ્રદ્ધાળુઓ કેદારનાથના દર્શને જતા હોય છે. ત્યારે ભારે વરસાદ અને હિમવર્ષા જેવી અનેક કુદરતી આપદાઓ પણ આવા સમયે આવતી હોય છે. આ વખતે પણ દેશના અન્ય રાજ્યોની જેમ ગુજરાતથી પણ ઢગલાબંધ લોકો પોતાના પરિવાર સાથે કેદારનાથના દર્શને પહોંચ્યાં. જ્યાં લેન્ડ સ્લાઈડિંગને કારણે અનેક ગુજરાતીઓ પર જીવનું જોખમ ઉભું થયું હતું. આ તમામ લોકોની તાત્કાલિક ચિંતા કરીને સરકાર તાત્કાલિક બચાવ કામગીરી કરાવી. રેસ્ક્યુ ટીમે સમય સુચકતા રાખીને તમામનું સફળ રેસ્ક્યુ કર્યું. આ દિલધડક રેસ્ક્યુ બાદ હવે લેન્ડ સ્લાઈડિંગમાં ફસાયેલાં તમામ ગુજરાતી યાત્રાળુઓનો સફળ બચાવ થઈ ગયો છે. ગુજરાતના 17 શ્રધ્ધાળુઓ-યાત્રિકો આ લેન્ડ સ્લાઈડિંગમાં ફસાયા હતાં.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સત્તાવાર રીતે મળેલી માહિતી મુજબ કેદારનાથમાં વરસાદ અને લેન્ડ સ્લાઈડિંગમાં ફસાયેલા ગુજરાતના 17 યાત્રિકોનું ગણતરીના કલાકોમાં જ રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે. એટલું જ નહીં લેન્ડ સ્લાઈડિંગમાં ફસાયેલાં તમામ યાત્રિઓ સહિ સલામત નીચે આવી ગયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર મારફતે ઉત્તરાખંડ એસ.ઈ.ઓ.સી. નો સંપર્ક સાધી તાત્કાલીક બચાવ વ્યવસ્થા કરાવી.


કેદારનાથ ધામની યાત્રાએ ગયેલા અરવલ્લી જિલ્લાના 17 જેટલા ગુજરાતી યાત્રિકો ઉત્તરાખંડમાં મોટી લિન્ચોલી નજીક વરસાદ અને લેન્ડ સ્લાઈડિંગને કારણે ફસાઈ ગયા હતાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ ફસાયેલા યાત્રિકો અંગેની જાણ થતાં જ તેમણે રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરને આ યાત્રિકોને સહિ સલામત સુરક્ષિત સ્થળે પહોંચાડવાની કાર્યવાહીનું તાત્કાલિક સંકલન કરવા સૂચનાઓ આપી હતી. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર પરથી રાહત કમિશ્નર આલોક પાંડેએ ઉત્તરાખંડ સરકારના એસ.ઈ.ઓ.સી. નો સંપર્ક સાધીને આ ફસાયેલા ગુજરાતી યાત્રાળુઓની વિગતો અને સંપર્ક નંબર વગેરે પહોંચાડ્યા હતાં.


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ સમગ્ર ઘટનામાં રાહત કમિશ્નર અને એસ.ઈ.ઓ.સી. ને સતત જરૂરી માર્ગદર્શન આપતા રહ્યા હતાં. ઉત્તરાખંડ સરકારના એસ.ઈ.ઓ.સી. દ્વારા આ ફસાયેલા યાત્રાળુઓના રેસ્ક્યુ અંગે રુદ્રપ્રયાગ જિલ્લા કંટ્રોલ રૂમ સાથે પરામર્શમાં રહીને તત્કાલ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વાતાવરણ ક્લિયર થતાં જ ગુજરાતના આ બધા જ યાત્રિકોને હેલિકોપ્ટર દ્વારા એર લિફ્ટ કરીને ગણતરીના કલાકોમાં જ સહિ સલામત નીચે સુરક્ષિત સ્થળે પહોંચાડી દેવામાં આવ્યા છે. અરવલ્લીનાં આ યાત્રિકોના ગ્રુપના એક અગ્રણી મનોજભાઈ પોતે સહુ યાત્રિકોને ટુંકા સમયમાં સહિ સલામત નીચે પહોંચાડી દેવા માટેની તત્કાલ વ્યવસ્થાઓ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગુજરાત અને ઉત્તરાખંડના એસ.ઈ. ઓ.સી.ના અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.