નવી દિલ્હી : આતંકવાદને પ્રોત્સાહન આપનાર પાકિસ્તાન છેવટે ઝૂક્યું છે. બ્લેક લિસ્ટ થવાના ડરથી પાકિસ્તાને આ પગલું ભર્યું છે. ફાઇનૈંશલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) તરફથી હાથ ધરાયેલી બ્લેક લિસ્ટ કરવાની કાર્યવાહીને પગલે પાકિસ્તાને 15 મહિનામાં 26 મુદ્દાનો એક્શન પ્લાન તૈયાર કરવાની ખાતરી આપી છે. જે અંતર્ગત આઇએસઆઇએસ સહિતના આતંકી સંગઠનોને મળનાર આર્થિક ફંડિંગ બંધ કરવા સહિતના મુદ્દાઓનો સમાવેશ છે. આતંકી સંગઠનોને મદદ કરવાને લઇને આંતરરાષ્ટ્રીય સંગઠનો દ્વારા પાકિસ્તાન પર સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મની લોન્ડ્રિંગ અને આતંકીઓને મળતું ફંડિંગ રોકવા માટે કામ કરી રહેલા આંતરરાષ્ટ્રીય સંગઠન FATFની પેરિસમાં બેઠક ચાલી રહી છે. પાકિસ્તાનના એક્સપ્રેસ ટ્રિબ્યૂનને નાણા મંત્રાલયના સુત્રોએ જણાવ્યું કે, મંગળવારે આ એકશન પ્લાન પર ચર્ચા પણ થઇ હતી. જો એફએટીએફ પાકિસ્તાનના 26 મુદ્દાઓથી સંતુષ્ટ થાય છે તો પાકિસ્તાન હકારાત્મક યાદીમાં આવશે નહીં તો બ્લેક લિસ્ટમાં આવી જશે. આ અંગે શુક્રવારે નિર્ણય લેવાશે. 


એશિયા પેસિફિક ગ્રુપના ઇન્ટરનેશનલ કોર્પોરેશન રિવ્યૂ ગ્રુપ (ICRG)ના એફએટીએફને પ્લાન આપવામાં આવ્યો છે એ અનુસાર પાકિસ્તાનને આઇએસઆઇએસ, અલ કાયદા, જમાત ઉદ દાવા અને એના સહયોગી સંગઠનો, નેટવર્કને મળતા ફંડિંગ રોકવા માટે એજન્સીઓને સહયોગ આપવાનો રહેશે. 


અહીં નોંધનિય છે કે, પાકિસ્તાનને અપાયેલ લક્ષ્ય આગામી જાન્યુઆરી સુધી પુરૂ કરવાનું છે અને તમામ 26 એક્શન સપ્ટેમ્બર 2019 સુધી પુરા કરવા છે. એફએટીએફ પેરિસ સ્થિત આંતરરાષ્ટ્રીય સરકારી સંસ્થા છે. એનું કામ ગેરકાનૂની કામોમાં મળનાર આર્થિક મદદ રોકવાનું છે. એફએટીએફની રચના 1989માં કરાઇ હતી.