આજે 6:30 વાગે શું થવાનું છે? PM મોદીએ અચાનક કેમ બોલાવી કેબિનેટ બેઠક? અનેક અટકળો
ભારત સરકાર કરી રહી છે કોઈ મોટું પગલું ભરવાની તૈયારી. જેેને પગલે વિપક્ષમાં વ્યાપી ગયો છે ફફડાટ. આજે પ્રધાનમંત્રી મોદીએ કેમ બોલાવી છે અચાનક કેબિનેટની બેઠક, એ મુદ્દો પણ બન્યો છે ચર્ચાનું કેન્દ્ર...
નવી દિલ્લીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સાંજે 6.30 કલાકે કેન્દ્રીય કેબિનેટની બેઠક બોલાવી છે. સંસદના વિશેષ સત્ર દરમિયાન આ બેઠક બોલાવવાને કારણે સસ્પેન્સ વધી ગયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠક સંસદ ભવનનાં એનેક્સી બિલ્ડિંગમાં યોજાશે. એવું કહેવાય છે કે આ બેઠકમાં 'ભારત' અને 'INDIA' નામો અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. નવી સંસદમાં જતાં પહેલાં આ બેઠક બોલાવવામાં આવી છે. આવી સ્થિતિમાં, એવી અટકળો છે કે તેમાં જવાની પ્રક્રિયા અંગે કોઈ નિર્ણય લેવામાં આવશે કે નહીં. જોકે, નિષ્ણાતોનું કહેવું છે કે આવી કોઈ ખાસ પ્રક્રિયાની જરૂર નથી. જો કે હજુ સુધી કેન્દ્રીય કેબિનેટના એજન્ડા વિશે કંઈ જણાવવામાં આવ્યું નથી.
મંગળવારે સવારે બંને ગૃહોના સભ્યો ભેગા થશે-
મંગળવારે સવારે બંને ગૃહોના સભ્યો એકઠા થશે. રાજ્યસભાના મહાસચિવ પીસી મોદીએ ભારતીય સંસદના સમૃદ્ધ વારસાની ઉજવણી કરવા માટે સભ્યોને સાથે આવવા વિનંતી કરી છે. તેમણે કહ્યું કે 2047 સુધીમાં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાની પ્રતિજ્ઞા લેવા માટે તમામ સભ્યોએ 11 વાગે ભેગા થવું જોઈએ. દરેકને સંસદના સેન્ટ્રલ હોલમાં એકઠા થવા માટે કહેવામાં આવ્યું છે.
આજે સાંજે મળનારી બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ બિલોને મંજૂરી મળી શકે છે. સવારથી જ બેઠકોનો દોર ચાલી રહ્યો છે. સંસદમાં વડાપ્રધાનના ભાષણ પછી તરત જ આ બેઠક થઈ હતી. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સામેલ હતા. સંસદમાં પોતાના ભાષણ દરમિયાન વડાપ્રધાને સંકેત આપ્યા હતા કે સરકાર કંઈક મોટું કરવા જઈ રહી છે. તેમણે કહ્યું હતું કે સંસદનું આ સત્ર ઐતિહાસિક બનવાનું છે.
મહિલા અનામત બિલ પર ચર્ચા થઈ શકે છે-
અટકળોએ જોર પકડ્યું છે કે પીએમ મોદી કેબિનેટની બેઠકમાં મહિલા અનામત બિલ પર ચર્ચા કરી શકે છે. સ્પષ્ટપણે કશું કહ્યું નથી. પરંતુ, એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે સરકાર વિશેષ સત્ર દરમિયાન કેટલાક આશ્ચર્યજનક નિર્ણયો લઈ શકે છે. આ જ કારણ છે કે કોંગ્રેસ સહિત તમામ વિરોધ પક્ષો પણ તૈયારીઓમાં વ્યસ્ત છે. તેઓ પહેલેથી જ તેમની આશંકા વ્યક્ત કરી ચૂક્યા છે કે સરકાર ચોક્કસપણે કોઈ મોટું પગલું ભરશે.