BUDGET 2019 : આઝાદી પછી ત્રણ વખત ખુદ વડાપ્રધાને બજેટ રજૂ કરવું પડ્યું હતું... જાણો શા માટે?
BUDGET 2019 : આ વખતે પ્રથમ ઘટના નથી જ્યારે નિયમિત નાણામંત્રી અરૂણ જેટલી બજેટ રજૂ કરી નથી શક્યા, આ અગાઉ આઝાદી પછી ત્રણ વખત એવું બન્યું હતું જ્યારે બીજું કોઈ નહીં પરંતુ ખુદ વડા પ્રધાનને બજેટ રજૂ કરવું પડ્યું હતું
નવી દિલ્હીઃ 2019નું બજેટ આજે રજૂ થવાનું છે. આ વખતે કેન્દ્ર સરકારમાં જે નાણામંત્રી છે તે અરૂણ જેટલી બીમાર હોવાને કારણે બજેટ રજૂ કરી શકવાના નથી. આથી, તેમના સ્થાને પીયુષ ગોયલ બજેટ રજૂ કરવાના છે. જોકે, આ પ્રથમ ઘટના નથી જ્યારે નાણામંત્રીએ બજેટ રજૂ કર્યું ન હોય. દેશના ઈતિહાસમાં આઝાદી પછી ત્રણ વખત એવી ઘટના ઘટી છે જ્યારે નાણામંત્રીના સ્થાને કોઈ અન્ય મંત્રીએ કે વચગાળાના નાણામંત્રીએ નહીં પરંતુ ખુદ વડા પ્રધાનને બજેટ રજૂ કરવું પડ્યું હતું. આવો જાણીએ આવી ત્રણ વિશેષ ઘટનાઓ અંગે.....
જવાહરલાલ નેહરુ
કારણઃ વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ વર્ષ 1958-59નું બજેટ રજૂ કર્યું હતું. એ સમયે તેમની પાસે નાણા મંત્રાલયનો પોર્ટફોલિયો હતો.
શું ખાસ હતું: આ બજેટમાં નેહરુએ ડાયરેક્ટ ટેક્સ અંતર્ગત પ્રથમ વખત ગિફ્ટ પર ટેક્સની જોગવાઈ રજૂ કરી હતી. જેને 'ગિફ્ટ ટેક્સ' કહેવાયો હતો. રૂ.10,000થી વધુની સંપત્તિના ટ્રાન્સફર પર ગિફ્ટ ટેક્સની જોગવાઈ કરાઈ હતી. તેમાં એક રાહત એવી અપાઈ હતી કે પત્નીને રૂ.1 લાખ સુધીની ગિફ્ટ આપવાની સ્થિતિમાં ટેક્સની જોગવાઈ ન હતી. ગિફ્ટ ટેક્સનો પ્રસ્તાવ રજૂ કરતા સમયે વડા પ્રધાન નેહરુએ જણાવ્યું હતું કે, "ગિફ્ટ દ્વારા પોતાના સંબંધીઓનાં પરિજનોને સંપત્તીની ટ્રાન્સફર માત્ર એસ્ટેટ ડ્યુટી ચોરી કરવાનો નહીં પરંતુ વેલ્થ ટેક્સ, ઈનકમ ટેક્સ અને એક્સપેન્ડિચર ટેક્સ બચાવવાનો પણ એક માર્ગ છે." એ સમયે અમેરિકા, કેનેડા, જાપાન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં આ પ્રકારના ટેક્સની જોગવાઈ હતી.
ઈન્દિરા ગાંધી
કારણઃ 1970-71માં મોરારજી દેસાઈના રાજીનામા બાદ તત્કાલિન વડા પ્રધાન ઈન્દિરા ગાંધીએ નાણામંત્રીનો પોર્ટફોલિયો સંભાળ્યો હતો અને 1970-71નું બજેટ રજૂ કર્યું હતું.
શું ખાસ હતું: ઈન્દિરા ગાંધીએ ઈનડાયરેક્ટ ટેક્સમાં એક મોટો નિર્ણય લીધો હતો, જેના અંતર્ગત સિગારેટ ડ્યુટી 3 ટકાથી વધારીને સીધી 22 ટકા કરવામાં આવી હતી. ઈન્દિરા ગાંધીએ બજેટ સ્પીચમાં જણાવ્યું કે, તેનાથી સરકારને રૂ.13.50 કરોડની વધારાની આવક થશે. નાણામંત્રી તરીકે ઈન્દિરા ગાંધીએ પ્લાન આઉટલે (કેન્દ્ર, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો) માટે રૂ.2,637 કરોડનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જે 1960-70થી લગભગ રૂ.400 કરોડથી વધુનો હતો.
ડાયરેક્ટ ટેક્સમાં ઈન્દિરા ગાંધીએ ગિફ્ટ ટેક્સ માટે સંપત્તીની વેલ્યુની મહત્તમ મર્યાદા રૂ.10,000થી ઘટાડીને રૂ.5,000 કરી દેવાઈ હતી. એટલે કે, રૂ.5,000થી વધુ સંપત્તીને ગિફ્ટ કરતાં તેને ટેક્સના દાયરામાં લાવવામાં આવી હતી. ઈન્દિરા ગાંધીએ ડાયરેક્ટ ટેક્સમાં આવકવેરા છૂટની મર્યાદા રૂ.40,000 કરાઈ હતી.
રાજીવ ગાંધી
કારણઃ રાજીવ ગાંધીની સરકારમાં તત્કાલિન નાણા મંત્રી વી.પી. સિંહના સરકારમાંથી નિકળી જેવાને કારણે રાજીવ ગાંધીએ નાણા મંત્રાલયનો પોર્ટફોલિયો સંભાળ્યો હતો અને તેમણે 1987-88નું બજેટ રજૂ કર્યું હતું.
શું ખાસ હતું: રાજીવ ગાંધીએ આ બજેટ દ્વારા દેશમાં પ્રથમ વખત મિનિમમ કોર્પોરેટ ટેક્સનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેને અત્યારે પણ 'મેટ'ના સ્વરૂપમાં ઓળખવામાં આવે છે. આ મિનિમમ કોર્પોરેટ ટેક્સ અંતર્ગત કંપની તરફથી જાહેર કરવામાં આવેલા નફાના 30 ટકા ટેક્સ આપવાની જોગવાઈ કરાઈ હતી. રાજીવ ગાંધીએ આ જોગવાઈથી રૂ.75 કરોડની વધારાની મહેસુલી આવક થવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો.
રાજીવ ગાંધીએ વિદેશી યાત્રા માટે ભારતમાં કરવામાં આવતા ફોરેન એક્સચેન્જ પર 15ટકાના દરે ટેક્સ લગાવવાની જોગવાઈ કરી હતી. રાજીવ ગાંધીએ નાણામંત્રી તરીકે સંરક્ષણ ક્ષેત્ર માટે 1987-88માં રૂ.12,512 કરોડની જોગવાઈ કરી હતી.