VIDEO બુરાડી કેસ: CCTV ફૂટેજથી થયો મોટો ખુલાસો, મોત પહેલા મહિલાઓ કઈંક લાવતી જોવા મળી
બુરાડીમાં એક જ પરિવારના 11 સભ્યોના રહસ્યમય રીતે મળી આવેલા મૃતદેહો મામલે તાજા પુરાવા હાથ લાગ્યાં છે.
નવી દિલ્હી: બુરાડીમાં એક જ પરિવારના 11 સભ્યોના રહસ્યમય રીતે મળી આવેલા મૃતદેહો મામલે તાજા પુરાવા હાથ લાગ્યાં છે. પોલીસના જણાવ્યાં મુજબ સીસીટીવી ફૂટેજમાં પરિવારના કેટલાક સભ્યો ગળે ફાંસો ખાવામાં ઉપયોગમાં લેવાયેલા સ્ટુલ અને તારોને લઈને આવતા જોઈ શકાય છે. પોલીસે 11 ડાયરીઓ જપ્ત કરી જેમાં છેલ્લા 11 વર્ષોની તમામ વાતો નોંધાયેલી છે. પોલીસે જણાવ્યું કે ડાયરીઓમાં લખવામાં આવેલી વાતો કથિત આત્મહત્યા સાથે મેળ ખાય છે. આ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચને જે ડાયરીઓ હાથ લાગી છે તે લલિતની છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરાયો છે કે તેમાં 30 જૂનના રોજ લખવામાં આવ્યું છે કે છ દિવસ સુધી સમગ્ર પરિવારે વડના પેડની વડવાઈઓની જેમ લટકવાની પ્રેક્ટિસ કરી હતી. આ દરમિયાન કોઈના હાથ બાંધવામાં આવ્યાં નહતાં પરંતુ 7માં દિવસે જ્યારે તેને દોહરાવવામાં આવ્યું તો લલિત અને ટીનાને બાદ કરતા બધાના હાથ બાંધેલા હતાં. જેના કારણે તેઓએ જીવ ગુમાવ્યાં. પોલીસને આશંકા છે કે લલિત અને ટીનાએ જ બધાને બાંધ્યા હશે અને ત્યારબાદ તેઓ પણ ફાંસો ખાઈને લટકી ગયાં.
પરિવારના ઘરની સામેના ઘરની બહાર લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પરિવારની મોટી વહુ સવિતા અને તેની પુત્રી નીતુ પાંચ સ્ટુલ લાવી રહ્યાં છે. આ સ્ટુલનો ત્યારબાદ પરિવારે ફાંસો ખાવામાં ઉપયોગ કર્યો હતો. બુરાડીમાં ગત રવિવારના રોજ એક જ ઘરમાં શંકાસ્પદ હાલતમાં મૃત મળી આવેલા ભાટિયા પરિવારના 2 સગીર પુત્રો 15 વર્ષના ધ્રુવ અને શિવમ હોશિયાર વિદ્યાર્થીઓ હતાં અને તેઓ સંગીતમાં રૂચિ ધરાવતા હતાં. આ કિશોરોની મોટી બહેન મીનુ (મેનકા) પણ ઉત્તર દિલ્હી સ્થિતતિમારપુરની વિરેન્દ્ર પબ્લિક સ્કૂલ (વીપીએસ)માંથી ભણી હતી. આ શાળામાં તે હંમેશા પહેલી આવતી હતી. શાળાના એક પ્રતિનિધિએ જણાવ્યું કે તપાસકર્તાઓએ આ મામલે તેમનો પણ સંપર્ક કર્યો.
નવમા ધોરણમાં ભણતા શિવમ અને ધ્રુવ (ધીરેન્દ્ર) હરફનમૌલા વિદ્યાર્થીઓ હતાં. તેમણે કહ્યું કે તેઓ બાળપણથી જ ત્યાં ભણતા હતાં અને અભ્યાસમાં હોશિયાર હતાં. પાઠ્યક્રમથી અલગ અન્ય ગતિવિધિઓમાં પણ ખુબ રસ લેતા હતાં. તેમની મોટી બહેન મેનકાએ પણ અમારી શાળામાંથી જ અભ્યાસ કર્યો હતો અને તે શાળાની ટોપર હતી. કોઈ પણ અધ્યાપકે તેમના વ્યવહારની ફરિયાદ કરી નહતી. અધ્યાપકોએ કહ્યું કે બંને છોકરાઓના વાલીઓ નિયમિત રીતે પેરેન્ટ્સ ટીચર મીટીંગમાં આવતા હતાં અને કક્ષામાં પોતાના બાળકોના પ્રદર્શનમાં ખુબ રૂચિ ધરાવતા હતાં. નોંધનીય છે કે ભાટિયા પરિવારના 11 સભ્યોમાંથી 10 ગત રવિવારે ગળે ફાંસો ખાઈને લટકી ગયા જ્યારે 77 વર્ષના નારાયણ દેવીનો મૃતદેહ મકાનના અન્ય રૂમમાંથી જમીન પર પડેલો મળી આવ્યો હતો.
નારાયણ દેવીની મોટી પુત્રી પ્રતિભા (57), બે પુત્ર ભુવનેશ (50) અને લલિત ભાટિયા (45) પણ મૃતકોમાં સામેલ છે. ભુવનેશની પત્ની સવિતા (48), તેમના 3 બાળકો મીનુ (23), નિધિ (25), અને ધ્રુવ (15) પણ મૃત અવસ્થામાં મળ્યા હતાં. લલિત ભાટિયાની પત્ની ટીના (42) અને તેનો 15 વર્ષનો પુત્ર શિવમ પણ મૃત મળી આવ્યાં હતાં. પ્રતિભાની પુત્રી પ્રિયંકા (33)ની ગત મહિને સગાઈ થઈ હતી અને આ વર્ષના અંતમાં તેના લગ્ન થવાના હતાં.