ઉત્તરાખંડમાં બેકાબુ થયેલી બસ ખાઈમાં ખાબકતા 47ના દર્દનાક મોત, 11 ઘાયલ
ઉત્તરાખંડના પૌડી ગઢવાલમાં એક અત્યંત દર્દનાક અકસ્માત થયો છે. બેકાબુ થયેલી બસ ખાઈમાં ખાબકતા ઓછામાં ઓછા 35 લોકોના માર્યા ગયા હોવાના અહેવાલ છે.
નવી દિલ્હી: ઉત્તરાખંડના પૌડી ગઢવાલમાં એક અત્યંત દર્દનાક અકસ્માત થયો છે. બેકાબુ થયેલી બસ ખાઈમાં ખાબકતા 47 લોકોના માર્યા ગયા હોવાના અહેવાલ છે. અકસ્માતની ગંભીરતા જોતા મૃત્યુઆંક વધી શકે છે. બસમાં અનેક લોકો ફસાયેલા હોવાનું કહેવાય છે. 11 જેટલા લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. પ્રશાસને હેલિકોપ્ટર દ્વારા રાહત અને બચાવ કાર્ય શરૂ કરાવ્યું છે.
મળતી માહિતી મુજબ ઘૂમાકોટ તહસીલના નૈનીડાંડા બ્લોકમાં આવતા પિપલીઘોન મોટર માર્ગ પર ગ્વીન ગામ પાસે આજે સવારે ગઢવાલ મોટર યૂઝર્સની બસ અકસ્માતગ્રસ્ત થઈ. આ દુર્ઘટનામાં 47 લોકો માર્યા ગયા હોવાનું કહેવાય છે. એસડીઆરએફની ટીમ હેલિકોપ્ટર દ્વારા બચાવ અને રાહત કાર્ય કરી રહી છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે અકસ્માત પર દુ:ખ વ્યક્ત કર્યુ છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.
p>ઘાયલોને સારવાર માટે ઘૂમાકોટના સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં દાખલ કરાવવામાં આવ્યાં છે. UK12C-019 નંબરની આ બસ આજે સવારે લગભગ 6 વાગ્યે ઘૌન ગામથી રામનગર જવા માટે નીકળી હતી. વિસ્તારના જ એક ગામમાં જાગરણનું આયોજન કરવામાં આવ્યું હતું. અકસ્માતનો શિકાર થયેલા લોકો તેમાં સામેલ થયા બાદ પાછા ફરી રહ્યાં હતાં.
કેટલાક મુસાફરોને રામનગરથી દિલ્હી માટે બસ પકડવાની હતી. કહેવાય છે કે બસમાં 50થી વધુ લોકો સવાર હતાં. પ્રશાસને હજુ સુધી અધિકૃત રીતે મૃત્યુઆંકની પુષ્ટિ કરી નથી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યાં મુજબ બસ બેકાબુ થયા બાદ ખાઈમાં ખાબકી હતી. રસ્તાથી લગભગ 100 મીટર નીચે એક વરસાદી નાળામાં ખાબક્યા બાદ બસના બે ટુકડા થઈ ગયા હતાં. ફસાયેલા મૃતદેહોને ગ્રામીણોની મદદથી બસની બહાર કાઢવામાં આવી રહ્યાં છે. અનેક લોકો ગંભીર રીતે પણ ઘાયલ થયા છે.