અંગ્રેજોની મદદને ઠોકર મારી, કેમિકલના ક્ષેત્રમાં ભારતને આત્મનિર્ભર બનાવનાર એક ગુજરાતીની વાત
એક્સેલ ઈન્ડસ્ટ્રીઝના સ્થાપક ચાંપરાજ શ્રોફ એક ઉદ્યોગપતિ ઉપરાંત દેશભક્ત છે. ભારતને કેમિકલના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવામાં શ્રોફનો સિંહફાળો છે. તેમનો મૂળ મંત્ર આજે ગુજરાતને ફળી રહ્યો છે.
અભિષેક જૈન, અમદાવાદઃ કેમિકલ ક્ષત્રે આજે ગુજરાતનું નામ દુનિયાભરમાં ગાજે છે. ગુજરાતની કેમિકલ કંપનીઓનો ડંકો દુનિયાભરમાં વાગે છે. તેના મૂળમાં કેટલાક ઉદ્યોગ સાહસિકો છે. જેમાંથી ટોચનું નામ છે ચાંપરાજ શ્રોફ, જેઓ ગુજરાતના રસાયણ ઉદ્યોગના પિતા તરીકે ઓળખાય છે. ભારત આજે ઘણા કેમિકલ બનાવવામાં આત્મનિર્ભર છે, તેની પાછળનું કારણ ચાંપરાજ શ્રોફ છે. 23 ફેબ્રુઆરી 1909ના રોજ કચ્છના માંડવીમાં જાણીતા શ્રોફ પરિવારમાં જન્મેલા ચાંપરાજે કેમિકલ જગતમાં તો પોતાનું નામ બનાવ્યું જ છે, પણ સાથે જ આઝાદીની ચળવળમાં પણ મદદરૂપ થયા. 3 જાન્યુઆરી 1968ના રોજ તેઓ અવસાન પામ્યા, ત્યાં સુધી તો કેમિકલ ક્ષેત્રમાં ભારતને આત્મનિર્ભર બનાવી દીધું હતું.
અંગ્રેજોની સ્કોલરશિપ ફગાવી દીધી-
ચાંપરાજ શ્રોફ મુંબઈની પ્રતિષ્ઠિત રોયલ ઈન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સમાં કેમેસ્ટ્રીમાં બી.એસ.સીનો અભ્યાસ કરી રહ્યા હતા, ત્યારે અભ્યાસમાં તેમની તેજસ્વીતાને જોતાં કોલેજે બ્રિટન જઈને વધુ અભ્યાસ કરવા સ્કોલરશીપ ઓફર કરી, જો કે તેમણે આ સ્કોલરશીપ લેવાનો ઈન્કાર કર્યો. તેમણે ભારતમાં જ રહીને ભારતને મદદરૂપ થવાનો નિર્ધાર કર્યો.
એક્સેલ ઈન્ડસ્ટ્રીઝની સ્થાપના કરી-
1941માં તેમણે મુંબઈમાં 'એક્સલ'ના નામે કેમિકલ કંપનીની શરૂઆત કરી. વેપાર શરૂ કરવા તેમના માતાએ પોતાનાં ઘરેણા આપીને નાણાકીય મદદ કરી...ચાંપરાજ શ્રોફે પોતાના ઘરમાં જ લેબોરેટરી શરૂ કરીને અનેક રસાયણો બનાવ્યાં. તેમણે 100થી વધુ પ્રોડક્ટ અને પ્રોસેસ તૈયાર કરી. ત્યાં સુધી કે તેમણે આયાત કરવામાં આવતા ઘણા કેમિકલના વિકલ્પની પહેલી વાર જાતે શોધ કરી અને તેમનું ઉત્પાદન કર્યું.
આત્મનિર્ભરતા મૂળ મંત્ર-
ચાંપરાજ શ્રોફનો મૂળ મંત્ર હતો, "જો કોઈ વસ્તુને વિદેશમાં બનાવી શકાય છે, તો તેને પોતાના દેશમાં કેમ ન બનાવી શકાય." તેમનું સપનું ભારતને કેમિકલના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવાનું હતું. તેઓ પોતાના ક્ષેત્રમાં એટલા મહત્વાકાંક્ષી હતા કે એક્સલ કંપનીના ઘણા પ્લાન્ટની ઉપર વર્ષો સુધી છાપરા નહતા. તેની પાછળનું કારણ તેઓ એવું આપતા કે, "જો તમારી મહત્વાકાંક્ષા આકાશ સુધી પહોંચવાની હોય, તો પ્લાન્ટ પર છાપરાં શા માટે બનાવવા જોઈએ?"
આઝાદીની લડતમાં ફાળો-
આઝાદીની લડત દરમ્યાન ચાંપરાજ શ્રોફે 1942માં ભૂગર્ભમાં ઉતરેલા સ્વતંત્રતા સેનાનીઓને હાથ બનાવટના બોમ્બ પૂરાં પાડ્યાં હતાં. હવાઇ દળ માટે જરૂરી એવી ટાઈટેનિયમ ટેટ્રાક્લોરાઇડ સ્મોકસ્ક્રીન પણ પૂરી પાડી. અનાજને સાચવવા અને જીવાણુંમુક્ત કરવા સરકારને સેલ્ફોસ પણ પૂરું પાડ્યું. પાકને સાચવવા પેસ્ટીસાઈડ્સ બનાવ્યા. એક્સેલ ઈન્ડસ્ટ્રીઝ પેસ્ટીસાઈડ્સ બનાવતી સંભવતઃ દેશની પ્રથમ કંપની છે.
1450 કરોડ રૂપિયાની કંપની-
એક્સલ ઈન્ડસ્ટ્રીઝ આજે વટવૃક્ષ સમાન કેમિકલ કંપની છે. કંપનીનું વાર્ષિક ટર્નઓવર 1450 કરોડ રૂપિયા જેટલું છે. ચાંપરાજ શ્રોફના પુત્ર અશ્વિન શ્રોફના હાથમાં કંપનીનું સંચાલન છે.