નવી દિલ્હી : દેશમાં સુરક્ષાબળો માટે સૌથી મોટી સમસ્યા અને ખતરો નક્સલવાદ બની રહ્યો છે. દેશના અર્ધ સૈનિક બળોને આતંકવાદ કરતાં સૌથી વધુ નુકસાન નકસલી ઓપરેશનમાં ભોગવવું પડે છે. પરંતુ હવે સી-60 કમાન્ડો નક્સલીઓની કમર તોડી રહ્યા છે. એમની રણનીતિ એટલી ખતરનાક છે કે નક્સલીઓનો સફાયો થઇ રહ્યો છે. બે ઓપરેશનમાં એમણે કોઇ નુક્સાન વગર 39 નક્સલીઓનો ખાતમો કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્રમાં હાલમાં જિલ્લા કક્ષાએ એની રચના કરવામાં આવે છે પરંતુ એના સારા પરિણામો ચોંકાવી રહ્યા છે. જેને પગલે હવે કેન્દ્ર તરફથી કહેવાઇ રહ્યું છે કે દેશના અન્ય નકસલ પ્રભાવિત વિસ્તારોમાં આ પણ રીતે નકસલીઓ સામે લડવા કમાન્ડો તૈયાર કરાશે. 


ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં પ્રસિધ્ધ થયેલા અહેવાલ અનુસાર ગૃહ સચિવ રાજીવ ગૌબાએ નક્સલ પ્રભાવિત વિસ્તારમાં તૈનાત અર્ધસૈનિક બળોના ડીજી અને ડીજીપીને પત્ર લખીને કહ્યું છે કે, તે સી-60 કમાન્ડોની રણનીતિ પર કામ કરે અને નક્સલીઓ વિરૂધ્ધ ઓપરેશન ચલાવે. સી-60 કમાન્ડો એક જિલ્લા સ્તરે રચના કરાયેલી ખાસ ફોર્સ છે. મહારાષ્ટ્ર પોલીસે 1989-90માં નક્સલીઓ સામે લડવા માટે એક વિશેષ ટીમ બનાવી હતી. રાજ્યમાં સૌથી વધુ નક્સલી પ્રભાવિત વિસ્તાર ગઢચિરૌલીમાં સ્થાનિક લોકોને પસંદ કરી ટીમ બનાવાઇ હતી. 


29 વર્ષ પહેલા આવ્યો હતો વિચાર
જિલ્લા સ્તરે ફોર્સ બનાવવાનો વિચાર સૌથી પહેલા 1989-90માં આઇપીએસ અધિકારી કેપી રઘુવંશીએ આપ્યો હતો. જેના સારા પરિણામ મળ્યા હતા. જેને આધારે આ ટીમનો વિસ્તાર કરાયો છે અને હવે અન્ય વિસ્તારોમાં પણ આ તર્જ પર કામ કરાશે. 


શું છે C-60 કમાન્ડો
જેની શરૂઆત મહારાષ્ટ્રના નક્સલ પ્રભાવિત વિસ્તાર ગઢચિરોલીમાંથી થઇ હતી. જેમાં પહેલા 60 આદિવાસી લોકોની ભરતી કરવામાં આવી હતી. હવે આ યૂનિટમાં 800 લોકો છે. સી-60ના કમાન્ડોને વિશેષ તાલીમ આપવામાં આવે છે. આ તમામ સ્થાનિક ભાષા જેવી કે ગૌંડી તથા મરાઠી બોલે છે. આ કમાન્ડોને આધુનિક હથિયાર અને ગેજેટ્સ ચલાવવાની તાલીમ પણ આપવામાં આવી છે. તેઓ ગામ અને જંગલથી પરિચીત હોય છે. એમનામાં કમાલની ક્ષમતા હોય છે. સી-60 ટીમના વડા પણ આદિવાસી જ હોય છે.