Punjab: કેપ્ટન અમરિંદર સિંહે કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામુ, નવી પાર્ટી `પંજાબ લોક કોંગ્રેસ`ની કરી જાહેરાત
કોંગ્રેસમાંથી નારાજ થયેલા પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે આજે પાર્ટીના સભ્ય પદેથી રાજીનામુ આપી દીધુ છે. આ સાથે તેમણે પંજાબમાં પોતાની નવી રાજકીય પાર્ટીની જાહેરાત કરી છે.
ચંડીગઢઃ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધુ છે. અમરિંદર સિંહે પાર્ટીના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીને લખેલા એક પત્રમાં પોતાનું રાજીનામું આપ્યું છે. આ સાથે કેપ્ટન અમરિંદર સિંહે આજે પોતાની નવી પાર્ટીની જાહેરાત કરી દીધી છે. કેપ્ટન અમરિંદરે 'પંજાબ લોક કોંગ્રેસ' નામથી પોતાની નવી પાર્ટી બનાવી છે.
પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુની સાથે મતભેદ બાદ મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપનાર કેપ્ટન અમરિંદર સિંહે પાછલા મહિને પોતાના નવા દાંવ પરથી સસ્પેન્સ હટાવતા કહ્યુ હતુ કે તે જલદી નવી પાર્ટી બનાવશે. આ સાથે તેમણે સંકેત આપ્યો કે, પંજાબ વિધાનસભા ચૂંટણી માટે ભાજપની સાથે સાથે અલાકીથી અલગ થયેલા સમાન વિચારવાળા દળો સાથે ગઠબંધન કરશે. પરંતુ અમરિંદરે સ્પષ્ટ કર્યુ કે, ભાજપ સાથે ગઠબંધન કૃષિ કાયદાના મુદ્દે સંતોષજનક સમાધાન પર નિર્ભર કરશે.
આ પણ વાંચોઃ આ રાજ્યમાં સત્તામાં છે BJP પરંતુ કરમાયું 'કમળ', કોંગ્રેસે કબજે કરી 4 સીટ
ત્યારે કેપ્ટન અમરિંદર સિંહના મીડિયા સલાહકાર રવીન ઠુકરાલે ટ્વિટર પર તેમનું નિવેદન જાહેર કરતા કહ્યુ હતુ કે, 'પંજાબના ભવિષ્ય માટે સંઘર્ષ જારી છે. પંજાબ અને તેના લોકો તથા કિસાનો જે એક વર્ષ કરતા વધુ સમયથી અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહ્યા છે, તેના માટે હું નવી પાર્ટીની જાહેરાત કરીશ. જો કિસાન વિરોધનું કિસાનોના હિતમાં કોઈ સમાધાન નિકળે છે તો ભાજપની સાથે વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં સીટોની સમજુતીને લઈને આશાવાદી છું.'
અમરિંદર કરી રહ્યા હતા સિદ્ધુનો વિરોધ
મહત્વનું છે કે નવજોત સિંહ સિદ્ધુએ 2017 વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ જોઈન કરી હતી. પંજાબમાં સરકાર બન્યા બાદથી અમરિંદર સિંહ અને સિદ્ધુ વચ્ચે તણાવ ઉભો થયો હતો. સિદ્ધુએ હાલમાં પંજાબ સરકાર પર હુમલાઓ વધારી દીધા હતા અને સપ્ટેમ્બરમાં અમરિંદર સિંહે પંજાબના મુખ્યમંત્રીની ખુરશી છોડવી પડી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube