શહીદના માતા પિતાના પુત્રવધુ પર ગંભીર આરોપ, જાણો આખરે શું છે એ નિયમ...જેના વિશે થઈ રહી છે વાત
ગત વર્ષ જુલાઈમાં સિયાચિનમાં આગ લાગવાની ઘટનામાં શહીદ થયેલા કેપ્ટન અંશુમાન સિંહના માતા પિતાએ ભારતીય સેનાને Next Of Kin (NOK) ના માપદંડોમાં ફેરફારની માંગણી કરી છે.
ગત વર્ષ જુલાઈમાં સિયાચિનમાં આગ લાગવાની ઘટનામાં શહીદ થયેલા કેપ્ટન અંશુમાન સિંહના માતા પિતાએ ભારતીય સેનાને Next Of Kin (NOK) ના માપદંડોમાં ફેરફારની માંગણી કરી છે. એક સમાચાર ચેનલ સાથે વાતચીતમાં રવિ પ્રતાપ સિંહ અને તેમના પત્ની મંજૂ સિંહે દાવો કર્યો કે તેમના પુત્રના મોત બાદ તેમની પુત્રવધુ સ્મૃતિ સિંહ તેમનું ઘર છોડીને જતી રહી છે અને હવે મોટાભાગના લાભ ઉઠાવી રહી છે. શ્રી સિંહે જણાવ્યું કે તેમની પાસે ફક્ત તેમના પુત્રની એક તસવીર છે જે દીવાલ પર ટાંગેલી છે. શહીદ કેપ્ટન અંશુમાનના માતા પિતાએ પોતાના નિવેદનમાં કહ્યું કે મારો પુત્ર શહીદ થઈ ગયો પણ બધુ વહુ લઈને જતી રહી.
અત્રે જણાવવાનું કે કીર્તિ ચક્ર વિજેતા શહીદ અંશુમાન સિંહના પરિજનો હાલ ચર્ચામાં છે. ગત વર્ષે સિચાચીનમાં શહીદ થયેલા અંશુમાન સિંહને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ 5 જુલાઈના રોજ મરણોપરાંત કીર્તિ ચક્રથી સન્માનિત કર્યા છે. આ સન્માન શહીદ અંશુમાન સિંહના પત્ની સ્મૃતિ સિંહ અને તેમના માતા મંજૂદેવીએ લીધુ હતું. પરંતુ હવે શહીદના માતાએ મીડિયા સાથે વાતચીત કરતા પુત્રવધુ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમનું કહેવું છે કે તેમનો પુત્ર શહીદ થયો પરંતુ તેમને કશું મળ્યું નહીં. સન્માન અને રકમ બંને વહુ લઈને જતી રહી. તેમનો પુત્ર પણ જતો રહ્યો અને તેમની વહુ પણ જતી રહી.
અસલમાં રવિ પ્રતાપ સિંહનું કહેવું છે કે એનઓકે માટે જે માપદંડ નક્કી કરાયા છે તે યોગ્ય નથી. મે આ અંગે રક્ષામંત્રી રાજનાથ સિંહ સાથે પણ વાત કરી છે. અંશુમાનની પત્ની હવે અમારી સાથે નથી રહેતી, લગ્નને હજુ પાંચ મહિના જ થયા હતા અને કોઈ બાળક પણ નથી. અમારી પાસે ફક્ત અમારા પુત્રની એક તસવીર છે જે દીવાલ પર એક માળા સાથે લટકેલી છે.
નિયમમાં ફેરફારની માંગણી
તેમણે કહ્યું કે આથી અમે ઈચ્છીએ છીએ કે NOK ની પરિભાષા નક્કી કરવામાં આવે. એ નક્કી કરવામાં આવે કે જો શહીદની પત્ની પરિવાર સાથે રહેતી હોય તો કોના પર કેટલી નિર્ભર છે. કેપ્ટન સિંહના માતાએ કહ્યું કે તેઓ ઈચ્છે છે કે સરકાર એનઓકેના નિયમો પર ફરીથી વિચાર કરે જેથી કરીને અન્ય માતા પિતાને પરેશાની ન ભોગવવી પડે.
મળતી માહિતી મુજબ શહીદ અંશુમાન સિંહના પત્ની સ્મૃતિ સરકાર તરફથી મળલા કીર્તિ ચક્રને લઈને પોતાના ઘરે ગુરુદાસપુર જતા રહ્યા છે. મેડલની સાથે સાથે દસ્તાવેજોમાં પણ નોંધાયેલા સ્થાયી સરનામાને પણ બદલીને તેમણે પોતાના ઘર ગુરુદાસપુરનું કરાવી દીધુ છે.
શું કહે છે નિયમ
અસલમાં NOK નો અર્થ થાય છે કે આગામી વ્યક્તિ (Next Of Kin) આ શબ્દ કોઈ વ્યક્તિના સૌથી નજીકના સંબંધી કે કાનૂની પ્રતિનિધિ માટે ઉપયોગમાં લેવાય છે. સેનાના નિયમો મુજબ જો સેનામાં કોઈ વ્યક્તિ સાથે કઈ પણ થાય તો એક ખાસ રકમ (એક્સ ગ્રેસિયા) તેના NOK ને આપવામાં આવે છે. તેને તમે બેંકમાં જેમ નોમિની હોય છે એ રીતે સમજી શકો છો.
જ્યારે કોઈ કેડેટ કે અધિકારી સેનામાં સામેલ થાય છે ત્યારે તેના માતા પિતા કે વાલીનું નામ NOK તરીકે લેવામાં આવે છે. પરંતુજ્યારે તે કેડેટ કે અધિકારીના લગ્ન થાય તો સેનાના નિયમો મુજબ તેના જીવનસાથીનું નામ તેના માતા પિતાની જગ્યાએ NOK તરીકે નોંધાય છે.
અત્રે જણાવવાનું કે કેપ્ટન સિંહ સિયાચિન ગ્લેશિયર વિસ્તારમાં 26 પંજાબ રેજિમેન્ટમાં એક મેડિકલ ઓફિસર તરીકે તૈનાત હતા. 19 જુલાઈ 2023ના રોજ સવારે 3 વાગે ભારતીય સેનાના ગોળા બારૂદ ડેપોમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. કેપ્ટન સિંહે જોયુ કે એક ફાઈબરગ્લાસનું ઝૂંપડું આગની જ્વાળામાં લપેટાયું છે તો તેમણે તરત તેમાં ફસાયેલા લોકોને બચાવવા માટે કામ કર્યું. તેમણે ચાર પાંચ લોકોને સફળતાપૂર્વક બચાવી લીધા. પરંતુ આગ જલદી પાસેના એક રૂમ સુધી ફેલાઈ ગઈ અને કેપ્ટન સિંહ પાછા ધધકતી ઈમારતમાં જતા રહ્યા. અનેક પ્રયત્નો છતાં તેઓ બચી શક્યા નહીં.