કાવેરી વિવાદ: કમલ હાસન અને રજનીકાંતે સાથે મળી કાવેરીનો મુદ્દો ઉઠાવ્યો
સુપ્રીમે અગાઉ કાવેરીમાંથી તમિલનાડુને મળતા પાણીમાં 14.75 TMCનો ઘટાડો કરીને કર્ણાટકનો જથ્થો વધારી દીધો હતો
બેંગ્લુરૂ : કર્ણાટક અને તમિલનાડુમાં કાવેરી જળ વિવાદ મુદ્દે રવિવારે ચેન્નાઇમાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યું છે. તમિલનાડુ આ મુદ્દે કાવેરી મેનેજમેન્ટ બોર્ડની રચના કરવા માટેની માંગ કરી રહી છે. રવિવારે ચેન્નાઇમાં થયેલા વિરોધ પ્રદર્શનમાં ફિલ્મ અભિનેતાથી રાજનેતા બનેલા રજનીકાંત અને કમલહાસન એકસાથે જોવા મળ્યા હતા. આ બંન્ને ઉપરાંત અભિનેતા અને રજનીકાંતનાં જમાઇ ધનુષ, એમ.નાસર, સત્યરાજ, વિજય, વિક્રમ, શિવાકાર્તિકેયન, પ્રશાંત, સુર્યા, શ્રીપ્રિયા, કસ્તૂરી, રેખા હૈરિસ અને વિશાલ સહિત ઘણા તમિલ કલાકારો પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા છે. આ વિરોધ પ્રદર્શનમાં સંગીતકાર ઇલૈયારાજાનો પણ સમાવેશ થાય છે. આ તમામ કેન્દ્ર સરકાર પાસે આ વિવાદનાં ઉકેલની માંગ કરી રહ્યા હતા.
હાલમાં જ તમિલનાડુની રાજનીતિમાં આવેલા રજનીકાંતે કહ્યું કે, જો સુપ્રીમ કોર્ટનાં આદેશ અનુસાર બોર્ડની રચના નહી કરવામાં આવે તો તમિલનાડુનાં લોકોનાં ગુસ્સાની જવાબદારી કેન્દ્ર સરકારની રહેશે. આ સાથે જ તેમણે કહ્યું કે, ચેન્નાઇ સુપર કિંગ્સનાં ખેલાડીઓએ આ વસ્તુનાંવિરોધમાં પોતાનાં હાથમાં કાળા બેન્ડ બાંધીને રમવાનો પ્રયાસ કરવો જોઇએ. રજનીકાંતે કહ્યું કે તેનાં કારણે સમગ્ર દેશમાં સંદેશ જશે. સમગ્ર તમિલનાડુ રાજ્યમાં હાલનાં દિસોમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે.
ત્રિચીમાં આ મુદ્દે શુક્રવારે ખેડૂતોએ પણ પ્રદર્શન કર્યું હતું. ગુરૂવારે ડીએકે દ્વારા પણ બંધનું આહ્વાન કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે પાણીની વિકટ સમસ્યા છે ત્યારે ચેન્નાઇમાં યોજાનારી મેચોનો પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. હાલ આ મેચોનાં મુદ્દે તણાવની પરિસ્થિતી છે.