નવી દિલ્હીઃ સીબીઆઈના સ્પેશિલ નિર્દેશક આલોક વર્માએ તેમને રજા પર ઉતારી દેવા અને બધા જ અધિકાર પાછા ખેંચી લેવા અંગેના કેન્દ્ર સરકારના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. વર્માએ પોતાની અરજીમાં જણાવ્યું છે કે, "સીબીઆઈ પાસે અપેક્ષા રાખવામાં આવે છે કે તે એક સ્વતંત્ર અને સ્વાયત્ત એજન્સી તરીકે કામ કરશે. એવી પરિસ્થિતીને ટાળી શકાય નહીં, જ્યારે ઉચ્ચ પદ પર બેસેલા લોકો સાથે સંકળાયેલી તપાસની દિશા સરકારની મરજી પ્રમાણેની ન હોય. તાજેતરના દિવસોમાં એવા કેસ આવ્યા જેમાં તપાસ અધિકારીથી માંડીને જોઈન્ટ ડાયરેક્ટર/ડાયરેક્ટર સુધીના કોઈ એક વિશેષ એક્શન સુધી સહમત હતા, પરંતુ માત્ર સ્પેશલ ડિરેક્ટરનો અભિપ્રાય જુદો હતો."


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

- CVC અને કેન્દ્ર સરકારે રાતોરાત મને સીબીઆઈ ડાયરેક્ટરના પદ પરથી દૂર કરવાનો નિર્ણય લીધો અને એક વ્યક્તિની નિમણૂકનો નિર્ણય લેવાયો, જે ગેરકાયદે છે. 


- સરકારનું આ પગલું DSPE કાયદાની કલમ 4-b વિરુદ્ધ છે, જે સીબીઆઈ ડાયરેક્ટરની સ્વતંત્રતા સુનિશ્ચિત કરવા માટે બે વર્ષનો સમયગાળો નક્કી કરે છે. 


- DSPE કાયદાની કલમ 4-A પ્રમાણે સીબીઆઈ ડાયરેક્ટરની નિમણૂક વડા પ્રધાન, વિરોધ પક્ષના નેતા અને CJIની સમિતિ કરશે. સેક્શન 4b(2)માં સીબીઆઈ ડાયરેક્ટરની ટ્રાન્સફર માટે આ સમિતિની મંજુરી જરૂર છે. સરકારનો આદેશ આ બાબતનું ઉલ્લંઘન કરે છે. 


- આ અગાઉ સુપ્રીમ કોર્ટ પણ સીબીઆઈને સરકારના પ્રભાવમાંથી મુક્ત કરવાની વાત કરી ચૂકી છે. સરકારના આ પગલાથી સ્પષ્ટ છે કે, સીબીઆઈને DOPTથી સ્વતંત્ર કરવાની જરૂર છે. 


- મને સંસ્થા (CBI)ના અધિકારીઓ પર સંપૂર્ણ વિશ્વાસ છે અને આ રીતે ગેરકાયદે હસ્તક્ષેપથી અધિકારીઓનું મનોબળ તુટી જાય છે. 


- કેટલાક સંવેદનશીલ કેસમાં કાર્યવાહી અંગે CBIમાં તમામ અધિકારીઓમાં સર્વસંમતી હોય છે, સ્પેશિયલ ડાયરેક્ટર અસ્થાના જુદો જ અભિમત આપતા હતા. 


ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટ બુધવારે સીબીઆઈ નિર્દેશક આલોક કુમાર વર્માની અરજી પર સુનાવણી કરવા તૈયાર થઈ ગઈ છે. આ સુનાવણી 26 ઓક્ટોબરના રોજ હાથ ધરાશે. વર્માએ તેમને રજા પર ઉતારી દેવા અને તમામ અધિકાર પાછા ખેંચી લેવા અંગેના કેન્દ્રના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. 


સીબીઆઈના ટોચના બે અધિકારી આલોક વર્મા અને રાકેશ અસ્થાનાનો વિવાદ સપાટી પર આવ્યા બાદ ગઈકાલે મધરાતે કેન્દ્ર સરકારે તાત્કાલિક ધોરણે એક નિર્ણય લઈને બંને અધિકારીઓને રજા પર મોકલી દીધા છે અને વર્માના તમામ અધિકાર પાછા ખેંચી લીધા છે. મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈ, ન્યાયમૂર્તી એસ.કે. કૌલ અને ન્યાયમૂર્તિ એમ. જોસેફની બેન્ચ સીબીઆઈ ડિરેક્ટર આલોક વર્માની દલીલો સાથે સહમત થઈ હતી અને તેમણે 26 ઓક્ટોબરે સુનાવણી કરવાનો નિર્ણય લીધો છે. 


સીબીઆઈના પ્રમુખ વર્માએ સંયુક્ત નિર્દેશક એમ. નાગેશ્વર રાવને તપાસ એજન્સીના કામચલાઉ વડા બનાવવા અંગેના નિર્ણયને પણ પડકાર્યો છે. દિલ્હી હાઈકોર્ટે મંગળવારે આદેશ આપ્યો હતો કે, અસ્થાના સામે શરૂ થયેલી અપરાધિક કાર્યવાહીને યથાસ્થિતી જાળવી રાખવામાં આવે. 


અસ્થાનાએ ભ્રષ્ટાચારના આરોપમાં તેમની સામે દાખલ કરાયેલી એફઆઈઆરને કોર્ટમાં પડકારી હતી. આલોક વર્મા અને રાકેશ અસ્થાના વચ્ચે વધેલો વિવાદ સપાટીએ આવ્યા બાદ સીબીઆઈએ લાંચના એક કેસમાં પોતાના જ વિશેષ નિર્દેશક અસ્થાના સામે એફઆઈઆર દાખલ કરી હતી. 


આ સંબંધે સીબીઆઈએ પોતાના જ ડીએસપી દેવેન્દ્ર કુમારની પણ ધરપકડ કરી છે. મંગળવારે દિલ્હીની એક કોર્ટે સીબીઆઈને કુમારને 7 દિવસની કસ્ટડીમાં રાખીને પુછપરછ કરવાની મંજુરી આપી દીધી છે. અસ્થાના ઉપરાંત ધરપકડ કરાયેલા ડીએસપીએ પણ દિલ્હી હાઈકોર્ટમાં તેમના સામે દાખલ કરાયેલી એફઆઈઆર રદ્દ કરવાની માગ કરી છે.