ચિદમ્બરમની પૂછપરછ માટે CBIએ તૈયાર કર્યા 100 સવાલ, અનેક ડોક્યુમેન્ટ્રી પુરાવા ભેગા કર્યાં
સીબીઆઈએ ચિદમ્બરમને પૂછવા માટે 100થી વધુ સવાલ તૈયાર કર્યા છે. આ સાથે જ સીબીઆઈએ ચિદમ્બરમ દ્વારા પહેલા અપાયેલા જવાબોને કાઉન્ટર કરવા માટે અનેક ડોક્યુમેન્ટ્રી પુરાવા ભેગા કર્યા છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે ચિદમ્બરમ કોર્ટમાં જામીન માટે અરજી પણ દાખલ કરી શકે છે.
નવી દિલ્હી: આઈએનએક્સ મીડિયા કેસમાં સીબીઆઈ દ્વારા ધરપકડ કરાયેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણા મંત્રી પી ચિદમ્બરમે ગત રાત સીબીઆઈના હેડક્વાર્ટરમાં પસાર કરવી પડી. સીબીઆઈએ તેમને આખી રાત તે જ બિલ્ડિંગમાં રાખ્યાં જેના ઉદ્ધાટનમાં તેઓ પોતે સામેલ હતાં. યુપીએ-2 સરકારમાં ગૃહ મંત્રી રહેલા પી.ચિદમ્બરમની હાજરીમાં સીજીઓ કોમ્પલેક્સ સ્થિત સીબીઆઈના નવા હેડક્વાર્ટરનું ઉદ્ધાટન 30 જૂન 2011ના રોજ કરાયું હતું. આજે ચિદમ્બરમને સીબીઆઈની સ્પેશિયલ કોર્ટમાં રજુ કરવામાં આવશે. આઈએનએક્સ મીડિયા સંલગ્ન ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગના મામલાઓમાં આરોપી ચિદમ્બરમને બપોરે 2 વાગે સ્પેશિયલ સીબીઆઈ જજ અજય કુમાર કુહારની કોર્ટ (રાઉઝ એવન્યુ)માં રજુ કરાશે.
આ દરમિયાન સીબીઆઈ પૂર્વ નાણા મંત્રીની વધુમાં વધુ દિવસોની રિમાન્ડ માંગશે. આ અગાઉ પણ સીબીઆઈ આ કેસની સુનાવણી દરમિયાન અટકાયતમાં પૂછપરછની માગણી કરતી રહી છે. સીબીઆઈની દલીલ રહી છે કે ચિદમ્બરમ પૂછપરછમાં સહયોગ કરતા નથી અને સવાલોના ગોળગોળ જવાબ આપે છે. હવે સીબીઆઈએ ચિદમ્બરમને પૂછવા માટે 100થી વધુ સવાલ તૈયાર કર્યા છે. આ સાથે જ સીબીઆઈએ ચિદમ્બરમ દ્વારા પહેલા અપાયેલા જવાબોને કાઉન્ટર કરવા માટે અનેક ડોક્યુમેન્ટ્રી પુરાવા ભેગા કર્યા છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે ચિદમ્બરમ કોર્ટમાં જામીન માટે અરજી પણ દાખલ કરી શકે છે.
VIDEO: જે CBI હેડક્વાર્ટરના ઉદ્ધાટનના ચિદમ્બરમ અતિથિ હતાં, ત્યાં જ ધરપકડ બાદ રાત વિતાવી
આ બાજુ ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમે પિતાની ધરપકડ પર નિવેદન આપતા કહ્યું કે કલમ 370ના મુદ્દેથી ધ્યાન ભટકાવવાના ઈરાદે આ ધરપકડ કરાઈ છે. આ અગાઉ તેમણે કહ્યું હતું કે તેમના પિતાને નાટકિય રીતે ધરપકડ કરાયા જે ફક્ત રાજકીય બદલાની ભાવનાથી પ્રેરિત છે. કાર્તિ ચિદમ્બરમે કહ્યું કે કથિત કૃત્ય 2008માં થયેલું અને તેમાં અત્યાર સુધી કોઈ આરોપ નથી.
અત્રે જણાવવાનું કે આ અગાઉ ગાયબ રહેલા પી ચિદમ્બરમ બુધવારે અચાનક કોંગ્રેસ હેડક્વાર્ટર પહોંચ્યા અને પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાને નિર્દોષ ગણાવ્યાં. તેમણે કહ્યું કે તેઓ કાયદાથી બચી નથી રહ્યાં પરંતુ કાયદાકીય સંરક્ષણની તૈયારી કરી રહ્યાં છે. આ સાથે તેમણે આશા વ્યક્ત કરી કે તપાસ એજન્સીઓ કાયદાનું સન્માન કરશે. ચિદમ્બરમે કહ્યું કે હું એ વાતે સ્તબ્ધ છું કે મારા પર કાયદાથી ભાગવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે, જ્યારે તેનાથી ઉલ્ટુ હું કાયદાકીય સંરક્ષણ મેળવવાની તૈયારી કરી રહ્યો છું. મારા પર આરોપ છે કે હું ન્યાયથી ભાગી રહ્યો છું પરંતુ તેનાથી બિલકુલ ઉલ્ટુ હું ન્યાયની શોધમાં લાગેલો છું. તેમણે કહ્યું કે તેઓ શુક્રવાર સુધી રાહ જોશે. સુપ્રીમે તેમની જામીન અરજી પર શુક્રવારે સુનાવણી કરવાની છે.
કોંગ્રેસના નેતા પી ચિદમ્બરમની આજે કોર્ટમાં પેશી, પૂછપરછ માટે CBI કરી શકે છે રિમાન્ડની માગણી
દિલ્હી ખાતે પત્રકાર પરિષદ સંબોધ્યા પછી ચિદમ્બરમ કોંગ્રેસ વડામથકના પાછલા દરવાજેથી સીધા જ દિલ્હીના જોરબાગ ખાતે આવેલા તેમના નિવાસસ્થાને પહોંચી ગયા હતા. આ દરમિયાન સીબીઆઈને જ્યારે ખબર પડી કે ચિદમ્બરમ કોંગ્રેસના વડામથક ખાતે પત્રકાર પરિષદ સંબોધી રહ્યા છે ત્યારે ટીમ તેમની ધરપકડ કરવા કોંગ્રેસ મુખ્યાલય પહોંચી હતી. સીબીઆઈની ટીમની પાછળ-પાછળ ઈડીની ટીમ પણ પહોંચી હતી.
સીબીઆઈ ટીમ જ્યારે કોંગ્રેસ વડામથકે પહોંચી ત્યારે ચિદમ્બરમ તેમના ઘરે પહોંચી ગયા હતા. આથી, બંને તપાસ એજન્સીની ટીમ તેમનો પીછો કરતા કરતા જોરબાગ ખાતે આવેલા ચિદમ્બરમના નિવાસસ્થાને પહોંચી હતી. અહીં, ચિદમ્બરમના બંગલોના ગેટ અંદરથી બંધ કરી દેવાયા હતા અને સીબીઆઈની ટીમને પ્રવેશ કરવા દેવાયો ન હતો. આથી, સીબીઆઈની ટીમ કમ્પાઉન્ડ વોલની દિવાલ કૂદીને ચિદમ્બરમના બંગલામાં પ્રવેશી હતી. સીબીઆઈની એક ટીમ ચિદમ્બરમના બંગલાના ગેટની બહાર ઊભી રહી હતી.
જુઓ LIVE TV