પદાધિકારીઓ પદ પર યથાવત્ત, એજન્સીની છબી ધૂંધળી કરવાનો પ્રયાસ: CBI
આલોક વર્માનાં વકીલે સુપ્રીમમાં રજુઆત કરી કે તેમને સવારે 06.00 વાગ્યે પદ પરથી હટાવીને રજા પર ઉતારી દેવાયા જે કેન્દ્રનો અસંવૈધાનિક નિર્ણય છે
નવી દિલ્હી : તપાસ એજન્સી સીબીઆઇમાં ચાલી રહેલી ઉથલ - પાથલ વચ્ચે સીબીઆઇની તરફ ગુરૂવારે એક અધિકારીક નિવેદન સામે આવ્યું છે. આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આલોક વર્મા સીબીઆઇ પ્રમુખ પદ પર યથાવત્ત રહેશે. સાથે જ સ્પેશ્યલ ડાયરેક્ટર તરીકે રાકેશ અસ્થાના પણ યથાવત્ત રહેશે. નિવેદનમાં સ્પષ્ટતા કરવામાં આવી કે, કામચલાઉ વરિષ્ઠ આઇપીએસ અધિકારી એમ.નાગેશ્વર રાવ તમામ નિર્ણયો લેશે. આ ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી કેન્દ્રીય સતર્કતા પંચ (CVC) આરોપોની તપાસ પુર્ણ નથી કરી લેતું.
સીબીઆઇ પ્રવક્તાએ જણાવ્યું કે, ખોટા સમાચારોના કારણે એજન્સીની વિશ્વસનીયતા પર અસર પડી રહી છે. સીવીસી બંન્ને અધિકારીઓના આરોપોની તપાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, એજન્સીની વિશ્વસનીયતા અને છબીના મુદ્દે ફેલાઇ રહેલા નકારાત્મક સમાચારોનાં કારણે આંતરરાષ્ટ્રીય સ્તર પર લડાઇ રહેલા મહત્વપુર્ણ કેસ પર અસર પડી શકે છે. હાલ ઉઠાવાયેલા તમામ પગલા એજન્સીની વિશ્વસનીયતાને જાળવી રાખવા માટે જ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સીબીઆઇની અંદર ચાલી રહેલી લડાઇ હવે કોર્ટરૂમ સુધી પહોંચી છે. અચાનક રજા પર ઉતારી દેવાયેલા સીબીઆઇ ડાયરેક્ટર આલોક કુમાર હવે સુપ્રીમ કોર્ટની શરણે પહોંચ્યા છે. વર્માના વકીલે સુપ્રીમને જણાવ્યું કે, 24 ઓક્ટોબરની સવારે 06.00 વાગ્યે અચાનક તેમને તેમના પદ પરથી હટાવી દેવાયા અને રજા પર મોકલી દેવાયા. જે સંપુર્ણ અસંવૈધાનિક અને અયોગ્ય છે.
શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં થશે સુનવણી
કેન્દ્ર સરકારનાં ચુકાદાની વિરુદ્ધ આલોક વર્મા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. જે મુદ્દે સુપ્રીમ શુક્રવારે સુનવણી કરશે તેવી માહિતી તેમનાં વકીલે આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે, સીબીઆઇનાં બે ઉચ્ચ અધિકારીઓ વચ્ચેને ગજગ્રાહ હાલ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે.