14 વર્ષ પછી CBI કરશે પોતાના ક્રાઈમ મેન્યુઅલમાં મોટો ફેરફાર
સીબીઆઈએ છેલ્લે 2005માં પોતાના ક્રાઈમ મેન્યુઅલમાં ફેરફાર કર્યો હતો. 2005થી માંડીને અત્યાર સુધી ભારતીય અપરાધિક કાયદા અને ભ્રષ્ટાચાર નિરોધક કાયદામાં અનેક ફેરફાર થઈ ચૂક્યા છે
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી તપાસ એજન્સી સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) તેના ક્રાઈમ મેન્યુઅલમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે. વર્ષ 2018માં ભ્રષ્ટાચાર નિરોધક કાયદામાં ફેરફાર આવ્યો હોવાના કારણે આ ફેરફાર જરૂરી છે. 14 વર્ષ પછી સીબીઆઈ પોતાનું ક્રાઈમ મેન્યુઅલ બદલવા જઈ રહી છે. સીબીઆઈએ છેલ્લે 2005માં પોતાના ક્રાઈમ મેન્યુઅલમાં ફેરફાર કર્યો હતો. 2005થી માંડીને અત્યાર સુધી ભારતીય અપરાધિક કાયદા અને ભ્રષ્ટાચાર નિરોધક કાયદામાં અનેક ફેરફાર થઈ ચૂક્યા છે.
2005માં જ્યારે ફેરફાર કરાયો હતો ત્યારે સાઈબર ક્રાઈમ સાથે જોડાયેલા અપરાધ અત્યંત ઓછા હતા. ત્યારથી માંડીને અત્યાર સુધીમાં સુપ્રીમ કોર્ટ પણ અનેક કેસમાં પોતાના ચૂકાદા આપી ચૂકી છે. આથી, સીબીઆઈને લાગ્યું કે, તેણે પોતાના ક્રાઈમ મેન્યુઅલમાં ફેરફાર કરવો જોઈએ.
હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીઃ ગુરૂવારે ચૂંટણી પંચની અંતિમ બેઠક
આ અગાઉ 1991માં CBIના મેન્યુઅલમાં ફેરફાર કરાયો હતો. આ માટે સીબીઆઈ અત્યારે અમેરિકાની તપાસ એજન્સી FBIના નિયમોનો અભ્યાસ કરી રહી છે. જેમાં તપાસ સાથે સંકળાયેલી વિવિધ પદ્ધતિઓ અને મીડિયાને વિવિધ કેસની માહિતી આપવાનો સમાવેશ થાય છે. આ સાથે જ સીબીઆઈ દેશની અન્ય તપાસ એજન્સીઓ અને વિદેશી તપાસ એજન્સીઓ સાથે તાલમેલ સાધવા અંગે પણ કામ કરી રહી છે.
સીબીઆઈ ભારતમાં ઈન્ટરપોલની નોડલ એજન્સી છે. આથી બીજા દેશમાંથી ભાગીને આવેલા અપરાધીઓની માહિતી પણ તેમને આપવામાં આવે છે. આથી આ પ્રકારના અપરાધીઓની માહિતીના આદાન-પ્રદાન માટે વિવિધ તપાસ એજન્સીઓ વચ્ચે સારો તાલમેલ હોવો જરૂરી છે.
જુઓ LIVE TV.....