CBI vs CBI : CVCને સહયોગ આપતા ન હતા આલોક વર્મા- કેન્દ્ર સરકારનો દાવો
સરકારે જણાવ્યું કે, એજન્સીના ટોચનાં અધિકારીઓ સામે `ભ્રષ્ટાચારના ગંભીર આરોપો`ને કારણે એક `અસામાન્ય અને અભૂતપૂર્વ` સ્થિતિનું નિર્માણ થયું હતું
નવી દિલ્હીઃ સરકારે બુધવારે દાવો કર્યો છે કે, રજા પર મોકલવામાં આવેલા સીબીઆઈના નિર્દેશક આલોક વર્મા કેન્દ્રીય વિજિલન્સ કમિશન (CVC)ને સહયોગ આપતા ન હતા. તેમને રજા પર મોકલવાના પોતાના નિર્ણયનો બચાવ કરતાં સરકારે જણાવ્યું કે, એજન્સીના વરિષ્ઠ પદાધિકારીઓ સામે 'ભ્રષ્ટાચારના ગંભીર આરોપો'ને કારણે એક "અસામાન્ય અને અભુતપૂર્વ" સ્થિતિ બની ગઈ હતી.
સરકારે વધુમાં જણાવ્યું કે, સીબીઆઈમાં જૂથવાદની સ્થિતિ ચરમસીમાએ પહોંચી ગઈ હતી. જેના કારણે દેશની આ પ્રમુખ સંસ્થાની વિશ્વસનિયતા અને પ્રતિષ્ઠાને મોટું નુકસાન પહોંચ્યું છે. આ ઉપરાંત સંસ્થામાં કામકાજનું વાતવરણ પણ ખરાબ થયું છે.
જાણો, CBIના સ્પેશિયલ નિર્દેશકે સુપ્રીમમાં દાખલ કરેલી પોતાની અરજીમાં શું લખ્યું છે...
એક લાંબા નિવેદનમાં સરકારે જણાવ્યું કે, CVCને 24 ઓગસ્ટ, 2018ના રોજ એક ફરિયાદ મળી હતી, જેમાં CBIનાં અધિકારીઓ સામે વિવિધ આરોપો લગાવાયા હતા. CVCએ CVC અધિનિયમ, 2003ની ધારા-11 અંતર્ગત 11 સપ્ટેમ્બરના રોજ ત્રણ નોટિસ ફટકારીને સીબીઆઈના નિર્દેશકને કમિશન સમક્ષ 14 સપ્ટેમ્બરના રોજ ફાઈલો અને દસ્તાવેજ ઉપલબ્ધ કરાવવા આદેશ આપ્યો હતો.
આ દસ્તાવેજો ઉપલબ્ધ કરાવવા માટે સીબીઆઈને વિવિધ તક આપવામાં આવી અને અનેક વખત કાર્યવાહી અટકાવાની વિનંતી બાદ કમિશનને 24 સપ્ટેમ્બરના રોજ આશ્વાસન અપાયું કે, તેઓ ત્રણ અઠવાડિયામાં દસ્તાવેજો ઉપલબ્ધ કરાવશે.
CBI vs CBI: સરકારે મુક્યો પક્ષ, અંદાજો ના લગાવો કોણ સાચુ અને કોણ ખોટુ
સરકારના નિવેદનમાં જણાવાયું છે કે, "વારંવાર આશ્વાસન આપવું અને યાદ અપાવાયા બાદ પણ સીબીઆઈના નિર્દેશક કમિશનમાં દસ્તાવેજ અને ફાઈલો ઉપલબ્ધ કરાવવામાં નિષ્ફળ રહ્યા હતા. CVCએ જણાવ્યું કે, ગંભીર આરોપો સાથે જોડાયેલા કેસમાં કમિશન દ્વારા માગવામાં આવેલા દસ્તાવેજ ઉપલબ્ધ કરાવવામાં સીબીઆઈના નિર્દેશક સહયોગ આપતા ન હતા."
CVCને એ પણ જોવા મળ્યું કે, સીબીઆઈના નિર્દેશકનું વલણ જરૂરિયાતો/ નિર્દેશોના પાલન અંગે અસહયોગજનક હતું અને તેમણે જાણીજોઈને કમિશનની કાર્યપ્રણાલીમાં વિઘ્ન પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે.