નવી દિલ્હીઃ CBIના ઉચ્ચ અધિકારીઓ વચ્ચેનો ઝઘડો સપાટી પર આવ્યા બાદ દેશની સર્વોચ્ચ એજન્સી સામે જે સવાલો ઊભા થયા છે તેના વચ્ચે સરકાર દ્વારા આલોક વર્મા અને રાકેશ અસ્થાનાને રજા પર ઉતારી દેવાના નિર્ણયની વિરોધ પક્ષો દ્વારા ભારે ટીકા કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડા પ્રધાનના અધ્યક્ષ સ્થાને મળેલી સમિતીમાં મંગળવારે મોડી રાત્રે બંને અધિકારીઓ વર્મા અને અસ્થાનાને ફરજિયાતપણે રજા પર ઉતારી દેવાના અને તેમનો ચાર્જ એમ. નાગેશ્વર રાવને આપવાનો નિર્ણય લેવાયો હતો. આ નિર્ણયની વિરોધ પક્ષોએ ભાર ટીકા કરી છે. 


કોંગ્રેસે આ નિર્ણયને સીધો જ રાફેલ સોદા સાથે જોડી દીધો છે. કોંગ્રેસના નેતા અભિષેક મનુ સંઘવીએ જણાવ્યું કે, "CBI વડાને રજા પર ઉતારી દેવા અંગે અમે સીધો મોદી સરકાર પર આરોપ લગાવીએ છીએ, કેમ કે તેને રાફેલ વિમાનના સોદાની તપાસની ચિંતા હતા."



CPI-M દ્વારા પણ આ નિર્ણય બાબતે સવાલ ઉઠાવાયો છે અને તેણે જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર તેમના "હાથા" કહેવાતા અધિકારીઓને બચાવવા માટે દોષિત છે. પક્ષના જનરલ સેક્રેટરી સિતારામ યેચુરીએ ટ્વીટ કરીને આરોપ લગાવ્યો કે, "મોદી સરકાર દ્વારા સીબીઆઈના વડાને તેમના પદ પરથી દૂર કરવા ગેરકાયદે છે, તેઓ તેમના હાથા કહેવાતા અધિકારીને બચાવવા માગે છે, જેની સામે ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લગાવાયા છે અને જેની તપાસ થવી જોઈએ. સરકારનો આ નિર્ણય એ બાબત તરફ ઈશારો કરે છે કે તેઓ ભાજપની ટોચની રાજકીય નેતાગીરીને બચાવવા માગે છે."


બસપાના માયાવતીએ પણ અધિકારકીઓને રજા પર મોકલી દેવાના સરકારના નિર્ણયની ટીકા કરી છે અને જણાવ્યું છે કે, આ એક ગંભીર બાબત છે. માયાવતીએ સમાચાર એજન્સી ANIને જણાવ્યું કે, "સરકારી તંત્રનો દુરૂપયોગ અને સીબીઆઈની કામગીરીમાં સરકારના હસ્તક્ષેપના કારણે ભૂતકાળમાં પણ અનેક ગોટાળા બહાર આવ્યા છે. સીબીઆઈમાં વર્તમાનમાં જે ઝઘડો સપાટીએ આવ્યો છે તે દેશ માટે એક ગંભીર બાબત છે. કેન્દ્ર સરકાર અત્યારે જે બાબતમાં હસ્તક્ષેપ કરી રહી છે તે સુપ્રીમ કોર્ટ સમક્ષ જવી જોઈએ." તેમણે અહીં આલોક વર્મા દ્વારા તેમને રજા ઉપર ઉતારી દેવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે તેના સંદર્ભમાં આ વાત જણાવી છે. 



દરમિયાન, સીબીઆઈના વચગાળાના વડા તરીકે એમ. નાગેશ્વર રાવની નિમણૂક પણ ટીકાનું પાત્ર બની છે. ડીએમકેના વડા એમ.કે. સ્ટાલીને 1986 બેચના ઓડિશા કેડરના આ આઈપીએસ અધિકારી સામે ભૂતકાળમાં થયેલી ફરિયાદોનો ઉલ્લેખ કર્યો છે. 



બુધવારે સવારે અરુણ જેટલીએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, "સીબીઆઈની સંસ્થાકિય સત્યનિષ્ઠા જાળવી રાખવા અને હિતોનો ટકરાવ રોકવા માટે વચગાળાના પગલા તરીકે તેમને રજા પર ઉતારી દેવાયા છે."